Get The App

'હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે', ટ્રમ્પની ધમકી પર ચીન ભડક્યું

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
'હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે', ટ્રમ્પની ધમકી પર ચીન ભડક્યું 1 - image

China Responds to Trump Warning: પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 21 કલાક સુધી યોજાયેલી બેઠક અનિર્ણાયક સાબિત થયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી (13મી એપ્રિલ) હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીની જાહેરાત કરી છે. તેમની ધમકીનો ઈરાને પણ કડક જવાબ આપ્યો છે. આ દરમિયાન ચીને પણ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, 'હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે. આ મામલે કોઈ દખલગીરી ના કરે.'

ચીનના સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન 

અહેવાલો અનુસાર, ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને કહ્યું, 'અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા જહાજો સતત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. અમારી ઈરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે. અમે તેનો આદર કરીશું અને અપેક્ષા રાખીશું કે અન્ય લોકો અમારી બાબતોમાં દખલગીરી ના કરે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ કરે છે, અને તે અમારા માટે ખુલ્લું છે.'

આ પણ વાંચો: હોર્મુઝની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન, ઓઈલ અંગે વિશ્વનું ટેન્શન વધ્યું

ઈરાનને હથિયારો પૂરા પાડવાના દાવા ફગાવી દીધા

બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સોમવારે (13મી એપ્રિલ) એ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા કે ચીન ઈરાનને હથિયાર પૂરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. તેણે કહ્યું કે, 'ચીને હંમેશા લશ્કરી નિકાસ માટે સમજદાર અને જવાબદાર અભિગમ અપનાવ્યો છે અને તેના સ્થાનિક નિકાસ નિયંત્રણ કાયદા અને નિયમો તેમજ તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર કડક નિયંત્રણો લાગુ કર્યા છે.'

હવે અમેરિકા પોતે જ હોર્મુઝની ખાડી બ્લોક કરશે 

ઉલ્લેખનીય છેકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં 'સંપૂર્ણ દરિયાઈ નાકાબંધી'ની જાહેરાત કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ગઇકાલે (12મી એપ્રિલ) સાંજથી જ ઈરાનના તમામ બંદરો પર આવતા-જતા જહાજોને અટકાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ઈરાને મિત્ર દેશો સિવાયના દેશોના જહાજો માટે હોર્મુઝની ખાડી બંધ કરી હતી. આ રસ્તાથી ગલ્ફ દેશો દુનિયાના અનેક દેશોને ગેસ અને ઓઈલ પહોંચાડે છે. જેના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ હતી. જોકે ઈરાને ભારત જેવા મિત્ર દેશોને આ પ્રતિબંધમાંથી રાહત આપી હતી. 

શરૂઆતમાં અમેરિકા ઈરાન પર હોર્મુઝની ખાડી ખોલવા માટે દબાણ કરી રહ્યું હતું અને ધમકીઓ આપી રહ્યું હતું. હવે અમેરિકા પોતે જ હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી રહ્યું છે. જેના કારણે જે દેશોના જહાજો ત્યાંથી પસાર થઈ શકતા હતા એ પણ નહીં થાય.