'પહેલા અમારું અનાજ ખરીદો...' ઈરાનને 12 બિલિયન ડોલર આપતા પહેલા ટ્રમ્પની આકરી શરત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Condition on Irand Fund:અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે વેપાર અને ફ્રીઝ કરાયેલા ફંડના ઉપયોગને લઈને એક નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાનના ફ્રીઝ કરાયેલા $12 બિલિયન એટલે કે અંદાજે 1.13 લાખ કરોડ રૂપિયાનો ઉપયોગ અમેરિકન ખેડૂતો પાસેથી ઘઉં અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે કરવામાં આવે. જોકે, તેહરાને આ શરતને સખત શબ્દોમાં ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ નાણાં ક્યાં ખર્ચવા તેનો નિર્ણય તે પોતે જ કરશે.
સ્વિટ્ઝરલેન્ડમાં ઉચ્ચસ્તરીય બેઠક અને વિરોધાભાસી દાવા
બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ ચર્ચા ચાલી રહી છે. ગયા સપ્તાહે થયેલા વચગાળાના કરાર બાદ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ઘાલિબાફે જણાવ્યું કે બંને પક્ષો $12 બિલિયનના ફ્રીઝ ફંડને મુક્ત કરવા માટે સંમત થયા છે.
જોકે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ કરારને તદ્દન અલગ રીતે રજૂ કર્યો હતો. જેડી વેન્સના જણાવ્યા અનુસાર:
- આ રકમ સીધેસીધી ઈરાન સરકારના હાથમાં સોંપવામાં નહીં આવે.
- તેના બદલે, આ નાણાંનો ઉપયોગ અમેરિકા પાસેથી ઘઉં, મકાઈ, સોયાબીન અને અન્ય ખાદ્ય ઉત્પાદનો ખરીદવા માટે જ કરવો પડશે.
- આનાથી ઈરાનની ખાદ્ય જરૂરિયાતો પણ પૂરી થશે અને અમેરિકન ખેડૂતોને મોટો આર્થિક લાભ મળશે.
વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વલણને સમર્થન આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રતિબંધોમાં મળનારી રાહત અને મુક્ત થનારી રકમ અમેરિકાના જ નિયંત્રણ હેઠળના ખાતામાં રહેશે. તેનો ઉપયોગ માત્ર ખાદ્ય સામગ્રી, દવાઓ અને માનવતાવાદી જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવા માટે જ થઈ શકશે.
"અમારા પૈસા, અમારો અધિકાર" - ઈરાનનો વળતો પ્રહાર
ઈરાને અમેરિકાના આ તમામ દાવા અને શરતોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘઈએ જણાવ્યું કે,
એકવાર ફ્રીઝ કરાયેલી રકમ મુક્ત થઈ જાય પછી તેના પર સંપૂર્ણ અને સાર્વભૌમ અધિકાર માત્ર ઈરાનનો જ રહેશે.
તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં કૃષિ ઉત્પાદનો ખરીદવામાં આવશે, તો પણ તેનો નિર્ણય ગુણવત્તા, કિંમત અને જરૂરિયાતના આધારે લેવાશે, અમેરિકાની શરતોના આધારે નહીં. જિનિવામાં ઈરાનના રાજદૂત અલી બહરીનીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોતાનો આર્થિક નિર્ણય લેવો એ ઈરાનનો સંપ્રભુ અધિકાર છે અને કોઈ અન્ય દેશ તેના પર શરતો લાદી શકે નહીં.
અંતિમ શાંતિ કરારમાં આવી શકે છે અડચણ
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના આર્થિક મતભેદો અંતિમ શાંતિ કરારના માર્ગને વધુ મુશ્કેલ બનાવી શકે છે. અમેરિકાના ઘણા સાંસદો પહેલેથી જ ઈરાનને કોઈપણ પ્રકારની આર્થિક રાહત આપવાના વિરોધમાં છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ પ્રતિબંધોના ભયને કારણે ઈરાન સાથે વેપાર કરતા ડરે છે.
વેપારના આંકડા: હાલમાં બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર દવાઓ અને માનવતાવાદી સહાય પૂરતો જ મર્યાદિત છે. વર્ષ 2024માં અમેરિકા અને ઈરાન વચ્ચે કુલ વેપાર આશરે $838 મિલિયન રહ્યો હતો.
જો આ સમજૂતી આગળ વધશે તો પણ ઈરાન પોતાની આયાતને માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત રાખવા માંગતું નથી. આ સ્થિતિ જોતાં ફ્રીઝ ફંડના ઉપયોગને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચેની આ ખેંચતાણ લાંબી ચાલે તેવા સંકેતો મળી રહ્યા છે.









