World

અમેરિકામાં એચ-1બી વિઝા પર ત્રણ વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ

By GS Team
26 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં H-1B વિઝા મુદ્દે ટ્રમ્પ સરકાર અને કોર્ટ આમને-સામને છે. એપેલેટ કોર્ટે H-1B વિઝા પર ફરીથી 1 લાખ ડોલરની ફી લગાવવાની ટ્રમ્પ સરકારની માગ ફગાવી દીધી છે. મોન્ટાનાના સાંસદ ટીમ શીહીએ સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં 3 વર્ષ માટે H-1B વિઝા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. આ બિલ હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં એચ-1બી વિઝા પર ત્રણ વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ
  • એચ-1બી વિઝા મુદ્દે અમેરિકામાં સરકાર-કોર્ટ આમને-સામને
  • એચ-1બી વિઝા પર ફરીથી ૧ લાખ ડોલરની ફી લગાવવાની ટ્રમ્પ સરકારની માગ એપેલેટ કોર્ટે ફગાવી

વોશિંગ્ટન : ટ્રમ્પ સરકાર ગેરકાયદે વસાહતીઓની સાથે એચ-૧બી, સ્ટુડન્ટ વિઝા સહિત કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા વસાહતીઓ પર નિયંત્રણ લાવવા મથી રહી છે. આ જ શ્રેણીમાં એક સાંસદે અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં એચ-૧બી વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ માટે સ્ટે મૂકવાની જોગવાઈ છે. આ બિલ સેનેટમાં પસાર થાય તો હજારો આઈટી પ્રોફેશનલ સહિત હજારો ભારતીય ઈમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બીજીબાજુ એપેલેટ કોર્ટે એચ-૧બી વિઝા પર ફરીથી ૧ લાખ ડોલરની જંગી ફી નાંખવાની ટ્રમ્પ સરકારની માગ નકારી કાઢી છે.
મોન્ટાનાના રિપબ્લિકન સાંસદ ટીમ શીહીએ એચ-૧બી વિઝા સામેનું બિલ સેનેટમાં રજૂ કર્યું છે. આ બિલમાં ટ્રમ્પ સરકાર તરફથી અગાઉ લવાયેલી ૧ લાખ ડોલરની ફીને સૂચિત કાયદામાં સામેલ કરવાની પણ દરખાસ્ત છે. એચ-૧બી કાર્યક્રમની શરૂઆત વિશેષ અને મુશ્કેલ પદો માટે કર્મચારીઓની અછત પૂરી કરવા માટે કરાઈ હતી, પરંતુ હવે યોગ્ય અને મહેનતુ અમેરિકનોની જગ્યાએ એચ-૧બી વિઝા મારફત સસ્તા વિદેશી કામદારોની ભરતી કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, અમેરિકાએ એવા વિઝા જારી ના કરવા જોઈએ, જેનાથી અમેરિકન કર્મચારીઓના અધિકારોને નુકસાન પહોંચાડવામાં સરળતા રહે. એચ-૧બી વિઝા હેઠળ અમેરિકન કંપનીઓ વિશેષ ક્ષેત્રોમાં કામ કરતા અત્યંત કુશળ વિદેશી કર્મચારીઓને નોકરી આપે છે. મારો કાયદો એચ-૧બીના દુરુપયોગને ખતમ કરશે અને આ કાર્યક્રમને તેના વાસ્તવિક ઉદ્દેશ્ય મુજબ ચલાવવામાં મદદ કરશે.
અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પ્રત્યેક વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓની નિમણૂક માટે એચ-૧બી વિઝા પર નિર્ભર હોય છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય એન્જિનિયર, સોફ્ટવેર ડેવલપર અને અન્ય ટેકનિકલ નિષ્ણાતો એચ-૧બી વિઝા મારફત કામ કરે છે.
ટીમ શીહીએ રજૂ કરેલા બિલને ઈમિગ્રેશન એકાઉન્ટેબિલિટી પ્રોજેક્ટ અને ફેડરેશન ફોર અમેરિકન ઈમિગ્રેશન રિફોર્મ (ફેર)નું સમર્થન મળ્યું છે. આ બિલમાં ત્રણ વર્ષ સુધી નવા એચ-૧બી વિઝા જાહેર કરવા પર સ્ટે મૂકવાના અને ત્યાર પછી વધુ આકરા નિયમો સાથે કાર્યક્રમને ફરીથી શરૂ કરવાની દરખાસ્ત છે. તેમાં ટ્રમ્પ સરકાર તરફથી પ્રત્યેક એચ-૧બી અરજી પર લગાવેલી ૧ લાખ ડોલરની ફીને પણ કાયદાનો ભાગ બનાવવા માગ કરાઈ છે.
દરમિયાન અમેરિકાની ફેડરલ એપેલેટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને એચ-૧બી પર લાગુ કરેલી ૧ લાખ ડોલરની ફી મુદ્દે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. ટ્રમ્પ સરકારે પ્રત્યેક એચ-૧બી વિઝા અરજીઓ પર ૧ લાખ ડોલરની ફી લગાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સબોર્ડિનેટ કોર્ટે ટ્રમ્પના આ આદેશને રદ કરી દીધો હતો. આ આદેશને એપેલેટ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
બોસ્ટન સ્થિત ફર્સ્ટ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના ત્રણ જજોની બેન્ચે જિલ્લા ન્યાયાધીશ લિયો ટી સોરોકિનના આઠ જૂનના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો હતો. સોરોકિને ટ્રમ્પના આ નિર્ણયને ગેરકાયદે ટેક્સ બતાવતા રદ કરી દીધા હતા, કારણ કે કોંગ્રેસની મંજૂરી વિના આ ફી લાગુ કરાઈ હતી તેમ કોર્ટે જણાવ્યું હતું.