અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની કંપનીને ક્લીનચિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આરોપો રદ કરવાની યુએસ ન્યાય વિભાગની વિનંતી કોર્ટે સ્વીકારી
- ગૌતમ અદાણીને આરોપોથી મુક્ત કરવા પાછળ ડીલ થઇ હોવાના કોઇ જ પુરાવા નથી : કોર્ટ
- પડકારજનક સમયમાં પણ મને કાયદાના શાસન પર પૂર્ણ વિશ્વાસ, ચુકાદાનું સન્માનપૂર્વક સ્વાગત : અદાણી
વોશિંગ્ટન : અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકાની કોર્ટમાં તેમની સામે ચાલી રહેલા કેસોમાં મોટી રાહત મળી છે. ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે અમેરિકાના ન્યાય વિભાગની અરજીનો સ્વીકાર કરીને અદાણી ગુ્રપ તેમજ ગૌતમ અદાણીને ક્લીનચિટ આપી દીધી છે.
ન્યૂયોર્કની કોર્ટમાં ગૌતમ અદાણીએ પોતાની સામે ચાલી રહેલા ક્રિમિનલ કેસમાં અગાઉ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કેસો પરત લેવા માટે અમેરિકાના કોઇ પણ સરકારી વિભાગ સાથે ચર્ચા નથી થઇ ના તો કોઇ લોભ લાલચ આપવામાં આવી છે. આ દલીલોને પણ અમેરિકાની કોર્ટે સ્વીકારી હતી અને જજ નિકોલસ જી. ગરોફિસે કહ્યું હતું કે અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણીને આરોપોથી મૂક્ત કરવા પાછળ કોઇ ડીલ જવાબદાર હોય તેના પુરાવા નથી મળ્યા.
અમેરિકાના ન્યાય વિભાગની અરજીનો સ્વીકાર કરીને અંતે ગૌતમ અદાણી, અદાણી ગુ્રપને તમામ આરોપોથી મૂક્ત કરવામાં આવ્યા છે. સાથે જ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં જે આરોપો લગાવાયા હતા તેનો ફરી કોઇ નવા કેસમાં ઉપયોગ નહીં કરી શકાય. આ સાથે જ લગભગ બે વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇનો અંત આવ્યો હતો, તેથી ખુશી વ્યક્ત કરતા ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કોર્ટના નિર્ણયનું પુરા સન્માન સાથે સ્વાગત કરું છું, આ પડકારજનક સમયગાળા દરમિયાન પણ મને કાયદાના શાસન પર પુરો વિશ્વાસ હતો.
૨૦૨૪માં એવા આરોપો લાગ્યા હતા કે અદાણીએ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી તેમજ અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા. અદાણી અને તેમની કંપની આ આરોપોનું વારંવાર ખંડન કરતા આવ્યા હતા. અંતે અદાણી સામેના આરોપોને રદ કરવાની અમેરિકાના ન્યાય વિભાગની વિનંતીનો કોર્ટ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને ક્લીનચિટ આપવામાં આવી છે.
નોંધનીય છે કે ગૌતમ અદાણી અને તેમની કંપની સામે અત્યાર સુધી માત્ર આરોપો જ લાગ્યા હતા, કોર્ટ દ્વારા કોઇ જ ટ્રાયલ શરૂ કરવામાં નહોતી આવી. કોઇ સાક્ષીના નિવેદન કે પુરાવાની કોર્ટમાં ચકાસણી નથી થઇ. કોર્ટના દસ્તાવેજો મુજબ આ વર્ષે ફેબુ્રઆરીથી એપ્રીલ વચ્ચે આશરે ૬૦૦ પેજના કાયદાકીય તર્ક અને બચાવ માટેની દલીલોને અમેરિકાના ન્યાય વિભાગ તેમજ અમેરિકી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ રજુ કર્યા હતા, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.









