Get The App

કોલકાતામાં મોદીની રેલી પહેલા ભાજપ ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે હિંસા

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
કોલકાતામાં મોદીની રેલી પહેલા ભાજપ ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે હિંસા 1 - image

- બંગાળ સરકારના મંત્રીના ઘર પર પથ્થરમારો

- રેલી સ્થળેથી પાંચ કિમી દૂર સામસામે ભારે પથ્થરમારો બન્ને પક્ષના નેતાઓ, પોલીસકર્મીઓ ઘાયલ 

કોલકાતા : ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા કોલકાતામાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભારે મારામારી થઇ હતી. આ ઘર્ષણમાં પોલીસ અધિકારી અને ભાજપના એક નેતા ઘાયલ થયા હતા. જ્યારે બંગાળ સરકારમાં મંત્રી શશિ પાંજાના ઘર પર પથ્થરમારો થયો હોવાના પણ અહેવાલો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર રેલી યોજવાના હતા, આ સ્થળેથી માત્ર પાંચ જ કિમી દૂર ભાજપ કાર્યકર્તાઓ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. ભાજપના કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીની રેલીના સ્થળ તરફ માર્ચિંગ કરી રહ્યા હતા જે દરમિયાન આ વિવાદ થયો હતો. ભાજપની પરિવર્તન યાત્રાના સમાપન સમયે બન્ને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો પણ થયો હતો. 

આ દરમિયાન પશ્ચિમ બંગાળના મંત્રી શશિ પાંજાના ઘર પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો છે, બાદમાં શશિ પાંજાએ પ્રેસ કોન્ફરંસ કરીને દાવો કર્યો હતો કે મારા ઘર પર ઇંટો ફેંકવામાં આવી હતી, એક ઇંટ મારા પેટના ભાગે વાગી હતી. મારા પક્ષના અનેક કાર્યકર્તાઓ અને સ્ટાફ આ દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. હુમલાખોરો મારી હત્યા કરવા માગતા હતા. કેટલાક સ્થાનિકોના જણાવ્યા મુજબ બન્ને પક્ષકારો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.