તિબેટમાં 5.0ની તીવ્રતાના ભૂકંપ વચ્ચે હિમશિખરો તૂટવાની ચીનની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નેપાળ હોનારતમાં મૃત્યુઆંક 1300 થયો, 5,000 લાપતા
- નેપાળમાં લાપતા લોકોના મળવાની આશા ઘટી જતા પરિવારોએ આપ્તજનોના પ્રતિકાત્મક દાહસંસ્કાર શરૂ કર્યા
- નેપાળમાં પૂર પછી હવે વીજળીનું સંકટ, અનેક પાવર સ્ટેશનો ડૂબ્યા, હજારો લોકો અંધારપટમાં
કાઠમંડુ : નેપાળમાં વિનાશક પૂરના કારણે સર્જાયેલી હોનારતમાં મૃત્યુઆંક વધીને ૧૩૦૦ થઈ ગયો છે અને ૫,૦૦૦થી વધુ લોકો હજુ લાપતા છે. નેપાળમાં હવે લાપતા લોકોના મળવાની આશા નહીંવત થતા પરિવારજનોએ આપ્તજનોના પ્રતિકાત્મક દાહસંસ્કાર કરવાનું શરૂ કર્યું છે. આવા સમયે તિબેટની ધરતી ગુરુવારે ફરી એક વખત ૫.૦ની તિવ્રતાના ભૂકંપથી ધુ્રજી ઊઠી હતી, જેથી લોકો ભયભીત થઈ ગયા હતા. બીજીબાજુ ચીને તિબેટની પઠાર વધુ અસ્થિર બની હોવાની અને વધુ હિમશિખરો તૂટવાની ચેતવણી આપી છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ મુજબ નેપાળ છેલ્લા એક સપ્તાહથી ભૂકંપ અને વિનાશક પૂરની અસર સામે ઝઝૂમી રહ્યું છે. આવા સમયે તિબેટમાં ગુરુવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિ.મી. નીચે હતું. જોકે, આ ભૂકંપ બાદ કોઈ પ્રકારનના નુકસાનની વિગતો સામે આવી નથી. જોકે, ચીને ફરી એક વખત તિબેટની પઠાર વધુ અસ્થિર બની હોવાની અને વધુ હિમશિખરો તૂટવાની ચેતવણી આપી છે.
ચીનના નેશનલ ક્લાઈમેટ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર ગાઓ રોન્ગે કહ્યું કે, છેલ્લા ૬૦ વર્ષ કરતાં વધુ સમયથી તિબેટીયન પઠાર પર હિમશિખરો લગભગ ૨૪ ટકા જેટલા ઘટી ગયા છે. આ વિસ્તારમાં અંદાજે ૭,૦૦૦ નાના હિમશિખરો અદૃશ્ય થઈ ગયા છે. તિબેટીયન પઠારમાં હિમશિખરોની માળખાકીય સ્થિરતા જોખમી બની છે, જેથી હિમશિખરો તૂટવાની અને તેના કારણે વારંવાર હોનારતો થવાની સંભાવના વધી છે.
દરમિયાન નેપાળમાં વિનાશક પૂરની હોનારતને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ અનેક ઘરોમાં આપ્તજનોને ગુમાવ્યાની પીડા હજુ ઓછી થઈ નથી. હજારો પરિવારો હજુ પણ લાપતા લોકોને શોધી રહ્યા છે, પરંતુ દિવસ પસાર થતા તેમના મળવાની આશા તેઓ ગુમાવી રહ્યા છે.
નેપાળના નુવાકોટમાં સેંકડો પરિવારોએ તેમના લાપતા પરિવારજનોના પ્રતિકાત્મક દાહસંસ્કાર કરવાનું શરૂ કર્યું છે. નદી કિનાર ઘાસના પૂળા મૂકી તેના પર આપ્તજનોની તસવીરો-પ્રતીકો મૂકી દાહસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પરિવારજનો ભારે હૃદયે આપ્તજનોના આત્માની શાંતિ માટે તેમની અંતિમ વિધિ કરી રહ્યા છે. નેપાળમાં હજુ અનેક મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
અધિકારીઓએ કેટલાક મૃતદેહોને અસ્થાયીરૂપે દફનાવી દીધા છે. અનેક મૃતદેહો ખરાબ થવા લાગ્યા છે. હોસ્પિટલ અને શબઘરોમાં પણ જગ્યા ખૂટવા લાગી છે. કાઠમંડૂની હોસ્પિટલમાં ૧૦૦થી વધુ લોકો લોહીના નમૂના આપવાની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે ડીએનએ તપાસ મારફત તેમના લાપતા પરિવારજનોની ઓળખ થઈ શકશે.
નેપાળમાં પૂરના સંકટ વચ્ચે હવે વીજળીની પણ સમસ્યા વકરી રહી છે. ગયા સપ્તાહે આવેલા વિનાશક પૂરમાં અનેક પાવર સ્ટેશનોનો નાશ થયો છે, જેના કારણે હજારો લોકોએ અંધારપટમાં રહેવા મજબૂર થવું પડયું છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.




