Get The App

પતિ જે. ડી. વેન્સ સાથે અણબનાવની અટકળો મુદ્દે ઉષાનો જવાબ, કહ્યું- 'ત્રણ બાળકોની મા છું, વાસણ ધોઉં ત્યારે...'

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
પતિ જે. ડી. વેન્સ સાથે અણબનાવની અટકળો મુદ્દે ઉષાનો જવાબ, કહ્યું- 'ત્રણ બાળકોની મા છું, વાસણ ધોઉં ત્યારે...' 1 - image

Usha Vance React On Rumor Of Tension In Her Marriage: અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સના પત્ની ઉષા વેન્સ એક તસવીરને લઈને ચર્ચામાં છે. તેમની વેડિંગ રિંગ વગરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી અને તેના પછી પતિ જે ડી વેન્સ સાથે અણબનાવની અટકળોનું બજાર ગરમાયું. હવે આ અટકળો પર ઉષા વેન્સે રમૂજ પ્રતિક્રિયા આપી છે. 

વાસ્તવમાં 19 નવેમ્બરના રોજ ઉષા વેન્સ યુએસ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે નોર્થ કેરોલિનામાં સ્થિત કેમ્પ લેજ્યુનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમના ક્લોઝ-અપ શૉટ લેવામાં આવ્યા હતા, જેમાં તેમની આંગળીમાં વેડિંગ રિંગ નહોતી દેખાઈ રહી. બસ અહીંથી જ અટકળો શરૂ થઈ હતી.

અણબનાવની અટકળો મુદ્દે ઉષાનો જવાબ

સોશિયલ મીડિયા પર ઉષા અને જેડી વેન્સના લગ્નજીવનમાં તણાવની અટકળોએ જોર પકડ્યું. કેટલાક લોકોએ તેને પતિ-પત્નીના સંબંધોમાં તણાવની પુષ્ટિ કહેવાનું શરૂ કર્યું. બીજી તરફ અન્ય લોકોએ મજાકમાં લખ્યું કે કદાચ ઉપ પ્રમુખે હવે સોફા પર રાત વિતાવવી પડશે. હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર ઉષા વેન્સ દ્વારા રમૂજી જવાબ આવ્યો છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે, 'ઉષા વેન્સ ત્રણ બાળકોના માતા છે, તે વાસણ ધોવે છે, બાળકોને સ્નાન કરાવે છે અને ઘણી વાર રિંગ પહેરવાનું ભૂલી જાય છે.' 

પબ્લિક સ્ક્રૂટિનીનો સામનો કરી રહ્યું કપલ

જેડી વેન્સ અને ઉષા વેન્સ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત પબ્લિક સ્ક્રૂટનીનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ બન્યો એ વીડિયો, જેમાં ઉપ પ્રમુખ જેડી વેન્સ કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કની પત્ની એરિકાને ભેટી રહ્યા છે. ગત મહિને એરિકાએ મિસિસિપી યુનિવર્સિટીમાં જેડી વેન્સનો પરિચય કરાવતા કહ્યું હતું કે, 'મને ઉપ પ્રમુખમાં મારા સ્વર્ગસ્થ પતિના કેટલાક ગુણો દેખાય છે. મારા પતિનું સ્થાન કોઈ લઈ શકે નહીં, પણ હું ઉપ પ્રમુખ જેસી વેન્સમાં મારા પતિના કેટલાક ગુણો જોઉં છું. અને હું ખૂબ જ ખુશ છું કે, આજે રાત્રે તેમનો પરિચય કરાવી રહી છું.'

જેડી વેન્સના નિવેદન પછી અફવાને વેગ

ગત મહિને જ 'ટર્નિંગ પોઈન્ટ યુએસએ' નામના એક કાર્યક્રમમાં જેડી વેન્સે એક નિવેદન આપ્યું હતું જેનાથી આ અફવાને વધુ વેગ મળ્યો. તેમણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે મારી પત્ની જે હિન્દુ છે તે એક દિવસ કેથોલિક ધર્મ અપનાવે. હું ખ્રિસ્તી ધર્મમાં માનું છું અને આશા રાખું છું કે મારી પત્ની પણ એક દિવસ આ જ દિશામાં આવશે.  

આ પણ વાંચો: PM મોદી, CM નીતિશ કુમાર અને મૈથિલી વિરુદ્ધ આપત્તિજનક ઈન્સ્ટા પોસ્ટ કરનાર શખસની ગુજરાતથી ધરપકડ

બંનેએ 2014માં લગ્ન કર્યા હતા

જેડી વેન્સ અને ઉષા વેન્સની મુલાકાત યેલ લૉ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. 2014માં બંનેએ લગ્ન કર્યા હતા અને હવે તેમને ત્રણ બાળકો છે. તેમના નામ ઈવાન, વિવેક અને મીરાબેલ છે.