| (IMAGE - IANS) |
Brazilian President Warned US: દક્ષિણ અમેરિકાના શક્તિશાળી દેશ બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વાએ વેનેઝુએલામાં કોઈપણ પ્રકારની સશસ્ત્ર સૈન્ય દખલગીરી સામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય બળનો પ્રયોગ કરવામાં આવશે, તો તે સમગ્ર લેટિન અમેરિકા ક્ષેત્ર માટે અત્યંત ઘાતક અને વિનાશક સાબિત થશે.
અમેરિકાના સૈન્ય દબાણ પર ચિંતા
20 ડિસેમ્બર, 2025ના રોજ આયોજિત 'મર્કોસુર' અને તેના સાથી દેશોના 67મા શિખર સંમેલનમાં સંબોધન કરતા પ્રમુખ લુલાએ અમેરિકા દ્વારા વેનેઝુએલા પર વધતા જતા સૈન્ય દબાણ અંગે ગંભીર વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'અમેરિકા દ્વારા આપવામાં આવી રહેલી ધમકીઓ, દરિયાઈ નાકાબંધી અને કેરેબિયન દેશ વેનેઝુએલામાં સૈન્યની હાજરી ચિંતાજનક છે.' પ્રમુખ લુલાએ આને બાહ્ય શક્તિ દ્વારા ક્ષેત્રમાં બિનજરૂરી દખલ ગણાવી હતી, જેના કારણે સમગ્ર લેટિન અમેરિકામાં ગભરાટ અને અશાંતિનો માહોલ છે.
'શાંતિ જ એકમાત્ર રસ્તો'
બ્રાઝિલ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે, 'દક્ષિણ અમેરિકા માટે શાંતિ અને સમૃદ્ધિ જ એકમાત્ર સાચો માર્ગ છે. તેમણે ચેતવણી આપી કે વેનેઝુએલામાં સશસ્ત્ર હસ્તક્ષેપ સમગ્ર ખંડ માટે 'માનવીય હોનારત' બની શકે છે અને તે વિશ્વ માટે એક ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે.' લુલાએ વધુમાં જણાવ્યું કે તેમણે તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં તેમણે ટ્રમ્પને સલાહ આપી હતી કે સૈન્ય ટકરાવના બદલે વાતચીત અને રાજદ્વારી માર્ગ અપનાવવો વધુ પ્રભાવશાળી અને ઓછો નુકસાનકારક રહેશે.
આ પણ વાંચો: યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના 200 જવાનો રશિયા ગયા, 26 શહીદ: સરકારનો સંસદમાં સ્વીકાર
તણાવનું મુખ્ય કારણ: તેલ ટેન્કરો પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં જ વેનેઝુએલાથી આવતા-જતા તેલ ટેન્કરો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. એટલું જ નહીં, અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સરકારને 'વિદેશી આતંકવાદી સંગઠન' પણ જાહેર કર્યું છે. ટ્રમ્પના આ પગલાં સામે અનેક લેટિન અમેરિકાના દેશોએ વિરોધ નોંધાવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર(UN) પાસે મધ્યસ્થી કરીને શાંતિનો માર્ગ શોધવાની અપીલ કરી છે.


