એઆઈની એક ભૂલથી અમેરિકા અને ચીન યુદ્ધના આંગણે પહોંચી ગયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી હવે માનવજાતને અત્યંત જોખમ છે તેવા આઈટી કંપનીઓના દાવાઓ વચ્ચે અમેરિકન મીડિયાના એક અહેવાલે હોબાળો મચી ગયો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયમાં એઆઈની એક ભૂલના કારણે અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થવાનું જોખમ સર્જાયું હતું. એઆઈએ ચીનનું કાર્ગો જહાજ 'પરમાણુ શસ્ત્રો' લઈ જતું હોવાનો સંદેશો આપતા અમેરિકાએ તેના પર હુમલાની તૈયારી કરી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ એઆઈની ભૂલ સામે આવતા હુમલો ટાળ્યો હતો.
સીએનએનના રિપોર્ટ મુજબ ઈરાન યુદ્ધ સમયે ગુપ્તચર એજન્સીઓને એક રિપોર્ટ મળ્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચીનનું એક જહાજ પરમાણુ હથિયાર કાર્યક્રમો સંબંધિત સામગ્રી લઈ જઈ રહ્યું છે. આ રિપોર્ટથી અમેરિકન સૈનિકો એલર્ટ થઈ ગયા હતા અને તેમણે ચીનના કાર્ગો જહાજ પર હુમલો કરી તેને રોકવાની તૈયારી કરી લીધી હતી.
રિપોર્ટ મુજબ સૈનિકોને જહાજ પર ઉતરવા તૈયાર રહેવાનો આદેશ અપાયો હતો અને સૈનિકો સાથે વિમાન હવામાં પહોંચી જાય છે.
જોકે, છેલ્લી ઘડીએ તેમને જાણવા મળે છે કે જે ગુપ્ત રિપોર્ટથી આ કવાયત હાથ ધરાઈ હતી તેની પાછળ એઆઈની મોટી ભૂલ હતી.
સીએનએનના રિપોર્ટ મુજબ અમેરિકન સૈન્ય અધિકારીઓને પાછળથી જાણવા મળ્યું કે આ રિપોર્ટ તૈયાર કરવા એક એનાલિસ્ટે એઆઈ ચેટબોટની મદદ લીધી હતી અને ચેટબોટે જહાજના કાર્ગોની ખોટી ઓળખ કરી હતી.
અમેરિકન સૂત્રોએ આ રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો અને કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ બંને દેશો વચ્ચે લગભગ યુદ્ધ શરૂ કરાવી શકે તેમ હતી.
સીએનએનના રિપોર્ટ મુજબ અમેરિકન સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડના એક એનાલિસ્ટ પાસે જહાજના મેનિફેસ્ટ સંબંધિત ગુપ્ત માહિતી હતી.
એનાલિસ્ટે આ માહિતી એક ચેટબોટને આપી. ચેટબોટે તેની પાસે ઉપલબ્ધ માહિતીને આ ગુપ્ત માહિતી સાથે મેળવી એવું આકલન કર્યું કે જહાજ પર પરમાણુ હથિયાર કાર્યક્રમ સંબંધિત સામગ્રી છે. ત્યાર પછી એનાલિસ્ટે એઆઈની મદદથી આ આકલનને એક સામાન્ય ગુપ્ત રિપોર્ટ તરીકે તૈયાર કર્યો, જેનાથી તે સત્તાવાર ગુપ્ત રિપોર્ટનો ભાગ બની ગયો.
આ રિપોર્ટ મળતા અમેરિકન સૈન્ય અધિકારીઓએ ચીનના જહાજ પર હુમલો કરી તેને રોકવાની તૈયારી કરી લીધી. જોકે, અમેરિકા માટે મોટી સમસ્યા એ હતી કે, આ જહાજ ચીનનું હતું. તેના પર અમેરિકા હુમલો કરે તો બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જવાનું જોખમ હતું. આથી, અમેરિકન અધિકારીઓએ રિપોર્ટની ફરીથી સમીક્ષા કરી, જેમાં એઆઈની ભૂલ પકડાઈ ગઈ અને તેમને જાણવા મળ્યું કે જહાજમાં કોઈ પરમાણુ સામગ્રી નહોતી.
સૂત્રો મુજબ અમેરિકન સેનામાં વિવિધ રિપોર્ટ બનાવવા એઆઈનો ઉપયોગ વધવા લાગ્યો છે. એનાલિસ્ટ સેંકડો માહિતીઓમાંથી કામની વિગતો મેળવી ઝડપથી રિપોર્ટ બનાવવા એઆઈની મદદ લે છે, પરંતુ તેના કારણે ભૂલોની સંખ્યા સતત વધી રહી છે.




