Netanyahu Death Rumours: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ એક શોપમાં કોફી પીતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જાહેર કરી સોશિયલ મીડિયા પર પોતાના મોતની ચાલી રહેલી અફવાની તેઓ મજાક ઉડાવી રહ્યા છે. વીડિયોમાં નેતન્યાહૂએ રમૂજી અંદાજમાં કહ્યું કે, 'લોકો કહી રહ્યા છે કે બીબી (નેતન્યાહૂનું નિકનેમ) મૃત્યુ પામ્યા છે. શું તમે પણ આ જ પૂછી રહ્યા છો?' ત્યારબાદ તેમણે કેમેરા સામે પોતાના બંને હાથ બતાવતા કહ્યું કે, 'લોકો મારી આંગળીઓ પણ ગણી શકે છે.'
છઠ્ઠી આંગળી સાથે AIની ભૂલ ગણી મોતનો દાવો કર્યો
આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ ઈરાન યુદ્ધને લઈને પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જોવા મળ્યા હતા. વીડિયો પોસ્ટ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે નેતન્યાહૂના જમણા હાથમાં છ આંગળીઓ દેખાઈ રહી હતી. લગભગ 35 સેકન્ડની આસપાસ કોઈ ભ્રમના કારણે કેટલાક લોકોએ છઠ્ઠી આંગળી સમજી લીધી અને તેને AI દ્વારા બનાવવામાં આવેલા વીડિયોની ખામી ગણાવી હતી.
ઈઝરાયલના લોકોની કરી પ્રશંશા
જે બાદ મોતની અફવાઓ વચ્ચે વીડિયોમાં બેન્જામિન નેતન્યાહૂ કહી રહ્યા છે કે તેમને કોફી ખૂબ પસંદ છે અને પોતાના લોકો પ્રત્યે પણ એટલો જ લગાવ છે. તેમણે યુદ્ધની આ ઘડીમાં ઈઝરાયલી નાગરિકોની હિંમત અને ધીરજની પ્રશંસા કરતાં કહ્યું કે, 'આપણા દેશના લોકોનો આ જ ઉત્સાહ મને, સરકારને, ઈઝરાયેલી સુરક્ષા દળો અને મોસાદને તાકાત આપે છે.' નેતન્યાહૂએ એમ પણ જણાવ્યું કે ઈઝરાયલ ઈરાન પર ભીષણ હુમલા કરી રહ્યું છે અને લેબેનૉનમાં પણ કાર્યવાહી ચાલુ છે. જો કે, તેમણે ઉમેર્યું કે સુરક્ષાના કારણોસર તેઓ અત્યારે તમામ માહિતી શેર કરી શકતા નથી.
કોફી શોપના એટેન્ડન્ટ સાથે મજાક
તેમણે નાગરિકોને અપીલ કરી કે તેઓ જ્યારે બહાર નીકળે ત્યારે તાજી હવા જરૂર લે, પરંતુ કોઈ સુરક્ષિત શેલ્ટર(આશ્રયસ્થાન)ની નજીક જ રહે અને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરતા રહે છે. વીડિયોના અંતે નેતન્યાહૂએ કોફી શોપના એટેન્ડન્ટ સાથે મજાક કરતાં કહ્યું, 'કોફી માટે આભાર, તે શાનદાર છે... બસ તેની કેલરીને લઈને થોડી શંકા છે.' ઉલ્લેખનીય છે કે, ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, IRGCએ કહ્યું હતું કે જો નેતન્યાહૂ 'હજુ પણ જીવિત છે, તો અમે તેમનો પીછો કરવાનું ચાલુ રાખીશું અને પૂરી તાકાતથી તેમને ખતમ કરીશું.'
વીડિયોમાં 'છ આંગળીઓ' દેખાતા AIનો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાની હુમલામાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું મોત થયું છે. આ અફવાઓ વચ્ચે ગત શુક્રવારે (13 માર્ચ) નેતન્યાહૂના એક્સ (X) એકાઉન્ટ પર એક પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો કે, વીડિયોની 35 સેકન્ડ પર જ્યારે નેતન્યાહૂ હાથ ઊંચો કરે છે, ત્યારે તેમની નાની આંગળી પાસે માંસનો વધારાનો ટુકડો દેખાય છે, જેને લોકોએ 'છઠ્ઠી આંગળી' ગણાવી હતી. યુઝર્સે તેને 'ક્લાસિક AI ફિંગર ગ્લિચ' ગણાવી દાવો કર્યો કે નેતન્યાહૂનું મોત થઈ ચૂક્યું છે અને આ વીડિયો AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
શું છે વીડિયોનું સત્ય?
આ પહેલા ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે(PMO) કહ્યું હતું કે, 'આ તમામ અહેવાલો ફેક ન્યૂઝ છે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ બિલકુલ સ્વસ્થ છે. અમે ઈરાન અને હિઝબુલ્લાહને કચડી રહ્યા છીએ.' ટેકનિકલ તપાસ અને ફેક્ટ ચેક મુજબ, આ વીડિયો અસલી છે અને ઈઝરાયલ સરકારની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે. વીડિયોમાં દેખાતી 'છઠ્ઠી આંગળી' માત્ર કેમેરા એંગલ અથવા લાઇટિંગની અસર હોઈ શકે છે.


