World

ઈરાનના હુમલામાં વધુ એક ભારતીયનું મોત, પરિવારને છેલ્લા મેસેજમાં હોર્મુઝ પાર કર્યાની કરી હતી જાણ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના દરિયાકાંઠે ઈરાનના હુમલામાં પુણેના મરીન એન્જિનિયર હેરંબ કરમરકરનું મોત થયું. સાયપ્રસના વ્યાપારી જહાજ 'GFX Galaxy' પર થયેલા હુમલા પહેલાં હેરંબે પરિવારને સુરક્ષિત હોવાનો સંદેશ મોકલ્યો હતો. ભારતે આ ઘટના અંગે નવી દિલ્હીમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને સમન્સ પાઠવીને આકરો વિરોધ નોંધાવ્યો છે. 10 ભારતીય નાવિકોને બચાવવામાં આવ્યા, જ્યારે 1 હજુ ગુમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના હુમલામાં વધુ એક ભારતીયનું મોત, પરિવારને છેલ્લા મેસેજમાં હોર્મુઝ પાર કર્યાની કરી હતી જાણ

Heramb Karmarkar Death Iran Attack : હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના દરિયાકાંઠા પાસે ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક સૈન્ય હુમલામાં વધુ એક ભારતીય નાવિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાયપ્રસનો ધ્વજ ધરાવતા વ્યાપારી જહાજ ‘GFX Galaxy’ પર થયેલા આ હુમલામાં પુણેના રહેવાસી મરીન એન્જિનિયર હેરંબ કરમરકરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અત્યંત કરુણ વાત એ છે કે, મૃત્યુના ગણતરીના સમય પહેલાં જ હેરંબે પોતાના પરિવારને વોટ્સએપ પર મેસેજ મોકલીને પોતે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયા હોવાની માહિતી આપી હતી, જે તેમની અંતિમ વાતચીત સાબિત થઈ હતી. આ હુમલા બાદ ભારતે નવી દિલ્હીમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને સમન્સ પાઠવીને અત્યંત આકરો વિરોધ નોંધાવ્યો છે.

"અમે સુરક્ષિત છીએ…" - પુત્રનો આ છેલ્લો મેસેજ વાંચી પરિવાર સ્તબ્ધ

મૂળ પુણેના વતની અને વ્યવસાયે મરીન એન્જિનિયર હેરંબ કરમરકરે હુમલાના થોડા સમય પહેલાં જ પોતાના પરિવારને મેસેજ મોકલ્યો હતો કે, તેમના જહાજે હોર્મુઝ જળમાર્ગને અત્યંત સુરક્ષિત રીતે પાર કરી લીધો છે. પરિવાર હજુ આ મેસેજ વાંચીને રાહતનો શ્વાસ લે, તે પહેલાં જ ઈરાની હુમલામાં હેરંબના મોતના સમાચાર મળ્યા હતા. બુધવારે હેરંબના પરિવારે સત્તાવાર રીતે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. હેરંબના સસરાએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેમના જમાઈના પાર્થિવ દેહને વહેલી તકે સન્માનપૂર્વક ભારત લાવવામાં આવે.

જહાજ પર સવાર હતા અન્ય ભારતીયો, દૂતાવાસ એક્શનમાં

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મર્ચન્ટ જહાજ પર અનેક ભારતીય નાવિકો સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને 10 ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે હજુ પણ 1 ભારતીય નાવિક ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર જણાવ્યું છે કે, તેઓ ઓમાનના સત્તાવાળાઓ અને જહાજની મેનેજમેન્ટ કંપની સાથે સતત સંપર્કમાં છે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યા છે.

વ્યાપારી જહાજો પર હુમલાથી ભારત ચિંતિત, ઈરાન સામે કડક વલણ

હોર્મુઝ જળમાર્ગમાં વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલા અંગે ભારતે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ ઈરાન દ્વારા આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે જહાજો પર હુમલા કરાયા હતા, જેમાં વધુ એક ભારતીય નાવિકનું મોત થયું હતું. એક જ અઠવાડિયામાં ભારતીય નાવિકોના મોતના પગલે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને દિલ્હી ખાતે તલબ કરીને આ મામલે પોતાનો ઉગ્ર વિરોધ અને નારાજગી વ્યક્ત કરી છે.