- ગેટ્સનાં કબૂલાતનામાથી અમેરિકામાં સનસનાટી
- અમેરિકન ઉદ્યોગપતિઓને હચમચાવતી એપસ્ટીન ફાઇલ્સ ગેટ્સે ફાઉન્ડેશનના કર્મચારીઓ સમક્ષ માફી માંગી
વોશિંગ્ટન : એપસ્ટીન ફાઇલ્સ કેટલાય અબજપતિઓના અને રાજકારણીઓના ભોપાળા બહાર લાવી રહી છે. અમેરિકન અબજપતિ અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે તે વાત સ્વીકારી હતી કે એપસ્ટીન ફાઇલ્સમાં બતાવવામા આવેલી બે રશિયન મહિલાઓ સાથે તેમના સંબંધ હતા. આ માટે તેમણે પોતાની સંસ્થા બિલ ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીઓની માફી પણ માંગી છે.
તેમણે તેમના કબૂલાતનામામાં જણાવ્યું હતું કે મારા કારણે સંસ્થાની પ્રતિષ્ઠા પર અસર પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આંતરિક ટાઉન હોલ મીટિંગમાં ગેટ્સે પોતાના જૂના સંબંધોને લઈને ઉઠાવાયેલા સવાલોનો જવાબ આપતા જણાવ્યું હતું કે એપસ્ટીન સાથે સમય વીતાવવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેની મુલાકાત કરાવવી એક ભૂલ હતી.
તેમણે જણાવ્યું હતું કે તેમના આ નિર્ણયના લીધે સંગઠનના લોકોએ અસહજ સ્થિતિનો સામનો કરવાનો આવ્યો. તેની જવાબદારી તેઓ પોતે સ્વીકારે છે. ટાઉનહોલ મીટિંગમાં ગેટ્સે સ્વીકાર્યુ કે એપસ્ટીન ફાઇલ્સમાં બતાવવામાં આવેલી બે રશિયન મહિલાઓ સાથે તેમના અફેર હતા, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંબંધોનો એપસ્ટીન પીડિતો સાથે કોઈ સંબંધ ન હતો. માઇક્રોસોફ્ટના સહસ્થાપકની આ વાત મીડિયા રિપોર્ટ્સમાં એપસ્ટીન સાથેની તેમની પાછલી વાતચીતની તલસ્પર્શી વિગતો સામે આવ્યા પછી નવેસરથી થયેલી તપાસ પછી આવી છે.
બિલ ગેટ્સે સ્વીકાર્યું હતું કે તેમના સંબંધ બે રશિયન મહિલાઓ સાથે હતા, પરંતુ તેમણે ગેરકાયદેસર કહેવાય તેવું કોઈ કૃત્ય કર્યુ નથી. એપસ્ટીન ફાઇલ્સમાં ગેટ્સની તસ્વીરો કેટલીક મહિલાઓ સાથે છે, પરંતુ આ મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ આખા વિવાદની અસર બિલ ગેટ્સના જાહેર કાર્યક્રમો પર પણ પડી રહી છે. ગેટ્સે તાજેતરમાં ભારતમાં યોજાયેલી એઆઈ સમિટ્સમાં ભાગીદારી રદ કરી દીધી હતી, જેથી કાર્યક્રમનું ધ્યાન મુખ્ય વિષયોથી ન ભટકે. ગેટ્સ ફાઉન્ડેશન પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેમની એપસ્ટીન સાથે કોઈ નાણાકીય લેવડદેવડ રહી નથી. જો કે નવા રહસ્યોદઘાટનના કારણે ગેટ્સની પ્રતિષ્ઠા અને તેમની વ્યવસાયિક વિશ્વસનીયતા પર સવાલ ઉઠવા લાગ્યા છે.


