અનિમા આનંદકુમાર ટાઈમની એઆઈ 100 પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેઝોનમાં પ્રખ્યાત એઆઈ ટૂલ સેગમેકર બનાવ્યું
- અનિમાએ એઆઈને સાયન્સ અને ફિઝિક્સના નિયમો શિખવાડતી ન્યૂરલ ઓપરેટર્સ ટેક્નોલોજી વિકસાવી
ન્યૂયોર્ક : ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો ટાઈમ મેગેઝીને દુનિયામાં એઆઈના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના જોડાણ (એઆઈ ફોર સાયન્સ) પર તેમના ક્રાંતિકારી સંશોધન માટે અનિમા આનંદકુમારને આ સન્માન અપાયું છે.
પ્રોફેસર અનિમા આનંદકુમારે ટાઈમની યાદીમાં સમાવેશ અંગે કહ્યું કે, છેલ્લા એક દાયકાથી ભૌતિક દુનિયાના સિમ્યુલેશનને ઝડપી કરવા માટે એઆઈનો ઉપયોગ કરવો જ તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. પ્રોફેસર અનિમા આનંદકુમાર મૈસૂરના રહેવાસી છે. તેમણે આઈઆઈટી મદ્રાસમાંથી બી.ટેક અને અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે એમઆઈટીમાં સંશોધન કર્યું હતું.
તેમણે અમેઝોનમાં કામ કરતા સેગમેકર નામનું પ્રખ્યાત એઆઈ ટૂલ બનાવવામાં મદદ કરી હતી. ૨૦૧૭માં તેઓ કેલ્ટેકમાં પ્રોફેસર બન્યાં અને પછી એનવીડિયામાં એઆઈ સંશોધનનાં સિનિયર ડિરેક્ટરપદે પણ રહ્યાં હતા. અભ્યાસની સાથે અનિમા આનંદકુમાર ઉત્કૃષ્ટ ભરતનાટયમ ડાન્સર પણ છે.
અનિમા આનંદકુમારની સૌથી મોટી સિદ્ધિ ન્યૂરલ ઓપરેટર્સ નામની ટેક્નોલોજી બનાવવાની છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ટેક્નોલોજી એઆઈને વિજ્ઞાન અને ફિઝિક્સના નિયમ શિખવાડે છે. તેનાથી અનેક મુશ્કેલ વૈજ્ઞાનિક સમસ્યાઓનો ઉકેલ એઆઈ ક્ષણમાં જ લાવી દે છે, જેનો ઉકેલ લાવવામાં પહેલા મોટા-મોટા સુપર કમ્પ્યુટરોને પણ ખૂબ સમય લાગતો હતો.
તેમના રિસર્ચથી એવા મેડિકલ કેથેટર બનાવાયા છે, જેનાથી હોસ્પિટલોમાં થતા બેક્ટેરિયાના ઈન્ફેક્શનને ૧૦૦ ગણા ઘટાડી શકાયા છે. એઆઈની મદદથી હવામાન અને તોફાનની આગાહી ખૂબ જ ઝડપી અને સચોટતાથી કરાઈ રહી છે. તેની સાથે કમ્પ્યુટર ચિપ્સને વધુ સારી બનાવવા અને ક્વોન્ટમ ટેક્નોલોજીને સુધારવામાં પણ તેમના રિસર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે.




