બગરામ એરબેઝ તો હવે સપનામાં જ મળશે, તાલિબાને ઉડાવી ટ્રમ્પની મજાક; પાકિસ્તાનને પણ આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Taliban mocks Donald Trump Bagram Air Base: અમેરિકા ફરીથી અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ (Bagram Air Base) પર કબજો મેળવવા માંગે છે, જેને લઈને તાલિબાનના એક સીનિયર મંત્રીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે મજાક ઉડાવી છે. તાલિબાન સરકારના સૂચના અને સંસ્કૃતિ મંત્રી મુહાજિર ફરાહીએ કટાક્ષ કરતાં કહ્યું છે કે,
'ટ્રમ્પ બગરામ એરબેઝ પાછું મેળવવાનું સપનું માત્ર ઊંઘમાં જ જોઈ શકે છે.'
તેમણે ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું છે કે,
'અમેરિકન સેનાનું આ જૂનું સૈન્ય મથક હવે ક્યારેય તેમના હાથમાં આવવાનું નથી.' તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર આ એરબેઝ પર ફરીથી અમેરિકાનું નિયંત્રણ મેળવવાની જીદ કરતા રહે છે.
શું છે બગરામ એરબેઝ અને તેનું મહત્ત્વ?
બગરામ એરબેઝ ખૂબ જ મહત્ત્વની જગ્યાએ આવેલું છે. કાબુલની ઉત્તરમાં આવેલા આ એરબેઝને પહેલાં સોવિયત રશિયાએ બનાવ્યું હતું. તે પછી, 11 સપ્ટેમ્બર 2001(9/11)ના આતંકી હુમલા બાદ અમેરિકન સેનાએ અફઘાનિસ્તાનમાં લડાઈ લડવા માટે આ એરબેઝનો પોતાના મુખ્ય અડ્ડા તરીકે ઉપયોગ કર્યો હતો. ઑગસ્ટ 2021માં જ્યારે અમેરિકન સેના અફઘાનિસ્તાન છોડીને ગઈ, ત્યારે તાલિબાને તેના પર કબ્જો કરી લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, આ એરબેઝ ચીનની સરહદની નજીક હોવાથી અમેરિકા માટે વ્યૂહનીતિની દૃષ્ટિએ ખૂબ જ જરૂરી છે, તેથી તેઓ તેને ગમે તેમ કરીને પાછું મેળવવા માંગે છે.
તાલિબાનની પાકિસ્તાનને આકરી ચેતવણી
અમેરિકા ઉપરાંત તાલિબાને પાકિસ્તાનને પણ આકરી ચેતવણી આપી દીધી છે. મંત્રી મુહાજિર ફરાહીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે,
'અફઘાનિસ્તાન બહારથી થતા કોઈ પણ હુમલાનો સામનો કરવા માટે પૂરેપૂરું સક્ષમ છે. પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી દેવામાં આવ્યો છે અને અમે કોઈ પણ કિંમતે પોતાના દેશની આઝાદી અને સન્માનની રક્ષા કરીશું.'
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ખૂબ વધી ગયો છે. તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના 38 નાગરિકોના મોત થયા હતા અને 163 લોકો ઘાયલ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. જોકે, પાકિસ્તાને આ આરોપોને ફગાવી દેતાં દાવો કર્યો હતો કે તેમણે માત્ર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે અને આ હુમલામાં 29 આતંકવાદીઓ માર્યા ગયા છે.
પાકિસ્તાન સાથે વિવાદ, પણ ભારત સાથે ગાઢ સંબંધોની ઇચ્છા
પાકિસ્તાન સાથે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અફઘાનિસ્તાનના ભારત સાથેના સંબંધો ઘણા સારા રહ્યા છે. તાલિબાનના મંત્રી ફરાહીએ પોતાની વિદેશ નીતિ અંગે વાત કરતાં સ્પષ્ટ કર્યું કે,
'અમારી વિદેશ નીતિ માત્ર એ જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે અમારા દેશના હિતમાં શું સારું છે. ઐતિહાસિક રીતે ભારત સાથે અમારા ઘણા સારા સંબંધો રહ્યા છે. અમને કોઈ એ બાબતનો આદેશ ન આપી શકે કે અમારે કોની સાથે દોસ્તી રાખવી જોઈએ અને કોની સાથે નહીં. અમે ભારત સાથે વધુ મજબૂત અને વ્યાપારી સંબંધો વિકસાવવા ઇચ્છીએ છીએ.'









