Get The App

ખાડી દેશોને ઈરાનનું 'ડેથ' અલ્ટીમેટમ: અમેરિકન સૈનિકોને હોટલમાં રાખ્યા, તો બોમ્બથી ઉડાવી દઈશું!

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
ખાડી દેશોને ઈરાનનું 'ડેથ' અલ્ટીમેટમ: અમેરિકન સૈનિકોને હોટલમાં રાખ્યા, તો બોમ્બથી ઉડાવી દઈશું! 1 - image

Iran's Ultimatum To Gulf Countries:  ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતના હોટેલ માલિકોને એક 'અલ્ટીમેટમ' આપ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે, 'જો તેઓ અમેરિકન સૈનિકોને હોટલમાં રાખશે તો તેમની સંપત્તિ કાયદેસર લશ્કરી લક્ષ્યો બની શકે છે અને અમે તેને બોમ્બથી ઉડાવી દઈશું.'

ખાડી દેશોને ઈરાનનું 'ડેથ' અલ્ટીમેટમ

બીજી તરફ એક સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે આ ચેતવણી એ તમામ ઠેકાણા પર લાગુ થાય છે જે વિદેશી સૈનિકોને આશ્રય આપે છે અને જો આવી ગતિવિધિઓ ચાલું રહેશે તો આ ચેતવણી તત્કાલ અસરથી લાગુ થઈ જશે. 

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકન સૈનિકોએ સમગ્ર પ્રદેશમાં નાગરિક સ્થળો પર પોતાની હાજરી સ્થાપિત કરી લીધી છે. આમાં બેરૂતના જૂના ઍરપૉર્ટ નજીક એક લોજિસ્ટિક્સ બેઝ અને દમાસ્કસમાં રિપબ્લિક પેલેસ, ફોર સીઝન્સ અને શેરેટોન હોટલમાં ચલાવવામાં આવી રહેલી સલાહકાર ગતિવિધિઓ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે આ અઠવાડિયે અમેરિકન મરીન સૈનિકોને ઈસ્તંબુલ અને સોફિયા થઈને જીબુટી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ મોકલવામાં આવ્યા છે.

અમેરિકન સૈનિકો પર લગાવ્યો આ આરોપ

આ અગાઉ ગુરુવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ખાડી આરબ દેશોની હોટલોને અમેરિકન સૈનિકોનો સ્વીકાર ન કરવાની ચેતવણી આપી હતી. તેમણે આ સૈનિકો પર પોતાના ઠેકાણા છોડીને નાગરિક સ્થળોનો ઉપયોગ પોતાની ઢાલ તરીકે કરવાનો આરોપ લગાવ્યો હતો.

અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'આ યુદ્ધની શરૂઆતથી જ અમેરિકન સૈનિકો GCC(ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ)ના સૈન્ય ઠેકાણાથી ભાગીને હોટલ અને ઑફિસોમાં છુપાઈ ગયા છે. તેઓ GCC નાગરિકોનો 'માનવ ઢાલ' તરીકે ઉપયોગ કરી રહ્યા છે.'

આ પણ વાંચો: ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ

તેમણે આ પરિસ્થિતિની તુલના અમેરિકાની હોટલો સાથે કરી, જ્યાં તેમના દાવા પ્રમાણે એવા અધિકારીઓને બુકિંગ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવે છે જેમનાથી ગ્રાહકોને ખતરો ઊભો થઈ શકે છે. તેમણે ખાડી દેશોની હોટલોને પણ આવી જ નીતિ અપનાવવા વિનંતી કરી છે.

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે તણાવ

નોંધનીય છે કે, ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે 28 ફેબ્રુઆરીથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે ઈરાન પર હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અલી ખામેનેઈ, અનેક વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો અને હજારો નાગરિકો માર્યા ગયા છે. જોકે, ઈરાન દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.