USમાં જન્મ લેનારા વિદેશીઓના સંતાનોને નાગરિક્તા નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રમુખ ટ્રમ્પની જન્મના આધારે નાગરિક્તા પર તવાઈ
- સુપ્રીમનો અગાઉનો ચૂકાદો દુર્ભાગ્યપૂર્ણ હતો, નવા આદેશો સુપ્રીમના ચૂકાદા સાથે નહીં ટકરાય : ટ્રમ્પ
- બર્થરાઈટ સિટિઝનશિપ પર ટ્રમ્પના નવા ઓર્ડર પણ ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટમાં ટકશે નહીં : કાયદાકીય નિષ્ણાતો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશો મારફત હવે વિદેશીઓના અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને અમેરિકન નાગરિક્તા નહીં મળે. સાથે જ માત્ર સંતાનોને અમેરિકન નાગરિક બનાવવા બર્થ ટુરિઝમ પર આવતા વિદેશીઓ પર નિયંત્રણ મૂકાશે. અમેરિકન સુપ્રીમ કોર્ટે જન્મના આધારે નાગરિક્તા અંગે ટ્રમ્પના અગાઉના આદેશ ફગાવી દીધાના કેટલાક સપ્તાહમાં જ ટ્રમ્પે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતથી જ ઈમિગ્રેશન નીતિ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે તેમણે ઈમિગ્રેશન પર બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે અમેરિકામાં બાળકોને જન્મ આપીને તેમને અમેરિકન નાગરિક્તા અપાવવાના આશયથી આવતા વિદેશીઓના બર્થ ટુરિઝમ પર નિયંત્રણ લાવવાની સાથે જન્મના આધારે અમેરિકન નાગરિક્તા મેળવવા પાત્ર લોકોની સંખ્યા મર્યાદિત કરવાના આશયથી આ બે ઓર્ડર પસાર કર્યા છે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો અગાઉનો ચૂકાદો દુર્ભાગ્યપૂર્ણ હતો. જોકે, અમે આ બાબતે સમાધાન કર્યું છે અને નવા આદેશ સુપ્રીમના ચૂકાદા સાથે ટકરાતા નથી.
ટ્રમ્પનો નવો આદેશ કમર્શિયલ બર્થ ટુરિઝમને ટાર્ગેટ કરે છે. તેના હેઠળ હવે અમેરિકામાં એવા લોકોને પ્રવેશ નહીં મળે, જે માત્ર બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ બર્થ ટુરિઝમ એવી પ્રથા છે જ્યાં ગર્ભવતી મહિલાઓ માત્ર અમેરિકન ધરતી પર બાળકોને જન્મ આપીને તેને અમેરિકન નાગરિક્તા અપાવવા માટે અમેરિકાનો પ્રવાસ કરે છે. નવા નિયમ હેઠળ વિઝિટર વિઝાના અરજદારો પર વધુ કડકાઈથી તપાસ થશે. અધિકારીઓને વિઝા પ્રવાસી અંગે બર્થ ટુરિઝમની આશંકા જશે તો તેઓ અરજીને નકારી કાઢશે અથવા તેને મુલતવી રાખી શકશે.
ટ્રમ્પ સરકારનો દાવો છે કે નવા આદેશ વ્યાપક સ્તરે વસાહતીઓના બદલે પસંદગીની કેટેગરીના વિદેશી લોકોને જ ટાર્ગેટ કરે છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ૩૦ જૂન ૨૦૨૬ના રોજ ૬-૩ની બહુમતીથી જન્મના આધારે નાગરિક્તા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પના જૂના કાર્યકારી આદેશોને નકારી કાઢ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે, ૧૦૦ વર્ષથી વધુ જૂના કાયદાના આશયને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડરથી રદ નકારી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું હતું કે, ટ્રમ્પનો આદેશ અમેરિકન બંધારણના ૧૪મા સંશોધનનો ભંગ કરે છે. આ સુધારો અમેરિકન ધરતી પર જન્મેલા લગભગ દરેક વ્યક્તિને આપમેળે જ નાગરિક્તા આપે છે. પ્રમુખ ટ્રમ્પનો દાવો છે કે અમેરિકન બંધારણનો ૧૪મો સુધારો ૯ જુલાઈ ૧૮૬૮ના રોજ પસાર થયો હતો. જોકે, આ કાયદો ગૃહ યુદ્ધ પછી તુરંત બનાવાયો હતો, જેનો મૂળ આશય ગુલામોના સંતાનોને નાગરિક્તા આપવાનો હતો. પરંતુ આજના સમયમાં આ કાયદાની આજુબાજુ કારોબાર ઊભો કરાય છે. હવે આ કાયદાનો મૂળ આશય સાર્થક ઠરતો નથી.
બીજીબાજુ કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પણ સુપ્રીમ કોર્ટમાં ટકી શકશે નહીં. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને તો તુરંત આ આદેશોને ગેરકાયદે ગણાવી દીધા છે. એસીએલયુના વકીલ કોડી વોફ્સીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પહેલાથી જ આ મુદ્દા પર ચૂકાદો આપી ચૂકી છે કે જન્મસિદ્ધ નાગરિક્તા બંધારણથી ગેરેન્ટેડ છે. કોઈપણ વધારાના કાર્યકારી આદેશો બંધારણના અર્થને બદલી શકે નહીં.
વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ ભારત અને ચીન સહિત કેટલાક દેશોના નાગરિકો બર્થ ટુરિઝમ માટે અમેરિકા આવે છે. માઈગ્રેશન પોલિસી ઈન્સ્ટિટયૂટના અંદાજ મુજબ અમેરિકામાં વાર્ષિક ૩૫થી ૩૬ લાખ બાળકોના જન્મમાંથી અંદાજે ૨૨,૦૦૦થી ૨૬,૦૦૦ બાળકો બર્થ ટુરિઝમ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
- કોને જન્મના આધારે નાગરિક્તા નહીં મળે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશ મુજબ એવી કેટેગરીને વધારે છે જેમને જન્મના આધારે નાગરિક્તા માટે અયોગ્ય માનવામાં આવે છે. આ આદેશ મુજબ વિદેશી રાજદૂતો અથવા દૂતાવાસના કર્મચારીઓના સંતાનો. 'એલિયન એનિમી' જાહેર કરાયેલ વ્યક્તિઓના સંતાનો, આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા લોકોના સંતાનો, વિદેશી સરકારોની લોબિ કરનારા લોકોના સંતાનો, છેતરપિંડીથી નાગરિક્તા મેળવનારા લોકોના સંતાનો, કમર્શિયલ ટ્રાન્ઝેક્શન મારફત અમેરિકામાં બાળકોને જન્મ આપતી માતાઓના સંતાનોને અમેરિકન નાગરિક્તા નહીં મળે.
- ટ્રમ્પના નવા કાયદાની ભારતીયો પર અસર
- ટુરિસ્ટ વિઝા પર જતા ભારતીયોના સંબંધીઓની મુશ્કેલી વધી જશે
- એચ-૧બી, એલ-૧, એફ-૧, ઓ-૧ જેવા ભારતીય પ્રોફેશનલ વિઝાધારકોને રાહત મળશે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમને ટાર્ગેટ કરતા નવા આદેશ આપ્યા છે તેમાં ભારતીયો પર મિશ્ર અસર થવાની શક્યતા છે. ટ્રમ્પના નવા કાયદાથી બી-૧, બી-૨ એટલે કે ટુરિસ્ટ વિઝા પર જતા ભારતીયોની મુશ્કેલી વધી શકે છે જ્યારે ભારતીય પ્રોફેશનલ્સને રાહત મળવાની શક્યતા છે. અમેરિકામાં રહેતા ભારતીયોના સંબંધીઓ તેમજ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા જતા ભારતીયો માટે ટ્રમ્પના નવા નિયમો મુશ્કેલી ઊભી કરી શકે છે. અનેક ભારતીય પરિવારો ગર્ભાવસ્થા સમયે અથવા બાળકને જન્મ પછી માતા-પિતા અથવા અન્ય સંબંધીઓને બી-૧, બી-૨ વિઝિટર વિઝા પર અમેરિકા બોલાવતા હોય છે. નવા નિયમો હેઠળ ગર્ભવતી અરજદારો અથવા એવા પ્રવાસીઓના વિઝા ઈન્ટરવ્યૂ સમયે કોન્સ્યુલર અધિકારીઓ તેમને આકરા સવાલો પૂછી શકે છે. વિઝા અધિકારીઓને બર્થ ટુરિઝમના આશંકા થાય તો તેઓ અરજી નકારી પણ શકે છે.
જોકે, જે ભારતીય પ્રોફેશનલ્સ અથવા તેમના પરિવારો એચ-૧બી, એલ-૧, ઓ-૧ અથવા એફ-૧ ઓપીટી વિઝા પર કાયદેસર રીતે અમેરિકામાં રહે છે તેમના માટે ટ્રમ્પના નવા નિયમો રાહતપૂર્ણ છે. તેઓ અમેરિકામાં બર્થ ટુરિઝમ પર આવ્યા નથી હોતા. તેથી અમેરિકામાં તેમના સંતાનોને પહેલાની જેમ જન્મસિદ્ધ નાગરિક્તા મળતી રહેશે. સુપ્રીમ કોર્ટે જૂનના ચૂકાદામાં કાયદેસર રીતે એચ-૧બી વિઝા ધરાવતા માતા-પિતામાં અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને અમેરિકન જન્મ પ્રમાણપત્ર મળવાનું ચાલુ રહેવું જોઈએ અને તેઓ બંધારણ હેઠળ અમેરિકન નાગરિક્તાને પાત્ર છે તેમ જણાવ્યું હતું.









