Get The App

ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત 1 - image


P-8I Maritime Patrol Aircraft India-US Deal : ભારતીય નૌકાદળની શક્તિ વધારવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય નૌકાદળને વધુ 6 P-8I મેરિટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ આપવાની તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. આ માટે અમેરિકી સંરક્ષણ વિભાગનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચી ગયું છે અને આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા બેઠકનો દોર શરૂ કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલ ચાર બિલિયન ડૉલર (અંદાજે 33,320 કરોડ રૂપિયા)ની છે, જેના પર ત્રણથી ચાર દિવસમાં સંરક્ષણ મંત્રાલયમાં બેઠકોનો દોર ચાલશે. આ ડીલથી ભારતીય નૌકાદળની સર્વેલન્સ ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

ડીલ ફાઈનલ કરવા અમેરિકન પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું

16થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ બેઠકોમાં અમેરિકાના સંરક્ષણ વિભાગ અને બોઈંગ કંપનીના પ્રતિનિધિઓ સામેલ છે. અમેરિકી પ્રતિનિધિમંડળમાં નેવી ઈન્ટરનેશનલ પ્રોગ્રામ્સ ઓફિસ (NIPO) અને ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA)ના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ વૈશ્વિક સંરક્ષણ ભાગીદારી અને સૈન્ય હથિયારોના વેચાણનું સંચાલન કરે છે. આ ડીલથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે.

P-8Iથી ભારતની નૌકાદળની ક્ષમતા વધુ વધશે

હિંદ મહાસાગરમાં ચીનના નૌકાદળની વધતી હાજરી ભારત માટે ચિંતાનો વિષય બન્યું છે, ત્યારે અમેરિકા-ભારત વચ્ચે 6 P-8I એરક્રાફ્ટની ડીલ ફાઈનલ થયા બાદ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. રિપોર્ટ મુજબ, ઘણા સમયથી ચીનના યુદ્ધ જહાજો વિવિધ બહાનું બતાવીને હિંદ મહાસાગરમાં સતત પ્રવેશ કરી રહ્યા છે. વધુ 6 P-8I એરક્રાફ્ટના સમાવેશથી ભારતની દરિયાઈ સર્વેલન્સ અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતામાં વધારો થશે અને આનાથી ચીનની ગતિવિધિઓ પર પણ સતત નજર રાખી શકાશે.

ભારત પાસે હાલ કુલ 12 P-8I એરક્રાફ્ટ

ભારતનો P-8I સાથેનો સંબંધ જૂનો છે. ભારતે પહેલાં પણ 12 એરક્રાફ્ટ ખરીદ્યા હતા, જેમાં 2009માં આઠ અને 2016માં ચારનો સમાવેશ થાય છે. નવા 6 એરક્રાફ્ટની ખરીદીને નવેમ્બર 2019માં મંજૂરી મળી હતી અને મે 2021માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તે મંજૂર કર્યું હતું. 

P-8I એરક્રાફ્ટની ખાસિયતો

  • એરક્રાફ્ટની લંબાઈ 37.63 મીટર, ઊંચાઈ 12.83 મીટર અને વિંગસ્પૈન 37.64 મીટર છે.
  • P-8I એરક્રાફ્ટ સ્પીડની વાત કરીએ તો તે એક કલાકમાં 907 કિલોમીટર ઉડી શકે છે.
  • એરક્રાફ્ટની વજનની ક્ષમતા 85,820 કિલોગ્રામ છે.
  • ફુટ ટેન્ક કર્યા બાદ તે 2225 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે.

P-8I એરક્રાફ્ટમાં દરિયામાં સબમરીનને શોધવાની અદભૂત ક્ષમતા

  • P-8I એ એક સર્વેલન્સ એરક્રાફ્ટ છે, જેનું મુખ્ય કામ દરિયામાં પેટ્રોલિંગ, દેખરેખ અને ખાસ કરીને પાણીની અંદર છુપાયેલી દુશ્મન સબમરીનને શોધીને તેનો નાશ કરવાનું છે.
  • આ વિમાનમાં સેન્સરવાળી 'A Size Sonobuoys' નામની એક વિશેષ સિસ્ટમ લગાવાયેલી છે,જેને પાણીમાં છોડવામાં આવે છે, જે સબમરીન કે જહાજને શોધી શકે છે.
  • આ સેન્સર પાણીમાં તરતા રહે છે અને હવામાં ઉડી રહેલા એરક્રાફ્ટ સાથે સતત સંપર્કમાં રહીને માહિતી મોકલે છે.
  • P8I હુમલો કરવા માટે 'AGM-84 હાર્પૂન એન્ટી-શિપ મિસાઈલ' જેવા હથિયારોથી સજ્જ છે. આ મિસાઈલ રડારથી બચવામાં માહિર અને ખૂબ જ સચોટ છે.
  • તેમાં સૌથી મહત્ત્વનું એન્ટી-સબમરીન હથિયાર ‘Mark-54 ટૉર્પેડોઝ’ છે, જે દુશ્મનના સબમરીનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • આ એરક્રાફ્ટમાં સર્વાઇવલ કિટ પણ સામેલ છે, જે રેસ્ક્યુ ઓપરેશન અને માર્કોસ કમાન્ડોના મિશન દરમિયાન ઉપયોગી થાય છે.
  • P8Iમાં નવ ક્રૂ સવાર થઈ શકે છે.
  • તેના કોકપિટમાં એવી સિસ્ટમ લગાવાઈ છે, જે દુશ્મનના હથિયારને સરળતાથી ઓળખી પાડે છે.
Tags :