| (IMAGE - IANS) |
China blast: ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુઆંગ્શી (Guangxi) પ્રાંતના શિંગઆન કાઉન્ટીમાં આજે વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થયો છે. આ ભયાનક અકસ્માતમાં અંદાજે 7 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ધમાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, તેમજ ધમાકાના કારણે આસપાસની ઇમારતોને ભારે નુકસાન થયું હતું અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલ ટીમ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અડધી રાત્રે સર્જાયો વિનાશ, કાટમાળમાંથી લોકોને બહાર કઢાયા
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ બ્લાસ્ટ લિંગઝિયાંગ રોડ પર મધ્યરાત્રિએ આશરે 1:40 વાગ્યે થયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને તંત્ર દ્વારા તાત્કાલિક કમાન્ડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. બચાવ ટીમોએ કાટમાળ નીચે કોઈ દબાયેલું ન રહે તે માટે સતત ચાર વખત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. કાટમાળમાંથી 17 ઘાયલ લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તમામ ઘાયલોની સ્થિતિ અત્યારે સ્થિર છે અને કોઈનો જીવ જોખમમાં નથી.
7 killed in massive explosion in China’s Xing’an, Guangxi#China #Explosion #Blast pic.twitter.com/fnr8w3Cz5L
— SilentFrame (@SilentFrameM) June 11, 2026
ગેસ પાઇપલાઇનમાં ખામી હોવાની આશંકા નકારી કઢાઈ
શરૂઆતમાં એવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આ બ્લાસ્ટ કોઈ મોટી ગેસ પાઇપલાઇનમાં લીકેજ અથવા ખામીના કારણે થયો હોઈ શકે છે. જોકે, ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક અધિકારીઓ અને સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે આ ધમાકાને ગેસ પાઇપલાઇન સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો: 'અફેર અંગે એપસ્ટિન બ્લેકમેઈલ કરી રહ્યો હતો...', બિલ ગેટ્સના સનસનીખેજ દાવાથી દુનિયા ચોંકી
બ્લાસ્ટનું અસલી કારણ હજુ સુધી અકબંધ
ગેસ પાઇપલાઇનની શક્યતા નકારવામાં આવ્યા બાદ હવે આ ધમાકો કઈ વસ્તુના કારણે થયો તે રહસ્ય હજુ અકબંધ છે. હાલમાં કેમિકલ અને ફોરેન્સિક એક્સપર્ટની ખાસ ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહી છે. આ જીવલેણ વિસ્ફોટ પાછળનું અસલી કારણ જાણવા માટે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ ચલાવવામાં આવી રહી છે.


