NATO જેવી 'સેના' બનાવશે 80 મુસ્લિમ દેશો? જાણો કેટલી છે શક્તિ અને પડકારો
Arab And Islamic State Summit : ઈઝરાયલના વધતા હુમલાઓ અને અમેરિકા પર અવિશ્વાસના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોમાં યુરોપ અને અમેરિકાના સૈન્ય સંગઠન NATOની જેમ એક સંયુક્ત સૈન્ય સંગઠન બનાવવાની ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. તાજેતરમાં કતારની રાજધાની દોહામાં 80 મુસ્લિમ દેશો પ્રતિનિધિઓનું એક શિખર સંમેલન યોજાયું હતું, જેમાં નાટો જેવી સેના બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. બેઠકમાં પાકિસ્તાન અને ઈજિપ્તે ‘ઈસ્લામિક ટાસ્ક ફોર્સ’ અને ‘સંયુક્ત અરબ સૈન્ય કમાન્ડ’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
NATOમાં 32 દેશો
ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે NATO યુરોપ અને ઉત્તર અમેરિકાના 32 દેશોનું એક સૈન્ય અને રાજકીય ગઠબંધન છે. આનો મુખ્ય ઉદ્દેશ સાથી દેશોની સ્વતંત્રતાની રક્ષા કરવાનો છે. તેની સ્થપાના 1949માં થઈ છે. તેના નિયમ મુજબ કોઈ એક સભ્ય દેશ પર થયેલો હુમલો બધા સભ્ય દેશો પર હુમલો ગણાય છે. અરબ દેશો પણ આ જ પ્રકારનું સંગઠન બનાવવા થનગનાટ કરી રહ્યા છે.
ઈઝરાયલ હુમલા બાદ મુસ્લિમ દેશો ટેન્શનમાં
9 સપ્ટેમ્બરે ઈઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં હમાસના પાંચ સભ્યો અને કતારના એક સુરક્ષાકર્મીનું મોત થયું હતું. હુમલાને કતારે પોતાની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો છે. આ હુમલાના કારણે અરબ દેશો એક થવા અને પોતાની સુરક્ષાની કમાન સંભાળવા માટે મજબૂર થયા છે. અરબ દેશો હવે ઈરાન કરતાં ઈઝરાયલને વધુ મોટો ખતરો માની રહ્યા છે અને ગાઝામાં ઈઝરાયલના વર્તનથી નારાજ છે.
આ પણ વાંચો : ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત
અરબ દેશો અમેરિકા પર નિર્ભર
અરબ દેશો તેમની સુરક્ષા માટે મોટાભાગે અમેરિકા પર નિર્ભર છે, જોકે ઈઝરાયલના સતત હુમલાઓ છતાં અમેરિકા ચૂપ બેઠું છે, જેના કારણે તેમનો અમેરિકા પરથી ભરોસો ઉઠી ગયો છે. આ કારણોસર જ ઈસ્લામિક દેશોની તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઈજિપ્તે નાટો જેવું સૈન્ય ગઠબંધન ઊભું કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું નેતૃત્વ શરૂઆતમાં ઈજિપ્ત કરશે અને સાઉદી અરબ બીજો સૌથી મોટો ભાગીદાર હશે. પાકિસ્તાને પણ એક ઈસ્લામિક ટાસ્ક ફોર્સ બનાવવાનું સૂચન કર્યું છે.
નવું નાટો બનાવવાના પ્રસ્તાવમાં પડકારો
જોકે આ પ્રસ્તાવને સફળ બનાવવામાં અનેક પડકારો છે. ઈરાન પણ આ બેઠકમાં સામેલ હતું, પરંતુ ‘અરબ નાટો’ ઉભુ કરવાના પ્રયાસમાં ઈરાન એક મોટી અડચણ છે. મીડિયા રિપોર્ટ મુજબ, નવું નાટો ઉભુ કરવામાં સંગઠનમાં બે ફાટા પડ્યા છે, જેમાં ઈજિપ્ત અરબ નાટો બનાવવા ઈચ્છે છે, જ્યારે ઈરાન મુસ્લિમ નાટોનો પ્રસ્તાવ લઈને આવ્યું છે. આમ આંતરિક મતભેદના કારણે નવું નાટો ઉભું કરવામાં અનેક પડકારો સામે આવ્યા છે.