Get The App

ચીનની ક્રેન કંપનીએ નફાનો મોટો હિસ્સો કર્મચારીઓમાં વહેંચ્યો : ઘટના વાયરલ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ચીનની ક્રેન કંપનીએ નફાનો મોટો હિસ્સો કર્મચારીઓમાં વહેંચ્યો : ઘટના વાયરલ 1 - image

- યુવા કર્મચારીઓ પર દેવાનો બોજ હળવો કરવા

- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કંપનીએ બે હજાર મહિલા કર્મચારીઓમાં 16 લાખ યુઆનની રકમ વહેંચી હતી

બેઈજિંગ : એક ચીની ઉત્પાદન કંપનીએ તેના ૨૭૦ મિલિયન યુઆનના વાર્ષિક નફામાંથી વર્ષાન્તે બોનસ તરીકે ૧૮૦ મિલિયન યુઆન (૨૬ મિલિયન અમેરિકી ડોલર અથવા રૃા. ૨૩૫ કરોડ)નું વિતરણ કરતો વીડિયો વાયરલ થયો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા અનુસાર હેનન કુઆંગશાન ક્રેન કં.લિ.એ ૧૩ ફેબુ્રઆરીના રોજ ભવ્ય વાર્ષિક કાર્યક્રમ યોજીને તેના કર્મચારીઓ વચ્ચે ૬૦ મિલિયન યુઆનની રોકડ વહેંચી નાખી હતી. કંપનીની ઉદાર નીતિને કારણે તેના ચેરમેનને ઈન્ટરનેટ પર 'સૌથી વધુ રોકડ વહેંચતા બોસ' તરીકેનું બિરુદ મળ્યું છે. બોનસ ઉપરાંત કંપનીએ કર્મચારીઓમાં સોનાના  દાગીના પણ વહેંચ્યા છે.

આ ભવ્ય ઉજવણીમાં ૮૦૦ બેન્ક્વેટ ટેબલો બિછાવવામાં આવ્યા હતા અને તેમાં આશરે સાત હજાર કર્મચારીઓએ હિસ્સો લીધો હતો. કર્મચારીઓને વ્યક્ગિત રીતે મંચ પર બોલાવીને તેમના બોનસ લઈ જવા કહેવાયું હતું. એક અનોખા અને ઈન્ટરએક્ટિવ વળાંકમાં કેટલાક કર્મચારીઓએ તો પોતાની મેળે રોકડના ઢગલા ગણ્યા અને તેમને ગણતરી કરેલી રકમ લઈ જવાની મંજૂરી આપવામાં આવી જેના કારણે વિતરણ પ્રક્રિયામાં રોમાંચ અને પારદર્શિતા ઉમેરાયા.

ઓનલાઈન ફરતા વીડિયોમાં નોટોના બંડલો ઢંકાયેલા લાંબા ટેબલો અને કર્મચારીઓ આતુરતાપૂર્વક રોકડ ગણતા અને મંચ પરથી રોકડની મોટી થપ્પીઓ લઈ જતા દેખાતા હતા. કંપનીના ચેરમેન કુઈ પેઈજુને સમારંભ દરમ્યાન રમૂજ ઉમેરતા સ્પષ્ટતા કરી કે શા માટે વોશિંગ મશીનો જેવી પરંપરાગત ભેટોના સ્થાને રોકડ રકમ વધુ અર્થસભર છે. તેમણે જણાવ્યું કે અગાઉના  વર્ષોમાં કર્મચારીઓને સોનાના દાગીના અને વધારાના રોકડ બોનસો પણ આપવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર ૨૦૨૨માં સ્થપાયેલી કંપની ક્રેન ઉત્પાદન અને સામગ્રી સંચાલન કરતા ઉપકરણોમાં વિશેષતા ધરાવે છે તેમજ ૧૩૦થી વધુ દેશોમાં કાર્યરત છે. ૨૦૨૫માં તેણે પોતાના ૨૭૦ મિલિયન યુઆનના નફામાંથી લગભગ ૭૦ ટકા કર્મચારીઓમાં વિતરીત કરી દીધા હતા. આગલા વર્ષે તેણે ૨૬૦ મિલિયન યુઆનના ચોખ્ખા નફામાંથી ૧૭૦ મિલિયન યુઆન શેર કરીને એક ઉદાર નફો શેર કરતી કંપની તરીકે પોતાની પ્રતિષ્ઠા પુનર્સ્થાપિત કરી હતી. કુઈ પોતે કંપનીના લગભગ ૯૯ ટકા શેર ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે કંપનીની ઉદારતા બોનસથી પણ આગળ વિસ્તરે છે. માર્ચમાં તેણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેની બે હજાર મહિલા કર્મચારીઓને લગભગ ૧૬ લાખ યુઆન આપ્યા હતા. ઓનલાઈન વપરાશકારોએ કુઈને 'સૌથી વધુ રોકડ વહેંચતા બોસ' તરીકે ઓળખાવ્યો છે. પ્રશંસાનો જવાબ આપતા કુઈએ જણાવ્યું કે તેમનો હેતુ યુવા કર્મચારીઓ ભોગવવા પડતા કાર લોન અને ગીરો જેવા નાણાંકીય બોજને હળવો કરવાનો છે.