Get The App

'અફેર અંગે એપસ્ટિન બ્લેકમેઈલ કરી રહ્યો હતો...', બિલ ગેટ્સના સનસનીખેજ દાવાથી દુનિયા ચોંકી

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
Bill Gates Reveals Jeffrey Epstein Blackmailed

Bill Gates Reveals Jeffrey Epstein Blackmailed: માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બિલ ગેટ્સે જણાવ્યું છે કે જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિને તેમના જૂના એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધો)ને લઈને તેમને બ્લેકમેઇલ કર્યા હતા. એપસ્ટિન ઈચ્છતો હતો કે તેમની વચ્ચેના સંબંધો પૂરા થઈ ગયા પછી પણ બિલ ગેટ્સ ફરીથી તેની સાથે સંપર્ક શરૂ કરે. 

બિલ ગેટ્સ અમેરિકન સંસદની 'હાઉસ ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ કમિટી' સમક્ષ હાજર થયા હતા, જે સમિતિ એપસ્ટિન મામલામાં વહીવટીતંત્રે કરેલી કામગીરી અને તેની સાથે જોડાયેલા વગદાર લોકોના નેટવર્કની તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બિલ ગેટ્સે સ્વીકાર્યું છે કે જ્યારે તેઓ પરોપકારના કાર્યોના મામલે એપસ્ટિને મળ્યા હતા, ત્યારે તેઓ તેના ગુનાઓની ગંભીરતાને પૂરી રીતે સમજી શક્યા નહોતા.

'મારી બેવફાઈ પર જૂઠાણાં ફેલાવી દબાણ કર્યું'

બિલ ગેટ્સે સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે, 'આ અફેર્સને અને એપસ્ટિન સાથેની મારી વાતચીતને કોઈ લેવાદેવા નહોતી, પરંતુ આ આખો મામલો મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ હતો. એપસ્ટિને મારી આ ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેના પર અનેક જૂઠી વાતો ઉમેરીને મારી પર ફરીથી તેની સાથે જોડાવા માટે દબાણ કર્યું હતું.' જોકે, બિલ ગેટ્સે એપસ્ટિન સાથે કોઈ પણ પ્રકારના અંગત કે દોસ્તીના સંબંધો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે એપસ્ટિન સાથે તેમની મુલાકાતો માત્ર ચેરિટી, ગ્લોબલ હેલ્થ અને ફંડ એકઠું કરવા જેવા સામાજિક કામો પૂરતી જ સીમિત હતી.

જેફરી એપસ્ટિન સાથે અંગત સંબંધો હોવાનો ઇનકાર

સાંસદોને આપેલા જવાબમાં બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, હું ક્યારેય તેના ટાપુ, તેના ફાર્મહાઉસ કે ફ્લોરિડાવાળા ઘરે ગયો નથી. મેં ક્યારેય કોઈનું શોષણ કર્યું નથી. બની શકે કે તેણે અંગત સંબંધો વધારવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ મારો આવો કોઈ રસ નહોતો અને મેં ક્યારેય તેની સામે હાથ લંબાવ્યો નથી. હું એપસ્ટિન સાથે વર્ષ 2011માં જોડાયો હતો, જે એવો સમય હતો જ્યારે એપસ્ટિન ફ્લોરિડામાં વેશ્યાવૃત્તિના આરોપમાં જેલની સજા કાપી ચૂક્યો હતો.

વર્ષ 2014માં એપસ્ટિન સાથે તમામ નાતા તોડી નાખ્યા

બિલ ગેટ્સે જણાવ્યું કે, 'વર્ષ 2014માં જ્યારે મને સમજાયું કે એપસ્ટિન દ્વારા ચેરિટી માટે ફંડ એકઠું કરવાના પ્રયાસો નકામા જઈ રહ્યા છે, ત્યારે તેમણે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ગેટ્સના જણાવ્યા મુજબ, તે વળાંક પર મને સમજાયું કે એપસ્ટિન પોતાના વાયદા ક્યારેય પૂરા નહીં કરે, તેથી મેં તેને કહી દીધું હતું કે હવે આપણે આગળ કોઈ વાત નહીં કરીએ અને તેની સાથે મળવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.' ગેટ્સે એ બાબત પણ નોંધી હતી કે તેમણે ક્યારેય એપસ્ટિનને કોઈ ગુનાહિત કૃત્ય કરતો જોયો નહોતો.

આ પણ વાંચો: ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર, 3 દેશોમાં 18 અમેરિકન સૈન્ય ઠેકાણા હચમચાવ્યા

સાંસદોના આકરા સવાલ: બધું જાણતા હોવા છતાં સંપર્ક કેમ રાખ્યો?

સંસદની આ દ્વિપક્ષીય સમિતિએ બિલ ગેટ્સ પર તીખા સવાલોનો મારો ચલાવ્યો હતો. બંને પક્ષના સાંસદોએ પૂછ્યું કે જ્યારે એપસ્ટિનના જૂના ગુનાઓ અને સજાની વાત જગજાહેર હતી, તો ગેટ્સ તેને કેમ મળતા રહ્યા? કમિટીના ટોચના ડેમોક્રેટિક સાંસદ રોબર્ટ ગાર્સિયાએ સુનાવણી બાદ જણાવ્યું કે બિલ ગેટ્સે સ્વીકાર્યું છે કે તેમને એપસ્ટિનના જૂના ગુનાઓની માહિતી હતી. બીજી તરફ, રિપબ્લિકન સાંસદ ટિમ બર્ચેટે એપસ્ટિનને 'ફ્રેન્ડ કલેક્ટર' ગણાવતા કહ્યું કે એપસ્ટિન મોટા અને વગદાર લોકોને એકઠા કરવાનો શોખીન હતો જેથી તે પોતાનો પ્રભાવ વધારી શકે અને આ રીતે જ તેણે લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ડેમોક્રેટિક સાંસદ એમિલી રેન્ડલે કહ્યું કે આ જુબાની દર્શાવે છે કે એપસ્ટિન સાથે ઉઠવા-બેસવાવાળા ઘણા શક્તિશાળી પુરુષોએ જાણીજોઈને ચેતવણીના સંકેતોને નજરઅંદાજ કર્યા હતા.

પીડિતો માટે ન્યાયની માગણી

સુનાવણીના અંતે બિલ ગેટ્સે જેફરી એપસ્ટિનના ગુનાઓનો ભોગ બનેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે એપસ્ટિનના ગુનાઓમાંથી બચેલા લોકોને તે ન્યાય મળે જેના તેઓ ખરેખર હકદાર છે.