- ગયા વર્ષે 7નો ભૂકંપ આવ્યો છતાં ચીને બાંધકામ ના અટકાવ્યું
- ડ્રેગન બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે છેડછાડ કરીને ભારતમાં પૂર અથવા દુષ્કાળની સ્થિતિ પેદા કરી શકે છે
બેજિંગ : ચીનનું વધુ એક ભારત વિરોધી પગલુ સામે આવ્યું છે, ચીને હવે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કામ શરૂ કરી દીધુ છે. જોકે ચિંતાજનક વાત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર ૫૦ કિલોમીટર દૂર છે. ચીનના આ વિશાળ ડેમને કારણે બ્રહ્મપુત્ર નદીના નીચલા જળ સ્તરવાળા વિસ્તારમાં ખાસ કરીને અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગંભીર ખતરો વધી ગયો છે.
ભારત દ્વારા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો હોવા છતા સરહદેથી માત્ર ૫૦ કિમી દૂર તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદી પર ચીન વિશ્વનો સૌથી વિશાળ ડેમ બાંધવા જઇ રહ્યું છે. આ ડેમનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે જેનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. આ ડેમ ભારત માટે મોટા ખતરા સમાન માનવામાં આવે છે. કેમ કે તેનાથી ચીન સરહદવાળા રાજ્યો તેમજ આસામમાં પૂરની સ્થિતિ પેદા થઇ શકે છે. એટલે ચીનનો આ ડેમ ભારત પર મોટું સંકટ લાવી શકે છે.
ચીન દ્વારા બનાવવામાં આવી રહેલો આ ડેમ ભારત માટે એટલે પણ મોટો ખતરો માનવામાં આવે છે કેમ કે આ ડેમ યારલુંગ ત્સાંગપો નદી પર બની રહ્યો છે જે તિબેટથી વહીને ભારતમાં સિયાંગના નામે પ્રવેશ કરે છે. જે આગળ જઇને આસામમાં વિશાળ બ્રહ્મપુત્ર નદી બને છે. ભારત દ્વારા વારંવાર આ ડેમને લઇને વિરોધ કરાઇ રહ્યો છે કેમ કે પ્રવાહ ભારત તરફ વહી રહ્યો છે જેથી જો નદી પર ડેમ બની જાય તો ચીન ઇચ્છે ત્યારે પાણી છોડીને ભારતમાં વિશાળ વિસ્તારમાં પૂર લાવી શકે છે. અથવા દુષ્કાળની સ્થિતિમાં પાણીનો પ્રવાહ અટકાવી પણ શકે છે જેનાથી ભારતમાં સરહદી વિસ્તારોમાં કૃષિને લઇને નુકસાન થઇ શકે છે.
ચીન એવો દાવો કરતુ આવ્યું છે કે આ ડેમનો ઉદ્દેશ્ય જળઉર્જા પેદા કરવાનો છે, જોકે ભારત જેવા નીચલા સ્તરવાળા વિસ્તાર માટે મોટો ખતરો રહેલો છે. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યસભામાં દાવો કર્યો હતો કે ભારત ચીનના આ ડેમના પ્રોજેક્ટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જોકે હવે એવા અહેવાલો છે કે ચીને આ ડેમનું બાંધકામ શરૂ કરી દીધુ છે જે ઘટસ્ફોટ સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. એક મોટો ખતરો એ પણ રહેલો છે કે ચીન જે વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે તેને ભુકંપની દ્રષ્ટીએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં ભુકંપના અનેક આચકા આવી ચુક્યા છે. જાન્યુઆરી ૨૦૨૫ના ૭.૧ની તિવ્રતાનો ભૂકંપ અહીંયા આવ્યો હતો જેને પગલે પાંચ ડેમોને નુકસાન થયું હતું. હાલમાં આ ડેમના બાંધકામે બીજા તબક્કાને પાર કરી લીધો છે અને હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચુક્યું છે.


