બલુચોએ 11મી ઑગસ્ટ આઝાદી દિન તરીકે ઉજવી પાક. અધિકારીઓને વીણી વીણી ઠાર કરવા ઝૂંબેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મુનીર, શરીફના હાથમાંથી બલુચિસ્તાન સરી રહ્યું છે
- બલુચ લિબરેશન આર્મી (બી.એલ.ઓ.) દ્વારા પાકિસ્તાન આર્મીના બાતમીદારને પતાવી દેવાયો : આ સાથે વધુ નિશાનો પાડવાની ચેતવણી આપી
ક્વેટા : બલુચિસ્તાને ૧૧મી ઑગસ્ટ પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે. વાસ્તવમાં ૧૯૪૭ની ૧૧મી ઑગસ્ટે જ 'બ્રિટીશ ઇન્ડિયા'ની સરકારે બલુચિસ્તાન ઉપરથી પોતાની પ્રભુસત્તા ઉઠાવી લીધી હતી તે દિવસની યાદમાં ગઈકાલે ૧૧ ઑગસ્ટે બલુચ લિબરેશન આર્મીએ સ્વયમેવ સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે. દરમિયાન બલુચ લિબરેશન આર્મીની જાસૂસી પાંખે તેના વિષે પાકિસ્તાન આર્મીને બાતમી પહોંચાડનાર બાતમીદાર ફારૂક મોહમ્મદ હસાની નામના શખ્સની ક્વેટાના મિલ વિસ્તારમાં હત્યા કરીને બી.એલ.એ.ના સભ્યો ક્ષણાર્ધમાં અલોપ થઈ ગયા.
બી.એલ.એ. જણાવ્યું હતું કે, તેની જાસૂસી પાંખ ફારૂક મોહમ્મદની કાર્યવાહીની સગડ મેળવી જ રહી હતી તે પાકિસ્તાન આર્મીનો બાતમીદાર હતો તેની પાકી ખાતરી થતાં શર્યલ મિલ વિસ્તારમાં તેનો ખાત્મો કરાયો હતો તે માન્ગુએટથી ક્વેટા આવ્યો ત્યારે તેને શોધી કાઢી મારી નાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બલુચીસ્તાનમાં ૧૧મી ઑગસ્ટથી ઠેર ઠેર લાલ- પીળા અને લીલા રંગના ધ્વજો ફરકાવવામાં આવી રહ્યા છે. બલુચો પાકિસ્તાની લશ્કર તથા સિવિલ ગવર્નમેન્ટના અધિકારીઓને વીણી વીણીને ઠાર મારી રહ્યા છે. બલુચોએ આ કાર્યવાહીને 'ઓપરેશન ગૉબાટ' તેવું નામ આપ્યું છે અને તે નીચે 'શોધી શોધીને ઠાર મારવાની ઝુંબેશ જગાવી છે.'
બલુચીઓને ચાયના- પાક ઇકોનોમિક કોરીડોર (સી.સી.ઇ.સી.) સામે પણ વાંધો છે તેઓ ચીનાઓની હાજરી સહી શકતા નથી. ચીનાઓની ઉપર ઠેર ઠેર હુમલા થતા ચીનની મુલાકાતે ગયેલા મુનીરને ચીનના પ્રમુખ શી જિનપિંગે રીતસર ખખડાવી નાખ્યા હતા. અત્યારે જ બલુચીસ્તાનના કેટલાએ વિસ્તારો એવા છે કે જયાં પાક સરકાર પહોંચી શકે તેમ જ નથી ત્યા બીએલએનું જ શાસન ચાલે છે.
અસીમ મુનીર અને શહનવાઝ શરીફ બલુચોની આ કાર્યવાહી ઉપર ખૂબ ગુસ્સે થયા છે. બીએલએને વિભાજનકારી આતંકવાદીઓ કહ્યા છે પરંતુ નક્કર હકીકત એ છે કે બલુચિસ્તાન તેમના હાથમાંથી સરી રહ્યું છે.









