Bomb Blast in Bangladesh : બાંગ્લાદેશમાં દિવસે ને દિવસે હિંસા વધતી જઈ રહી છે અને દેશમાં વધુ વધુ એક ગંભીર ઘટના બની છે. થોડા દિવસ પહેલા ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકનારા ઉસ્માન હાદીનું સિંગાપોરમાં મોત થયું હતું, ત્યારબાદ ટોળાએ હિન્દુ યુવકને માર મારીને, ઝાડ પર લટકારી સળગાવી નાખ્યો હતો. આ ઘટનાઓ બાદ બાંગ્લાદેશમાં હિંસાઓ શરુ થઈ હતી, ત્યારે રાજધાની ઢાકામાં પેટ્રોલ બોંબ ઝિંકવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
વિસ્ફોટમાં એકનું મોત, એકને ઈજા
ક્રિસમસના એક એક દિવસ પહેલા ઢાકાના માઘ વિસ્તારમાં કેટલાક બદમાશોએ પેટ્રોલ બોંબ ઝિંકી વિસ્ફોટ કર્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના સાંજે લગભગ 7.00 કલાકે બની છે, જેમાં કેટલાક બદમાશોએ ‘બાંગ્લાદેશ ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલ’ના ગેટ પાસે રસ્તા પર બોંબ ઝિક્યો છે. જે સ્થળે વિસ્ફોટ કરવામાં આવ્યો છે, તે સ્થળ નજીક એક ચર્ચ પણ આવેલું છે.
આ પણ વાંચો : પાકિસ્તાન, બાંગ્લાદેશ હિંસા, ગાઝા સંકટ મુદ્દે CM યોગીના વિપક્ષ પર પ્રહાર
ઘટનાસ્થળે બે મોટા ચર્ચ
બદમાશોએ ઝિંકેલો બોંબ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ પર પડ્યો હતો, જેમાં તે વ્યક્તિનું માથું ફાટી જતા ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જ્યાં ઘટના બની ત્યાં બે મોટા ચર્ચ આવેલા છે. પોલીસે ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે અને બોંબ ઝિંકનારા બદમાશોને શોધવા અને ઓળખવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં હિંસા
ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાના વિરોધમાં આંદોલન કરીને મુખ્ય ચહેરો બનેલા ઉસ્માન હાદીની 18 ડિસેમ્બરે મોત થયું હતું, ત્યારથી જ બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થઈ રહી છે, એટલું જ નહીં ટોળાએ એક હિન્દુ યુવકને માર મારી, તેને ઝાડ પર લટકાવીને સળગાવી નાખ્યો હતો. હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને 'જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ' ગણાવ્યા હતા. શરીફ ઉસ્માન હાદી 'ઇન્કલાબ મંચ'ના સંસ્થાપક હતા અને જુલાઈ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ બંધ


