મેલબોર્ન,૯ ડિસેમ્બર,૨૦૨૫,મંગળવાર
ઓસ્ટ્રેલિયાએ ૧૦ ડિસેમ્બરથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ટિકટોક,યુ ટયૂબ,ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સોશિયલ સાઇટોના ઉપયોગ પર પ્રતિબંધનો અમલ શરુ કરશે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે બાળકોના આરોગ્ય અને સુરક્ષાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા કંપની આ નિયમનો ભંગ કરશે તેના પર ભારે દંડ કરવામાં આવશે .દુનિયાના અનેક દેશો આ નિયમને અમલમાં બનાવવાની તૈયારી કરી રહયા છે. બ્રિટન પણ સોશિયલ મીડિયા પર કડક સુરક્ષા પગલા ભરી રહયું છે. ચીન પણ સોશિયલ મીડિયા અને ગેમ પ્લેના સમય પર નિયંત્રણ કરી રહયું છે.
ડેનમાર્કે પણ ૧૫ વર્ષથી ઓછી ઉંમરને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માંગે છે. ફ્રાંસે ૧૫ વર્ષના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા પિતાની મંજુરી ફરજીયાત કરી છે. જર્મની,ઇટાલી, નોર્વે અને મલેશિયાએ પણ કાનુન તૈયાર કરવા સજજ બન્યા છે. અમેરિકાએ પણ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ડેટા માતા પિતાની મંજુરી નહી લેવાના નિયમ બનાવ્યો છે. યુરોપીય સંસદે પણ નિયમો તૈયાર કરવાની વાત કરી છે. સોશિયલ મીડિયામાં કન્ટેન્ટથી માંડીને તેના ઉપયોગ અંગે દુનિયા ભરમાં ચર્ચા શરુ થઇ છે ત્યારે ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ પગલા ભરવા માંડયા છે. ઓસ્ટ્રેલિયાએ ૧૦ મહિના પહેલા ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે તેવી જાહેરાત કરી હતી તેનો હવે અમલ શરુ થતા ફરી ચર્ચા જાગી છે.


