Get The App

દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું 1 - image


IEA Global Oil Gas Reserves Report : આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)એ વિશ્વના 15000 તેલ અને ગેસ ક્ષેત્રોના ડેટાનું વિશ્લેષણ કરીને ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. એજન્સીએ ચેતવણી આપી છે કે, વૈશ્વિક તેલ અને ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે, જે આયાત પર નિર્ભર ભારત જેવા દેશો માટે મોટી ચિંતાનો વિષય છે. આ સ્થિતિ ઊર્જાની કિંમતોમાં વધારો કરી શકે છે અને પુરવઠામાં અવરોધ ઊભો કરી શકે છે.

...તો દર વર્ષે તેલ-ઓઈલનું ઉત્પાદન ઘટશે

એજન્સીની નવી રિપોર્ટ ‘તેલ અને ગેસ ક્ષેત્રોના ઘટાડાના પ્રભાવ’માં કહ્યું છે કે, તેલ અને ગેસ ઉદ્યોગમાં વાર્ષિક રોકાણનો 90% હિસ્સો માત્ર હાલના ક્ષેત્રોના કુદરતી ઘટાડાને રોકવા માટે ખર્ચાઈ રહ્યો છે. જો નવું રોકાણ નહીં થાય તો વૈશ્વિક તેલ ઉત્પાદન દર વર્ષે પ્રતિ દિવસ 55 લાખ બેરલ અને કુદરતી ગેસનું ઉત્પાદન 270 અબજ ઘન મીટર ઘટી જશે. આ ઘટાડો 2010ની સરખામણીમાં પ્રતિ દિવસ 40 લાખ બેરલથી વધુ છે.

ભારત માટે ચિંતાનો વિષય

ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ અને 45 ટકા ગેસ આયાત કરે છે. વૈશ્વિક ભંડારમાં ઝડપી ઘટાડો થવાથી ભારત માટે ઊર્જા પુરવઠામાં અવરોધ અને ભાવમાં વધારો થવાનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને શેલ અને ઊંડા સમુદ્રી સ્ત્રોતોની ઝડપી કમી આ જોખમને વધુ ગંભીર બનાવે છે.

આ પણ વાંચો : ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત

IEAએ ભારતને સૂચનો આપ્યા

આ પડકારને પહોંચી વળવા માટે એજન્સીએ ભારતને અનેક સૂચનો આપ્યા છે. એજન્સીએ કહ્યું છે કે, ભારતે કોઈ એક દેશ પરની નિર્ભર ન રહેવું જોઈએ. ભારતમાં તેલ અને ગેસ સંશોધનને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તેનો સંગ્રહ વધારવો જોઈએ અને ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યુઅલ સહિતના વિવિધ ઊર્જા સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

...તો 2030-2040ના દાયકામાં તેલ-ગેસનો પુરવઠો ઘટશે

IEAનો અંદાજ છે કે, 2050 સુધીમાં વર્તમાન ઉત્પાદન જાળવી રાખવા માટે 450 લાખ બેરલ તેલ અને 2000 અબજ ઘન મીટર ગેસ નવા ક્ષેત્રોમાંથી મેળવવું પડશે. જો તેલ-ગેસમાં નવું રોકાણ નહીં વધે અને તેના સંશોધનમાં પણ વિલંબ થશે તો 2030 અને 2040ના દાયકામાં પુરવઠો ઘટી શકે છે, જે ઊર્જા સુરક્ષા અને ભાવો પર ગંભીર અસર કરશે.

આ પણ વાંચો : ગાઝામાં એક જ દિવસમાં ઈઝરાયલના 150થી વધુ હુમલા, અત્યાર સુધી 4 લાખ લોકોનું પલાયન

Tags :