નેપાળમાં વધુ એક 'ડેથ લેક' ફાટવાનું જોખમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બે નદીના સંગમ સ્થળે બેરિયર લેકમાં ૫,૦૦૦ કરોડ લીટર પાણીનો ભરાવો થયાની ચીનની ચેતવણી
- નેપાળમાં મૃત્યુઆંક વધીને ૪૨૫ થયો, ૨૯૦ ભારતીય સહિત ૧૫૦૦થી વધુ લાપતા : ઉત્તર પ્રદેશ, બિહારમાં ગંડક નદીમાં પૂરની ચેતવણી
- નેપાળમાં કોંક્રિટના ૩૫ પુલ અને ૪૫ સસ્પેન્શન બ્રીજ તથા ૪૨ કિ.મી. રસ્તા તણાયા, રૂ. ૧.૨૫ લાખ કરોડના નુકસાનની આશંકા
- નેપાળમાં તારાજી વચ્ચે ૩.૨નો ભૂકંપ
કાઠમંડુ : તિબેટની સરહદેથી નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરના કારણે બુધવારે ભારે તારાજી સર્જાઈ હતી. આ કુદરતી દુર્ઘટનામાં ગુરુવારે મૃત્યુઆંક વધીને ૪૨૫ જેટલો થઈ ગયો છે જ્યારે ૨૯૦ ભારતીયો સહિત કુલ ૧૫૦૦થી વધુ લોકો લાપતા છે. આ ફ્લેશ ફ્લડના કારણે નેપાળમાં રૂ. ૧૨,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે.
આ આફત વચ્ચે નેપાળમાં ગુરુવારે ૩.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના માથે હજુ પણ મોટી કુદરતી આફતનું જોખમ તોળાઈ રહ્યું હોવાની ચીને ચેતવણી આપી છે. ચીને જણાવ્યું છે કે નેપાળમાં છોચેન ખોલા અને પુરેપુ સાંગપો નદીઓના સંગમ પાસે મોટું બેરિયર લેક સરોવર રચાયું છે, જેમાં ૫૦ લાખ ક્યુબિક મીટરથી વધુ એટલે કે ૫,૦૦૦ કરોડ લીટર પાણી ભરાવાથી સરોવર ફાટવાની આશંકા છે. નેપાળ માટે આગામી ૭૨ કલાક અત્યંત જોખમી છે.
ચીનના જળસંશાધન મંત્રાલયે ગુરુવારે ચેતવણી આપી કે નેપાળના છોચેન ખોલા અને પુરેપ સાંગપો નદીઓના સંગમ પાસે રચાયેલા બેરિયર લેકમાં ગુરુવાર સુધીમાં ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી એકત્ર થઈ ગયું છે. આ સરોવર પહેલાથી જ ઓવરફ્લો થઈ રહ્યું છે. એવામાં આગામી ત્રણ દિવસમાં આ સરોવરમાં વધુ ૩૦ લાખ ક્યુબિક મીટર પાણી ભરાવાની સંભાવના છે. એટલે કે સરોવરમાં ૫૦ લાખ ક્યુબિક મીટર પાણી એટલે કે ૫,૦૦૦ કરોડ લીટર પાણી એકત્ર થઈ જશે. પરિણામે આગામી ૭૨ કલાક નેપાળ માટે ખૂબ જ મહત્વના છે. મંત્રાલયે કહ્યું કે, તેઓ સરોવર પર નજર રાખી રહ્યા છે અને સંભવિતરૂપે સરોવરના તૂટવાની સ્થિતિ અને ઈમર્જન્સી કાર્યમાં બચાવમાં મદદ માટે પૂર સિમ્યુલેશન અને જોખમનું આકલન કરી રહ્યા છે.
અગાઉ, નેપાળમાં બુધવારે આવેલા ફ્લેશ ફ્લડમાં કુલ મૃત્યુઆંક ગુરુવારે ૪૨૫ નજીક પહોંચી ગયો છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે. અચાનક આવેલા પૂરના કારણે નેપાળમાં એક ડઝનથી વધુ જળવિદ્યુત પ્રોજેક્ટને ગંભીર નુકસાન થયું છે, જેમાં ૩૫૪ મેગાવોટની ક્ષમતાવાળા આઠ ચાલુ જળવિદ્યુત પ્રોજેક્ટ અને પાંચ નિર્માણાધીન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પરિણામે નેપાળમાં વીજળીનું સંકટ પેદા થયું છે. નેપાળના રસુવા, નુવાકોટ અને ધાડંગિના વિવિધ વિસ્તારોમાં કોંક્રિટના ૩૫ પુલ અને ૪૫ સસ્પેન્શન બ્રીજ તથા ૪૨ કિ.મી. રસ્તા તણાઈ ગયા છે. નેપાળના રસુવા અને તેની સાથે સંકળાયેલા નીચાણવાળા વિસ્તારમાં આવેલા વિનાશક પૂરથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અંદાજે ૨૦૦ અબજ નેપાળી રૂપિયા એટલે કે અંદાજે રૂ. ૧.૨૫ લાખ કરોડનું નુકસાન થયું છે. નેપાળમાં આવેલા પૂરથી ભારતમાં પણ મોટું જોખમ ઊભું થયું છે. નેપાળથી ગંડકી નદીમાં ત્રણ મૃતદેહ તણાઈને ઉત્તર પ્રદેશના નીચલૌલ અને ટેફલા નજીક આવ્યા હતા, જેને એસડીઆરએફ અને એસએસબીના જવાનોએ બહાર કાઢ્યા હતા. ગંડક નદીમાં દર કલાકે ૧૦,૦૦૦ ક્યુસેક પાણીનું સ્તર વધી રહ્યું છે. આથી ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂરનું જોખમ પણ ઊભું થયું છે.
બીજીબાજુ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, નેપાળ-તિબેટની સરહદે આવેલા પૂરમાં ૨૯૦થી વધુ ભારતીયો લાપતા છે અને ૨૦૦થી વધુ ભારતીયો ચીન સરહદે તિબેટમાં ફસાયેલા છે. નેપાળમાં ૭૩ ભારતીય નાગરિકો ત્રિશુલ વન પાવર પ્રોજેક્ટમાં કામ કરતા હતા. તેમનો સંપર્ક થઈ શક્યો નથી. આ ઉપરાંત નેપાળના પ્રવાસે ગયેલા સેંકડો ભારતીય પ્રવાસીઓનો પણ સંપર્ક થઈ શક્યો નથી. ભારત, નેપાળ, ચીનના દૂતાવાસો લાપતા લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વધુમાં ચીનની ચેતવણીના પગલે ભારતમાં પણ એલર્ટ અપાઈ છે.
નેપાળમાં ૨,૦૦૦ ફૂટ પહોળી હિમશીલા ૪,૦૦૦ ફૂટ નીચે પડતા હોનારત સર્જાઈ
ભૂકંપ નહીં હિમશિખર તૂટવાથી વિનાશક પૂર આવ્યું : અમેરિકા
લાંગટાંગ લિરુંગ પર્વત પરથી તૂટેલી હિમશીલાએ લ્હેન્દે નદીમાં પ્રવાહ અટકાવતા બનેલા સરોવરથી ત્રિશુલી નદી ગાંડીતૂર બની
કાઠમંડુ : નેપાળના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં બુધવારે આવેલું વિનાશક પૂર ભૂકંપથી આવ્યું કે હિમશીલાના પડવાથી તે મુદ્દે વૈજ્ઞાાનિકોમાં મતભેદો સર્જાયા છે. તિબેટમાં આવેલા ભૂકંપ પછી નેપાળની ભોટેકોશી નદીમાં પૂર આવ્યું હોવાના અહેવાલો હતા. જોકે, હવે અમેરિકન ભૂવૈજ્ઞાાનિક સર્વેક્ષણે દાવો કર્યો છે કે ભૂકંપ નહીં પરંતુ હિમશિખરના તૂટવાથી વિનાશક પૂર આવ્યું હતું. અહેવાલો મુજબ લગભગ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈથી અંદાજે ૨,૦૦૦ ફૂટ પહોળી હિમશીલાનો ટૂકડો તૂટીને ૪,૦૦૦ ફૂટ નીચે ખીણમાં પડયો હતો. આ હિમશીલા પડવાથી પાણી, માટી અને કાટમાળથી લગભગ ૧૦૦ મીટર ઊંચી સુનામી લહેરો સર્જાઈ હતી. ત્યાર પછી વિનાશક પૂર આવ્યું હતું.
સેટેલાઈટ તસવીરો અને નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ આ હોનારતની શરૂઆત હિમશીલા સાથે સંકળાયેલા વિશાળ એવલાન્ચથી થઈ હતી. નેપાળના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં લાંગટાંગ લિરુંગ પર્વતનો ઉત્તરી ભાગ હિમશીખરોથી છવાયેલો છે. આ વિસ્તારમાં લગભગ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈેથી લગભગ ૨,૦૦૦ ફૂટ પહોળી એટલે કે અડધો કિ.મી. પહોળી હિમશીલા અંદાજે ૪,૦૦૦ ફૂટ નીચે ખીણમાં પડી હતી, જેના કારણે અંદાજે ૫.૨ની તિવ્રતાના ભૂકંપ જેવું કંપન થયું હતું. હિમશીલાનો આ વિશાળ ટૂકડો પાણી, માટી અને કાટમાળથી ૧૦૦ ફૂટ ઊંચી સુનામી લહેરમાં બદલાઈ ગયો. આ લહેર ત્રિશુલ નદીમાં પહોંચતા નેપાળના ઊભા અને ઉબડ-ખાબડ પર્વતોએ આ લહેરને વધુ ગતિ આપી, જેનાથી ખીણ વિસ્તારમાં નદીની આજુબાજુમાં વસતીમાં ભારે વિનાશ સર્જાયો.
જોકે, કેટલાક નિષ્ણાતો મુજબ બુધવારે નેપાળના સમય મુજબ સવારે ૮.૩૭ કલાકે ચીનની સરહદે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે હિમશીખરનો ટૂકડો તૂટી પડયો હતો. નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણ મુદ્દે હજુ પણ વૈજ્ઞાાનિકોમાં મતભેદો છે. ત્રિશૂલ નદીમાં વિનાશક પૂર ભૂકંપના કારણે હિમશીલા તૂટી પડવાથી આવ્યું કે, વિશાળ હિમશીલા તૂટતા ભૂકંપ જેવા કંપન સર્જાયા તે મુદ્દે વિવાદ છે.
કેટલાક વૈજ્ઞાાનિકો મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ અને ગ્લેશિયર પહેલાથી જ નબળા હતા. ચોમાસાના અંતિમ દિવસોમાં ઢોળાવો ભારે બરફથી લદાયેલા હતા. ગ્લેશિયર પાછળ હટવાથી બનેલા મોરેન પાણીથી સંપૂર્ણપણે સેચ્યુરેટ થઈ ગયું હતું. લાંગટાંગ લિરુંગ પર્વત નેપાળમાં આવેલું છે, પરંતુ હિમશીલા તૂટવાથી પેદા થયેલા કાટમાળે થોડોક સમય માટે ચીન સરહદ બનાવતી લ્હેન્દે ખોલા નદીનો પ્રવાહ અટકાવી દીધો હતો. પરિણામે આ નદીમાં સરોવર બની ગયું, જે થોડાક જ સમયમાં તૂટી ગયું. ત્યાર પછી કીચડ તથા મોટા પથ્થરોની દિવાલ ત્રિશુલી નદીમાં પડયા અને નેપાળમાં તેમણે ભારે વિનાશ વેર્યો.




