- ચીને તેનું સ્ટીલ્થ ફાયટર જેટ J-35-AE ખુલ્લુ મૂકયું, જે અમેરિકાનાં F-35 લાઇટનિંગ II ને ટક્કર આપે તેવું છે
બૈજિંગ : સ્ટીલ્થ ફાયટર જેટ બનાવવા દુનિયામાં ચાલી રહેલી રેસમાં ચીને તેનું નવું સ્ટીલ્થ ફાયટર જેટ જે-૩૫ એ.ઇ. વિશ્વ સમક્ષ ખુલ્લું મુકયું છે. તે અમેરિકાનાં એફ-૩૫ લાઇટનિંગ II ને ટક્કર મારે તેવું માનવામાં આવે છે.
આ સાથે મળતા અહેવાલો જણાવે છે કે પાકિસ્તાન ચીનનાં તે ફાયટર જેટનું સૌથી પહેલું ખરીદનાર બનશે.
ચીનના સરકારી મીડીયાના સીસીટીવીએ હમણાં જ ગયેલા આંતરરાષ્ટ્રીય મઝદૂર દિનના એક કાર્યક્રમ દરમિયાન આ જેટની ઝલક દેખાડી હતી. તેની ઉપર જેટ-એવિયેશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાયના નું તે જેટ ઉપર બ્રાંડીંગ કરવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે, એ જેટ નિકાસ માટે પણ તૈયાર કરાઇ રહ્યાં છે. આ પૂર્વે ચીન દ્વારા પ્રદર્શિત જે-૩૫-એ ચીનની વાયુ સેના માટે બનાવવામાં આવ્યા હતા. હવે આ નવા ફીફથ-જનરેશનના જે-૩૫-એઇ વિદેશી બજાર માટે કોમ્બેટ-રેડી ફોર્મમાં તૈયાર કરવામાં આવ્યા છે.
ચીન જણાવે છે કે, આ ફીફથ જનરેશન મલ્ટી ટોપ સ્ટીલ્થ ફાયટર જેટ છે. જેમાં ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. તેની ટોપ-સ્પીડ આશરે મેક-૧.૮ છે, તેમાં લગાડેલા એઇએસએ રેડાર એક સાથે કેટલાએ લક્ષ્યો જાણી શકે છે. તેની ઉપર કાર્બન-કવચ હોય છે. જે શત્રુનાં રેડારમાંથી આવતા વિદ્યુત તરંગોને શોષી લે છે. જેથી તે પાછા ફરી વિમાનની સ્થિતિ દર્શાવી શકે નહીં. તેમાં પી.એલ.-૧૫ જેવી હવામાં દૂર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલ્સ હોય છે. ઉપરાંત તેમાં ઇલેકટ્રો-ઓપ્ટિકલ- સીસ્ટીમ છે. જે દુશ્મન ઉપર પ્રહાર કરવા તેમજ પોતાને બચાવવા માટે જરૂરી છે.
પાકિસ્તાને આવા જે ૩૫-એઇ ૪૦ વિમાનનો સોદો કર્યો છે. ચીન તે ૩૫ મિલિયન ડોલરે ઓફર કરે છે. બીજાને માટે તે ૮૦ મીલીયન ડોલરની વેચાણ કિંમત રખાઇ છે.
પાકિસ્તાન ઘણા સમયથી આ વિમાનો ખરીદવાની રાહમાં હતું. રિપોર્ટસ જણાવે છે કે, ૨૦૨૫ થી પાકિસ્તાનના પાયલોટસ તે વિમાન માટે ટ્રેનિંગ લઇ રહ્યા છે. તેવું પણ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાને આવા ૪૦ જે-૩૫-એઇ વિમાનોના સોદાને મંજૂરી આપી દીધી છે.
પશ્ચિમના દેશોમાં સ્ટીલ્થ વિમાનો તો અત્યંત મોંઘા છે. જ્યારે ચાઇનીઝ સત્તાધીશો પાકિસ્તાનને ૩૫ થી ૮૦ મિલિયન ડોલર્સની કિંમત ઓફર કરે છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે જાહેરમાં તો તેને માત્ર અટકળો જ કહી છે, પરંતુ વિશેષજ્ઞાોનું માનવું છે કે તે વિમાનોની ડીલીવરી ૨૦૨૬ના અંત સુધીમાં કે ૨૦૨૭ની શરૂઆત સુધીમાં તેની ડીલીવરી થવા સંભવ છે.


