લોહીનો બદલો લોહી : ટ્રમ્પના પરિવારને ખતમ કરવાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈ/તહેરાન: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનનું યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે. મધ્ય તહેરાનમાં વિશાળ પોસ્ટર પર ટ્રમ્પને કોફીનમાં બતાવ્યા પછી ઈરાને એક બેનરમાં અમેરિકન પ્રમુખના આખા પરિવારની તસવીરોને તાબૂત પર દર્શાવી 'લોહીનો બદલો લોહી'થી લેવાની કસમ ખાધી છે. વધુમાં અમેરિકાના હુમલા વધતા ઈરાને યુદ્ધવિરામની સમજૂતી ફગાવી દીધી છે અને હવે કોઈ સરહદ સુરક્ષિત નહીં રહે તેવી ચેતવણી આપી છે. બીજીબાજુ અમેરિકાએ સતત સાતમા દિવસે વિનાશક હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકાએ શનિવારે હોર્મોઝગાનમાં પીવાના પાણીના પ્લાન્ટનો નાશ કર્યો હતો. બદલામાં ઈરાને પણ કુવૈતમાં સતત બીજા દિવસે ડીસેલિનેશસન પ્લાન્ટને નિશાન બનાવ્યો હતો.
અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાન પર કરેલા મિસાઈલ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલિ ખામેનેઈની સાથે તેમના પરિવારના કેટલાક લોકો પણ માર્યા ગયા હતા. આ હત્યાઓના બદલામાં હવે ઈરાને અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આખા પરિવારને ખતમ કરી નાંખવાની ધમકી આપી છે. મધ્ય તહેરાનમાં ટ્રમ્પને કોફીનમાં સુવડાવતું વિશાળ બેનર રજૂ કરાયા પછી હવે નવું બેનર લગાવાયું છે.
ઈરાને દર્શાવેલા આ વિશાળ બેનરમાં અમેરિકન ધ્વજથી ઢંકાયેલા તાબૂતો પર પ્રમુખ ટ્રમ્પ અને મેલાનિયાની સાથે ટ્રમ્પના પાંચ સંતાનો ઈવાન્કા, ડોન જુનિયર, એરિક, ટિફની અને બૈરન ટ્રમ્પનીે તસવીરો છે. આ તસવીરોના બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ હાઉસને સળગતું દર્શાવાયું છે. બેનર પર ફારસી ભાષામાં 'લોહીના બદલે લોહી'નો નારો લખાયો છે.
ઈરાનના નવા સુપ્રીમ લીડર અને અયાતુલ્લા ખામેનેઇના પુત્ર મોજતબા ખામેનેઈએ પિતાની હત્યાનો બદલો નિશ્ચિતરૂપે લેવાશે અને ગૂનેગારોની મોત શાંતિપૂર્ણ રીતે તેમની પથારીમાં નહીં થાય તેવી જાહેરાત કરી હતી. મોજતબા ઉપરાંત અનેક ઈરાની નેતાઓ અને સરકારી મીડિયાએ વારંવાર સુપ્રીમ લીડરની હત્યાનો બદલો લેવાની માગ કરી હતી.
વધુમાં અમેરિકાના હુમલા સતત વધતા હવે ઈરાને શનિવારે અમેરિકા સાથેના વચગાળાના યુદ્ધવિરામના કરાર ફગાવી દીધા હતા અને હવે કોઈ સરહદો સુરક્ષિત નહીં રહે તેવી ચેતવણી આપી હતી.
ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગારીબાબાદીએ કહ્યું કે, અમેરિકાએ પહેલા આ સમજૂતીની બધી જ શરતોનો ભંગ કર્યો છે, જેના કારણે હવે તહેરાને પણ પીછેહઠ કરવી પડી છે. ઈરાન હવે કોઈ કરારને નહીં માને અને દેશની સુરક્ષામાં લાગી ગયું છે. બીજીબાજુ અમેરિકાએ ઈરાન પર હોર્મુઝની ખાડીમાં વ્યાપારિક જહાજોને નુકસાન પહોંચાડીને કરારના ભંગનો આક્ષેપ કર્યો હતો.
દરમિયાન અમેરિકાએ સતત સાતમા દિવસે પણ ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રાખ્યા હતા.
અમેરિકાએ હોર્મોઝગાન પ્રાંતમાં વોટર ડીસેલિનેશન પ્લાન્ટનો નાશ કર્યો હતો, જેના કારણે ૨૦ ગામના અંદાજે ૧૦,૦૦૦ લોકોને પીવાના પાણીનો પૂરવઠો ઠપ થઈ ગયો હોવાનું ઈરાને જણાવ્યું હતું. અમેરિકાના હુમલામાં ત્રણ સપ્તાહમાં ૫૦ લોકોનાં મોત થયા અને ૫૦૦ લોકો ઘાયલ થયાનો ઈરાને દાવો કર્યો હતો.
અમેરિકાએ ઈરાનમાં સૈન્ય નિરીક્ષણ સ્થળો, મિલિટ્રી લોજિસ્ટિક, અન્ડરગ્રાઉન્ડ આર્મ્સ સ્ટોરેજ સુવિધાઓને પણ નિશાન બનાવ્યા હતા.
અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને કુવૈત, બહરીન, ઓમાન, જોર્ડન, કતાર જેવા દેશોમાં અમેરિકન બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આઈઆરજીસીએ કુવૈતમાં પીવાના પાણીના પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ સિવાય જોર્ડનમાં પણ ઈરાને અમેરિકાના બે સૈન્ય બેઝને નિશાન બનાવતા અનેક અમેરિકન સૈનિકો ઘાયલ થયા હોવાનો આઈઆરજીસીએ દાવો કર્યો હતો. જોર્ડનમાં ઈરાનના બેલિસ્ટિક હુમલાને રોકવામાં અમેરિકન પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર નિષ્ફળ ગયા હતા.
અમેરિકાએ માઈન્સવાળો રસ્તો બતાવતા બે જહાજોમાં વિસ્ફોટ
તહેરાન: અમેરિકાના હુમલા વધતા ઈરાને હોર્મુઝની ખાડીમાં વ્યાપારિક જહાજોના પરિવહન પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે શનિવારે હોર્મુઝમાં બે જહાજોમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના માટે ઈરાને અમેરિકા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આઈઆરજીસીએ દાવો કર્યો હતો કે, આ જહાજો પર ઈરાને હુમલો નથી કર્યો, પરંતુ આ બંને જહાજોએ ઈરાનની સમુદ્રમાં માઈન્સની ચેતવણીની અવગણના કરી હતી અને તે માઈન્સના રસ્તે આગળ વધ્યા હતા, તેથી તેમાં વિસ્ફોટ થયા હતા. અમેરિકાએ આ જહાજોને ખોટો રસ્તો બતાવતા તેઓ અકસ્માતનો ભોગ બન્યા છે. બંને જહાજને ચેતવણી અપાઈ હતી કે માઈન્સવાળા રસ્તે આગળ ના વધે, પરંતુ તેઓ અમેરિકાના ભરોસે આ માર્ગે આગળ વધ્યા હતા. કોઈપણ જહાજ ઈરાનની વાત નહીં માને તો તે હોર્મુઝની ખાડી પાર નહીં કરી શકે અને ગમે ત્યારે માઈન્સના અકસ્માતનો ભોગ બની શકે છે.









