Get The App

યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના 200 જવાનો રશિયા ગયા, 26 શહીદ: સરકારનો સંસદમાં સ્વીકાર

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના 200 જવાનો રશિયા ગયા, 26 શહીદ:  સરકારનો સંસદમાં સ્વીકાર 1 - image


Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ભારત સરકારના જણાવ્યાનુસાર, આ યુદ્ધમાં રશિયાની સેના સાથે લડવા માટે 200થી વધુ ભારતીય નાગરિકોએ ભરતી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ફેબ્રુઆરી 2024થી કુલ 202 ભારતીય નાગરિકો રશિયાના સશસ્ત્ર દળોમાં જોડાયા છે. જો કે, રાહતની વાત છે કે આમાંથી 119 ભારતીયોને વહેલી રજા આપવામાં આવી છે અને તેમને પાછા લાવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં યુદ્ધમાં કેટલા ભારતીયો માર્યા ગયા છે?

વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 26 ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જ્યારે સાત ગુમ છે. વધુમાં, સરકાર રશિયન સેનામાં સેવા આપી રહેલા 50 ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવા માટે કામ કરી રહી છે. મૃત્યુ પામેલા 10 ભારતીયોના મૃતદેહ પાછા લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: 'આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં...', ઓકલેન્ડમાં શીખ પરેડ પર વિવાદ, હાકા સ્ટાઈલમાં વિરોધ

ભારત રશિયાને ડીએનએ મોકલ્યા

વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ભારત સરકાર રશિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ભારતીય નાગરિકોની સલામતી, સુખાકારી અને વહેલી મુક્તિ અંગે રશિયા સાથે તમામ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આમાં બંને દેશોના નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચાનો સમાવેશ થાય છે. મૃત અથવા ગુમ થયેલા 18 ભારતીયોના ડીએનએ નમૂનાઓ મૃતકોની ઓળખ માટે રશિયાના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

રશિયા 128 દેશોના સૈનિકોની ભરતી કરી

સૌથી મોટો પ્રશ્ન એ છે કે રશિયન સેનામાં આટલા બધા ભારતીયો કેવી રીતે પહોંચ્યા? યુદ્ધ શરૂ થયું ત્યારથી, રશિયાએ ઘણાં દેશોમાં ભરતી અભિયાનો તીવ્ર બનાવ્યા છે. અહેવાલો અનુસાર, રશિયાએ અત્યાર સુધીમાં લગભગ 128 દેશોમાંથી વિદેશી નાગરિકોની ભરતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધને અત્યાર સુધીનો સૌથી ઘાતક સંઘર્ષ માનવામાં આવે છે. એવો અંદાજ છે કે આ સંઘર્ષમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે. એકલા રશિયામાં જ આશરે  7 લાખ 90 હજાર લોકો માર્યા ગયા છે, જ્યારે આશરે 85 હજાર સૈનિકો ગુમ થયા છે.

લગભગ ચાર વર્ષ લાંબા યુદ્ધમાં રશિયાએ યુક્રેનના આશરે 12 ટકા પ્રદેશ પર કબજો કર્યો છે અને અહેવાલ અનુસાર, આશરે 20 ટકા પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે, જેમાં અગાઉ ભેળવાયેલા ક્રિમીઆનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે તે આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને દરેક ભારતીય નાગરિકનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે.