અમેરિકાને મોટો ઝટકો: ઈરાને બે ડ્રોન તોડી પાડ્યા, હોર્મુઝમાં 3 ટેન્કરમાં બ્લાસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Shoots Down US Drones Bandar: અમેરિકા અને ઈરાન ફરી એકવાર સામસામે આવી ગયા છે. તણાવ વચ્ચે બંને એકબીજા સામે કાર્યવાહી કરવા લાગ્યા છે. એવા અહેવાલો છે કે ઈરાને બે અમેરિકન ડ્રોન તોડી પાડ્યા છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) એ દાવો કર્યો છે કે, તેણે દેશના દક્ષિણી તટીય વિસ્તાર બંદર ખમીર ઉપર બે અમેરિકન ડ્રોન તોડી પાડ્યા છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, IRGC એ જણાવ્યું કે, આ બંને LUCAS ડ્રોન બંદર ખમીરના તટીય વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા. IRGCના જણાવ્યા મુજબ, ડ્રોન ઈરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, જે બાદ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.
બંદર ખમીર પાસે સુરક્ષા દળોનો ટકરાવ
બંદર ખમીર ઈરાનના દક્ષિણ કિનારે આવેલો એક મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે, જે હોર્મુઝની નજીક આવે છે. તાજેતરના દિવસોમાં આ વિસ્તારમાં અમેરિકી અને ઈરાની દળો વચ્ચે તણાવ વધ્યો છે. ડ્રોન તોડી પાડવાની અને ટેન્કરો માઇન્સ સાથે અથડાવાની ઘટનાઓએ સમગ્ર વિસ્તારની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. કતારના મધ્યસ્થતાના પ્રયાસોને પ્રાદેશિક દેશો તરફથી સમર્થન મળી રહ્યું છે, જેથી સ્થિતિ વધુ વણસતી અટકાવી શકાય.
હોર્મુઝમાં વધ્યો તણાવ
આ ઘટનાની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં પણ તણાવ વધુ વધી ગયો છે. ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે, હોર્મુઝમાં ત્રણ તેલ ટેન્કર માઇન્સ સાથે અથડાઈ ગયા. મીડિયાના જણાવ્યા અનુસાર, આ ટેન્કર 'અનધિકૃત રસ્તા' એટલે કે પરવાનગી વગરના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે જ સમયે તેમની સાથે આ ઘટના બની. જણાવી દઈએ કે, હોર્મુઝ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ પર અસર પડી છે.
કતારે મધ્યસ્થતાના પ્રયાસની કરી વાત
આ દરમિયાન કતારે મધ્યસ્થતાના પ્રયાસો ચાલુ રાખવાની વાત કહી છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, સોમવારે રાત્રે તેહરાન ગયેલી મધ્યસ્થતા ટીમ દોહા પરત ફરી છે. જોકે ટીમ પરત આવ્યા બાદ પણ ઈરાન સાથે વાતચીત ચાલુ રહેશે. પ્રવક્તાએ કહ્યું કે, તણાવ વધારવા વિરુદ્ધ વિસ્તારના દેશો અને ખાડી દેશોનો અભિપ્રાય એકસરખો છે. બંને પક્ષો હવે પ્રસ્તાવ પર વિગતવાર અભ્યાસ કરી રહ્યા છે, અને આગળની સ્થિતિ પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.
કેશ્મ દ્વીપ પર હુમલો
આ પહેલા અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાનના કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ, આ હુમલો તેહરાનના હુમલાના જવાબમાં રક્ષણાત્મક હેતુથી કરવામાં આવ્યો હતો. રાત્રે કેશ્મ દ્વીપ પર વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. વોલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો કે, આ ઘટના પાછળ અમેરિકી સશસ્ત્ર દળો હતા. અખબારે જણાવ્યું કે, અમેરિકી સેના છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈરાન વિરુદ્ધ નાના પાયે ગુપ્ત હુમલા કરી રહી હતી. મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકી લડાયક વિમાને હોર્મુઝ પર ઉડી રહેલા એક અમેરિકી વિમાન પર ઈરાન તરફથી કથિત હુમલાના પ્રયાસના જવાબમાં દ્વીપ પર મિસાઇલ લોન્ચ સિસ્ટમને નિશાન બનાવી હતી. આ હુમલો ઈરાનના IRGCના કથિત પ્રયાસના જવાબમાં કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં મથકોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા હતા. તેના જવાબમાં ઈરાને પણ હુમલા કર્યા હતા. જૂનના મધ્યમાં તેહરાન અને વોશિંગ્ટને દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ત્યારપછી પણ બંને પક્ષોએ એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા છે.




