Get The App

બાંગ્લાદેશમાં ધરખમ ફેરબદલ! PMની સત્તા ઘટી, જનમત સંગ્રહમાં YES VOTEથી બદલાયા સત્તાના સમીકરણ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં ધરખમ ફેરબદલ! PMની સત્તા ઘટી, જનમત સંગ્રહમાં YES VOTEથી બદલાયા સત્તાના સમીકરણ 1 - image

Bangladesh Constitutional Reforms : બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી અને જનમત સંગ્રહના પરિણામો સામે આવ્યા બાદ નવા યુગની શરુઆત થઈ છે. આ ચૂંટણીમાં તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)એ ભવ્ય વિજય મેળવ્યો છે. પ્રજાએ જનમત સંગ્રહમાં યશ વોટ આપીને સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે, જેના કારણે હવે દેશના રાજકારણ અને કાયદામાં અનેક મોટા ફેરફારો થવાના છે. નવી તૈયારી મુજબ દેશમાં રાજ્યસભાની રચના થશે, વડાપ્રધાનના અધિકારો ઘટાડવામાં આવશે અને રાષ્ટ્રપતિની શક્તિઓમાં વધારો થશે. આ ઉપરાંત દેશના મુખ્ય મુદ્દાઓ મામલે સાંસદો પાર્ટી લાઇનના બદલે પોતાની જાતે નિર્ણય લઈને મતદાન કરી શકશે.

પ્રજાની જીત : બાંગ્લાદેશમાં સરકાર બદલી, બંધારણ પણ બદલાશે

બાંગ્લાદેશના નાગરિકોને બંધારણમાં ફેરફાર કરવાની તક અપાઈ હતી અને આ માટે ગઈકાલે 12 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આ ઉપરાંત નાગરિકોએ નવી સરકાર બનાવવા માટે પણ મત આપ્યો હતો. એટલે કે દેશની પ્રજાએ બે વખત મત આપ્યા હતા. નાગરિકોએ એ માટે મત આપવાનો હતો કે, શું તેઓ 84 સુધારાવાળા ‘જુલાઈ ચાર્ટર’માં વ્યાપક સુધારા કરવા ઇચ્છે છે કે નહીં? આ માટે તેમણે ‘યસ વોટ’ અને ‘નો વોટ’ આપવાનો હતો.

પ્રજાના ‘યસ વોટ’થી દેશનું બંધારણ બદલાશે

ગઈકાલે ચૂંટણીના પરિણામો અને નાગરિકોની ઇચ્છા, બંને સામે આવી ગયા છે. નાગરિકોએ મોટી સંખ્યામાં ‘યસ વોટ’ની પસંદગી કરી છે. તેનો અર્થ એ થયો કે, પ્રજા બંધારણમાં મોટાપાયે ફેરફાર ઇચ્છે છે. વાસ્તવમાં મોહમ્મદ યુનુસે બંધારણમાં વ્યાપર સુધારા દસ્તાવેજ કહેવાતા ‘જુલાઈ ચાર્ટર’ને નવા બાંગ્લાદેશનો જન્મ ગણાવ્યો હતો. આમાં કુલ 84 સુધારના પ્રસ્તાવ, જેમાંથી કેટલાકમાં સંશોધન કરવું જરૂરી છે અને કેટલાક સુધારા કાયદા અથવા આદેશથી લાગુ થઈ શકે છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન નિશ્ચિત

જનમત સંગ્રહથી બાંગ્લાદેશમાં શું બદલાશે ?

1... રાજ્યસભાની રચના : શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશના મુખ્યા બનેલા મોહમ્મદ યુનુસે (Muhammad Yunus) કહ્યું હતું કે, દેશમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે સત્તા કોઈ એક વ્યક્તિ, એક સંસ્થા કે એક જ કેન્દ્રના હાથમાં મર્યાદિત ન રહેવી જોઈએ. આ જ ઉદ્દેશ્ય સાથે રાજ્યસભાની રચના કરવામાં આવશે. હાલ બાંગ્લાદેશમાં એક જ ગૃહ છે અને જુલાઈ ચાર્ટમાં વચન અપાયું છે કે, દેશમાં વધુ એક ગૃહ બનાવાશે. આનો એ અર્થ થયો કે, બાંગ્લાદેશમાં ઉપલા ગૃહની રચના કરવામાં આવશે. ભારતમાં ઉપલા ગૃહને જ રાજ્યસભામાં કહેવામાં આવે છે. પ્રસ્તાવ મુજબ ઉપલા ગૃહમાં 100 સભ્યો હશે. ચૂંટણીમાં જે પાર્ટીએ જે બેઠકો જીતી હતી, તે મુજબ ગુણોત્તર કરીને ગૃહમાં બેઠકો ફાળવવામાં આવશે. ઉપલા ગૃહથી સંસદની શક્તિઓ વધશે. જો બંધારણમાં ફેરફાર કરવા હશે તો બંને ગૃહોની મંજૂરી ફરજીયાત લેવી પડશે. કોઈ એક પક્ષ બંધારણ નહીં બદલી શકે.

2... એક વ્યક્તિ 10 વર્ષ સુધી જ PM રહી શકશે : જુલાઈ ચાર્ટરમાં નવા સુધારા મુજબ હવે કોઈપણ વ્યક્તિ માત્ર 10 વર્ષ સુધી વડાપ્રધાન રહી શકશે. પ્રસ્તાવ મુજબ, જો વ્યક્તિ વડાપ્રધાન બની જાય તો તે સમયે પાર્ટીનું નેતા પદ છોડવું પડશે.

3... રાષ્ટ્રપતિની શક્તિઓમાં વધારો : હાલ બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર કામ કરે છે. જોકે હવે નવા ફેરફારમાં રાષ્ટ્રપતિની શક્તિઓમાં વધારો કરાયો છે. જો જુલાઈ ચાર્ટનો પ્રસ્તાવ પાસ થઈ જશે તો રાષ્ટ્રપતિ હ્યુમન રાઇટ્સ કમિશન, ઇન્ફોર્મેશન કમિશન, પ્રેસ કાઉન્સિલ, લૉ કમિશન, બાંગ્લાદેશ બૅંકના ગવર્નર અને એનર્જી રેગ્યુલેટરી કમિશનમાં અધિકારીઓની બદલી અને નિમણૂક કરી શકશે. આ માટે તેમણે કોઈની પણ સલાહ લેવાની જરૂર નથી.

4... સાંસદો પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કરી શકશે : બાંગ્લાદેશના બંધારણમાં આર્ટિકલ-70 મુજબ, સાંસદો પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કરી શકતા નથી. જોકે જુલાઈ ચાર્ટરમાં તે નિયમને ખતમ કરી દેવાયો છે. હવે સાંસદો કોઈ મુદ્દા પર પાર્ટીના કહેવાથી નહીં, પણ પોતાની ઇચ્છા મુજબ મતદાન કરી શકશે.

5... વિપક્ષના નેતાને પણ સત્તા અપાઈ : નવા ફેરફારો મુજબ, હવે વડાપ્રધાન પોતાની મરજીથી જ ઇમરજન્સીની જાહેરાત નહીં કરી શકે. હવે આવી જાહેરાત કરવી હોય તો તેમણે કેબિનેટ સભ્યો અને વિપક્ષના નેતા તેમજ ઉપ-નેતાની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઇમરજન્સી વખતે જીવનજરૂરી બાબતોને સસ્પેન્ડ કરી શકાશે નહીં.

6... ચૂંટણી પંચને મોટી સત્તા : ચૂંટણી પંચ સ્વતંત્ર નિર્ણય લઈ શકશે, તેમના પર કોઈનું પણ દબાણ નહીં હોય. એટલે કે જ્યારે પણ ચૂંટણી યોજાશે કે ચૂંટણીને લગતો નિર્ણય લેવામાં આવશે તો તેમાં રાષ્ટ્રપ્રતિ, વડાપ્રધાન સહિત રાજકીય પક્ષોના વડાઓ કે કોઈપણ વ્યક્તિઓ ચૂંટણી પંચ પર દબાણ લાવી નહીં શકે.

7... મહિલાઓના હિતમાં પણ નિયમ : વચગાળાની સરકારની વ્યવસ્થા ફરીથી અમલમાં મૂકવામાં આવશે તેમજ સંસદમાં અનામત બેઠકો વધારીને મહિલાઓની ભાગીદારી વધારવામાં આવશે.

આ પણ વાંચો : 'ઈઝરાયલના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઇએ...' અચાનક જ કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ?

આ તમામ કામ કેવી રીતે પાર પડશે?

બાંગ્લાદેશમાં ચૂંટણી પરિણામો સામે આવી ગયા છે અને પ્રજાનો જનમત સંગ્રહ પણ જાહેર થઈ ગયો છે, ત્યારે હેવ દેશમાં બંધારણમાં ફેરફાર કરવા માટે એક પરિષદનું રચના કરવામાં આવશે. આ પરિષદમાં ચૂંટણી જીતનારા સભ્યોને સામેલ કરાશે. આ સાંસદો કૉન્સ્ટિટ્યુશનલ રિફોર્મ કાઉન્સિલના સભ્ય તરીકે પણ કામ કરશે. આ પરિષદ 'નેશનલ ચાર્ટર' અને 'જનમત સંગ્રહ'ના પરિણામોના આધારે પોતાના પ્રથમ સત્રની તારીખથી 180 દિવસની અંદર તમામ સુધારાઓ પૂર્ણ કરશે.