‘માનવો... અમે આવી ગયા’, રાત્રે 1 વાગે એલિયન એટેકનો મેસેજ આવતા બ્રાઝિલ હડકંપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Brazil Emergency Alert Hack : બ્રાઝિલના અનેક રાજ્યોમાં શુક્રવારની રાત્રે અને શનિવારની સવારની વચ્ચે હજારો લોકોના મોબાઈલ પર એક ઈમરજન્સી એલર્ટ મેસેજ આવતા ભારે હડકંપ મચી ગયો હતો. આ સરકારી મેસેજમાં લોકોને એલિયનના હુમલા માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. જો કે, બાદમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે કોઈ એલિયન એટેક થયો નથી પરંતુ તેમના સત્તાવાર એલર્ટ પ્લેટફોર્મ સાથે છેડછાડ કરવામાં આવી હતી.
મધરાતે 1:30 વાગ્યે સિસ્ટમ ઓફલાઈન કરાઈ
બ્રાઝિલના નેશનલ સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, દેશના સિવિલ ડિફેન્સ એલર્ટ પ્લેટફોર્મને કોઈ થર્ડ પાર્ટી (હેકર્સ) દ્વારા રિમોટલી એક્સેસ કરીને આ ફેક મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ ગંભીર સાયબર સુરક્ષા ભંગને પગલે શનિવારે તડકે 1:30 વાગ્યે આખી એલર્ટ સિસ્ટમને ઓફલાઈન કરી દેવામાં આવી હતી. હાલ ફેડરલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

શું લખ્યું હતું મેસેજમાં?
સામાન્ય રીતે પૂર, વાવાઝોડું કે ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓની આગોતરી જાણ કરવા માટે વપરાતી આ સરકારી સિસ્ટમમાંથી લોકોને 'એક્સ્ટ્રીમ એલર્ટ' મોકલાયા હતા. મિનાસ ગેરેસ રાજ્યની રાજધાની બેલો હોરિઝોન્ટેના લોકોને મળેલા મેસેજમાં લખ્યું હતું કે, ‘પોતાનો બચાવ કરો, એલિયનનો હુમલો થયો છે. માનવો, અમે આવી ગયા છીએ.’ આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ ખોટી ચેતવણી આપવામાં આવી હતી.
ગભરાયેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કર્યા
મધરાતે અચાનક વાગેલી ફોનની ઘંટડીઓ અને મેસેજ જોઈને લોકો ડરી ગયા હતા. વાવાઝોડાના મેસેજને સાચો માનીને કેટલાય પરિવારો સુરક્ષિત જગ્યાઓ શોધવા લાગ્યા હતા. વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે લોકોએ કંટ્રોલ રૂમ, પોલીસ અને ફાયર બ્રિગેડની ઓફિસોમાં ફોન લાઈનો ગજવી મૂકી હતી. જો કે, કેટલાક લોકોને એલિયનની વાત વાંચીને તરત જ આ કોઈ મજાક કે હેકિંગ હોવાની શંકા ગઈ હતી.
આ પણ વાંચો : VIDEO: દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક, સ્ટેજ પર મચી અફરાતફરી!









