Brazil's ex-president Bolsonaro Arrested: બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેયર બોલ્સોનારોની ધરપકડ કરી લેવાઈ છે. તેના પર પોતાના જ દેશમાં તખ્તાપલટનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ મામલે બોલ્સોનારોને દોષિત જાહેર કરી દેવાયા હતા. કોર્ટે તેમને 27 વર્ષ અને 3 મહિનાની સજા સંભળાવી હતી. આ સજા આગામી અઠવાડિયે શરૂ થવાની હતી, પરંતુ તે પહેલા જ બોલ્સોનારોની ધરપકડ કરી લેવાઈ છે. બોલ્સોનારોને રાજધાની બ્રાસીલિયામાં પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા છે.
પહેલાથી નજરબંધીમાં હતા બોલ્સોનારો
બોલ્સોનારો એક અલગ કેસમાં પહેલાથી જ હાઉસ એરેસ્ટમાં હતા. તેમના વકીલ સેલ્સો વિલાર્ડીએ એએફપીને જણાવ્યું કે, તેમને જેલમાં કેદ કરી દેવાયા છે, પરંતુ મને નથી ખબર કે શા માટે?
પોલીસે કહ્યું કે, આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા કરવામાં આવી છે. બોલ્સોનારોની કાયદાકીય ટીમ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા ઘરમાં જ તેમની સજા પૂર્ણ કરાવવાના પ્રયાસમાં લાગી હતી.
બોલ્સોનારોને શા માટે થઈ 27 વર્ષની સજા?
બોલ્સોનારો 2019 થી 2022 સુધી બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ રહ્યા છે. તેના પર 2022ની ચૂંટણી હાર્યા બાદ સૈન્ય તખ્તાપલટનું ષડયંત્ર રચવાનો આરોપ છે. તપાસમાં સામે આવ્યું કે, તેમણે સેના અને પોતાના સમર્થકોની સાથે મળીને એક સૈન્ય તખ્તાપલટની યોજના બનાવી.
જાન્યુઆરી, 2023માં તેમના હજારો સમર્થકોએ કેટલાક સરકારી બિલ્ડિંગ્સ પર હુમલો કર્યો હતો. કોર્ટે તેને બોલ્સોનારો દ્વારા તૈયાર કરાયેલા ષડયંત્રનો ભાગ માન્યો અને 27 વર્ષની સજા સંભળાવાઈ.


