World

વેનેઝુએલા-જાપાનના ભૂકંપ પાછળના અલગ ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાનનું વિશ્લેષણ

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: દુનિયામાં 24 કલાકમાં કેલિફોર્નિયામાં 5.6, વેનેઝુએલામાં 7.2 અને 7.5, જ્યારે જાપાનમાં 6.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. વૈજ્ઞાનિકો આને યોગાનુયોગ ગણાવે છે, કારણ કે ભૂકંપગ્રસ્ત વિસ્તારો હજારો કિલોમીટર દૂર છે. જોકે, પૃથ્વી પોતાની ટેક્ટોનિક ઊર્જાનું સંતુલન જાળવવા પ્રયાસ કરતી હોવાથી, આ આંચકાઓ એકબીજા સાથે પરોક્ષ રીતે જોડાયેલા હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલા-જાપાનના ભૂકંપ પાછળના અલગ ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાનનું વિશ્લેષણ
  • કેલિફોર્નિયા, વેનેઝુએલા, જાપાનના ભૂકંપ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી
  • પૃથ્વીમાં ટેક્ટોનિક ઊર્જાનું સંતુલન જાળવવાના પ્રયાસોના ભાગરૂપે 24 કલાકમાં ત્રણ જગ્યાએ ભૂકંપની સંભાવના
    નવી દિલ્હી : દુનિયામાં અલગ અલગ ખૂણામાં ૨૪ કલાકની અંદર અચાનક ધરતી ધુ્રજી ઊઠી હતી. કેલિફોર્નિયામાં ૫.૬ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો, એ જ દિવસે વેનેઝુએલામાં ૭.૨ અને ૭.૫ની તિવ્રતાના ભૂકંપના બે વિનાશક આંચકા આવ્યા જ્યારે જાપાનમાં ગુરુવારે સવારે ૬.૯ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૨૪ કલાકની અંદર દુનિયામાં આવેલા આ ભૂકંપથી તે એકબીજા સાથે જોડાયા હોવાની આશંકા ઊભી થઈ રહી છે. જોકે, વૈજ્ઞાાનિકોએ ૨૪ કલાકમાં આવેલા ત્રણેય ભૂકંપને યોગાનુયોગ ગણાવ્યા છે. પૃથ્વીના નકશા પર કેલિફોર્નિયા, વેનેઝુએલા અને જાપાનના ભૂકંપગ્રસ્ત વિસ્તારો હજારો કિલોમીટર દૂર આવેલા છે અને ત્રણેય જગ્યાએ ભૂકંપ આવવા પાછળના વૈજ્ઞાાનિક કારણો તદ્ન ભિન્ન છે. વેનેઝુએલાનો ભૂકંપ કેરેબિયન પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટ ની સરહદ પર આવ્યો છે. અહીં બંને પ્લેટો સામસામે અથડાતી નથી, પરંતુ પ્રતિ વર્ષ ૨૦ મીમીની ઝડપે આડી દિશામાં એકબીજા સાથે ઘસાય છે, જેને 'સ્ટ્રાઈક-સ્લિપ' હલનચલન કહે છે. આ આડી ઘસાતી ગતિને લીધે વેનેઝુએલામાં છીછરા અને જોરદાર આંચકા આવ્યા. તેનાથી તદ્ન વિપરીત, જાપાનનો ભૂકંપ 'સબડક્શન ઝોન'ના કારણે આવ્યો છે. જાપાન જે વિસ્તારમાં છે ત્યાં પ્રશાંત મહાસાગરની પ્લેટ એશિયાઈ ખંડની ઓખોત્સ્ક પ્લેટ ની નીચે ધસી રહી છે. એટલે કે એક પ્લેટ બીજી પ્લેટની નીચે દબાય છે. આ ઊભી હલનચલનને કારણે પ્લેટો વચ્ચે પેદા થતા ઘર્ષણથી ફૂજી પાસે ૫૦ કિમીની ઊંડાઈએ સ્લિપ થઈ અને ભૂકંપ આવ્યો હતો.
    ભૂસ્તરશાસ્ત્રીની દ્રષ્ટિએ આ બંને વચ્ચે કોઈ પરોક્ષ સંબંધ અથવા વૈશ્વિક જોડાણની વાત કરીએ, તો તેને વિજ્ઞાાનમાં 'સ્થિતિ સ્થાપક પ્રત્યાઘાત' અથવા પ્લેટ ટેક્ટોનિક્સનું વૈશ્વિક સંતુલન કહી શકાય.
    પૃથ્વીની સપાટી પર આવેલી તમામ ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે એક વિશાળ પઝલની જેમ જોડાયેલી છે. જ્યારે પૃથ્વીના કોઈ એક છેડે (જેમ કે વેનેઝુએલામાં) ૭.૫ ની તીવ્રતાના ભૂકંપથી પ્રચંડ ઊર્જા મુક્ત થાય છે, ત્યારે પૃથ્વીના વૈશ્વિક ટેક્ટોનિક માળખામાં સહેજ ક્ષોભ પેદા થાય છે. આ વૈશ્વિક દબાણના બદલાવને કારણે, પૃથ્વીના બીજા છેડે આવેલા અન્ય સંવેદનશીલ અને પહેલેથી જ દબાણ હેઠળ રહેલા ફોલ્ટ ઝોન (જેમ કે જાપાનનો સબડક્શન ઝોન)માં ભૂકંપ આવવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. આમ, આ ભૂકંપ કોઈ એક જ ફોલ્ટ લાઇનના કારણે નથી આવ્યા અને તેમની પ્લેટો પણ અલગ છે, પરંતુ પૃથ્વી પોતાની ટેક્ટોનિક ઊર્જાનું સંતુલન જાળવવા જે પ્રયાસો કરે છે, તેના ભાગરૂપે આ આંચકાઓ ૨૪ કલાકના સમયમાં ત્રણ જગ્યાએ જોવા મળ્યા હોઈ શકે છે.