World

ભારતમાં જિનપિંગ માટે રેડ કાર્પેટ વચ્ચે સરહદે ચીનનો અટકચાળો યથાવત

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: બ્રિક્સ સમિટમાં ભારતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ભવ્ય સ્વાગત થયું. બીજી તરફ, સેટેલાઇટ તસવીરોએ ચીનનો પર્દાફાશ કર્યો છે. અરુણાચલ પ્રદેશ પાસે ચીને સરહદી વિસ્તારોમાં મોટા પાયે બાંધકામ કર્યું છે. સ્થાનિકોના મતે, ચીને તેમની પૂર્વજોની જમીન પચાવી પાડી છે અને ભારતીય સરહદમાં ઘૂસી આવ્યું છે. જોકે, સરહદેથી ચીને સૈનિકો ઘટાડ્યા હોવાના પણ અહેવાલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં જિનપિંગ માટે રેડ કાર્પેટ વચ્ચે સરહદે ચીનનો અટકચાળો યથાવત
  • અરુણાચલ પાસે ચીને ઝડપથી બાંધકામ વધાર્યું
  • સરહદી વિસ્તારોમાં અગાઉ અને હાલની સ્થિતિ અંગે સેટેલાઇટ તસવીરોની સરખામણીથી ચીનના વિશાળ બાંધકામની પોલ ખુલી
  • ચીને અમારા પૂર્વજોની જમીન પચાવી પાડી છે, અંદર સુધી ઘૂસી આવ્યું છે : અરુણાચલના સરહદી વિસ્તારના સ્થાનિકનો રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી : એક તરફ બ્રિક્સ સમિટમાં ચીનના પ્રમુખ શી જિનપિંગનું ભારતમાં રેડ કાર્પેટ પાથરીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં સરહદે શાંતિ સ્થાપિત કરવા પર ચર્ચા થઇ હતી. જ્યારે બીજી તરફ સરહદે ચીને અટકચાળો કરવાનું શરૂ રાખ્યું છે. સેટેલાઇટ તસવીરો સામે આવી છે જે જણાવે છે કે ભારત સરહદે ચીન બાંધકામ વધારી રહ્યું છે. જોકે આ સાથે જ ચીને સરહદેથી પોતાના સૈનિકો ઘટાડ્યા હોવાના પણ આંકડા જાહેર કરાયા છે.
તાજેતરમાં જ દિલ્હીમાં બ્રિક્સ સમિટ યોજવામાં આવી હતી, જેમાં સામેલ થવા માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ પોતાનો કાફલો લઇને આવ્યા હતા, આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. બીજી તરફ ચીન સરહદની સેટેલાઇટ તસવીરો સામે આવી છે. જે દર્શાવે છે કે અરુણાચલ પ્રદેશ પાસે ચીને મોટી સંખ્યામાં બાંધકામ વધારી દીધુ છે. આ વિસ્તાર અગાઉ કેવો હતો અને બાદમાં ચીનના બાંધકામ પછી કેવો થઇ ગયો તે આ સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થઇ જાય છે.
અરુણાચ પ્રદેશના ચીન સરહદ નજીક આવેલા ગામના રહેવાસી ટાકોક મ્રાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ચીન હાલ અમારી પૂર્વજોની જમીન પર દબાણ વધારી રહ્યું છે. આ એ જ જગ્યા છે કે જ્યાં અમે જીવન વિતાવ્યું, મોટા થયા અને ગુજરાન ચલાવ્યું, આ અમારી જમીન છે. તેઓ (ચીની સૈનિક) ભારતીય સરહદની અંદર સુધી આવી ગયા છે. તેઓેએ અમારી જમીન લઇ લીધી છે. બીજી તરફ એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ગલવાન ઘાટી પર ઘર્ષણ બાદ ભારત અને ચીન બન્નેએ સરહદે સૈનિકો વધારી દીધા હતા. જોકે હવે ચીને મોટી સંખ્યામાં પોતાના સૈનિકોને સરહદેથી પાછા બોલાવી લીધા હોવાના અહેવાલો છે.
સંરક્ષણ મંત્રાલયના ૨૦૨૫-૨૬ના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે હાલ એલએસી પાસે પોતાના ટ્રેનિંગ એરિયામાં હજુ પણ ચીન દ્વારા ૧૦ કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડ તૈનાત રાખી છે. એટલે કે બહુ જ ઓછી સંખ્યામાં સૈનિકો હાલ સરહદે છે તેવો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.