ચંદ્ર પર અમેરિકાનો કબજો છે : ટ્રમ્પનું નવું ગતકડું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લેક ઓન્ટેરિયો ને લેક અમેરિકા તથા ન્યૂ મેક્સિકો રાજ્યનું ન્યૂ અમેરિકા મનમરજીથી નામકરણ પછી ટ્રમ્પનો નવો દાવો
- ટ્રમ્પે પોસ્ટ કરવાની સાથે અમેરિકન સ્પેસ ફોર્સનું બજેટ વધારી ૭૧ અબજ ડોલર કર્યું : ચંદ્રના સંશાધનો પર યુએસ કંપનીઓના કબજાના સંકેત આપ્યા
- ચંદ્ર પર કોઈ દેશ દાવો કરી નહીં શકે તેવી સંધિ ૧૯૬૭માં થઈ હતી
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ચંદ્ર અમારો છે તેવો દાવો કરતી ટ્વીટ કરીને નવો વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પની આ ઉશ્કેરણીજનક ટ્વીટથી કાયદાકીય રીતે કોઈ ફરક નથી પડતો કે ચંદ્ર પર અમેરિકાનો અધિકાર નથી થઈ જતો. પરંતુ ચંદ્ર અમેરિકાનો હોવાનો ટ્રમ્પનો દાવો માત્ર પોકળ ટ્વીટ નથી. આ ટ્વીટથી ટ્રમ્પે ચંદ્ર પર કાયમી હાજરી માટે ચીન સાથેની સ્પર્ધાને બળ આપ્યું છે. ચીન તેના પોતાના ચંદ્ર કાર્યક્રમો ચલાવી રહ્યું છે ત્યારે અમેરિકન કંપનીઓ ચંદ્રના સંશાધનોને ભાવી વ્યાવસાયિક અસ્કયામત તરીકે જોઈ રહી છે. ચંદ્ર પર દાવો કરવાની સાથે ટ્રમ્પે યુએસ સ્પેસ ફોર્સનું બજેટ વધારીને ૭૧ અબજ ડોલર કરી દીધું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી પોસ્ટમાં અમેરિકાનો ધ્વજ પણ દર્શાવાયો છે. ચંદ્રનો ફોટો પોસ્ટ કરવાની સાથે ટ્રમ્પે અમેરિકન સ્પેસ ફોર્સના નવા કાળા યુનિફોર્મની એઆઈ જનરેટેડ તસવીરો શેર કરી હતી. તેમણે રંગોનું વર્ણન 'સ્પેસ ગ્રે, મિડનાઈટ બ્લેક, સિલ્વર ગ્રે અને સેટીન બ્લેકના રૂપમાં કર્યું હતું. યુનિફોર્મમાં ખભા અને કોલર પર પ્રતીક ચિન્હો, અને બાંય પર પેચ અને એક બેલ્ટ દર્શાવ્યો હતો. ટ્રમ્પની પોસ્ટથી ઓનલાઈન ચર્ચા શરૂ થઈ હતી અને સ્પેસ ફોર્સ યુનિફોર્મ્સની ઈમેજિસને લોકોએ સ્ટાર વોર્સ સાથે સરખાવી હતી.
ચંદ્ર અમેરિકાની માલિકીનો છે તેવી ટ્રમ્પની પોસ્ટે મૂન મિશનો પછી ચંદ્ર પર અમેરિકાની માલિકીના ભૂતકાળના દાવાને પુનજીર્વિત કર્યો છે. ટ્રમ્પની આ ટ્વીટ ૧૯૬૭માં કરાયેલી આઉટર સ્પેસ ટ્રીટીનો ભંગ હોવાનું જણાવાઈ રહ્યું છે. રસપ્રદ એ છે કે ચંદ્ર પર અમેરિકાના દાવા પછી આઉટર સ્પેસ ટ્રીટી સંધીનો મુસદ્દો તૈયાર કરવામાં અમેરિકાએ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ૧૦૦થીવધુ દેશોએ આ સંધિ પર સહી કરી હતી.
આ સંધીમાં સ્પષ્ટ કરાયું છે કે બાહ્ય અવકાશ અને અવકાશી પદાર્થો પર કોઈ પણ દેશ પોતાનો દાવો કરી શકશે નહીં. જોકે, ટ્રમ્પનો દાવો અમેરિકન કંપનીઓના ઈરાદા દર્શાવે છે. ચંદ્ર કોનો છે તે સવાલની જગ્યાએ ચંદ્ર પરના સંશાધનો પર કોનો કબજો છે તેવો સવાલ ઉઠે ત્યારે ટ્રમ્પની ટ્વીટનો અર્થ બદલાઈ જાય છે. ચીન, ભારત, જાપાન સહિત અનેક દેશો તેમના ચંદ્ર મિશનો ચલાવી રહ્યા છે. તેવા સમયમાં અમેરિકન કંપનીઓ ચંદ્રના સંશાધનો પર કબજાની રેસ શરૂ કરીને તેના પર પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની તૈયારી કરી રહી છે.
પ્રમુખ ટ્રમ્પે આ જ પોસ્ટમાં પોતાની મનમરજીથી અમેરિકા અને કેનેડાની સરહદે આવેલા લેક ઓન્ટેરિયોનું નામ બદલીને લેક અમેરિકા તથા ન્યૂ મેક્સિકો રાજ્યનું નામ બદલીને ન્યૂ અમેરિકા રાખ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. ટ્રમ્પે અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યનો મેપ દર્શાવ્યો હતો, જેમાં મેક્સિકો પર લાલ રંગથી છેકો મરાયો હતો અને અમેરિકા લખાયું હતું. આવી પોસ્ટ વાસ્તવિક દરખાસ્ત છે કે કેમ તે સ્પષ્ટ કરાયું ન હતું. આવી સોશિયલ મીડિયા પોસ્ટ્સ રાજકીય સંદેશ આપવા ઉપયોગ છે પણ રાજ્યના નામ અથવા દરજ્જો બદલવાની કાયદાકીય ઓથોરિટી હોતી નથી.
ટ્રમ્પ થોડા સમયથી નવા નામો આપતા રહ્યા છે. લેક ઓન્ટેરિયોનું નામ લેક અમેરિકા છે તેવો દાવો ટ્રમ્પે ૨૭મી ઓગસ્ટે કર્યો હતો. કેનેડા સાથે વેપાર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ટ્રમ્પનો દાવો સૂચક છે. લેક ઓન્ટેરિયો કેનેડા-અમેરિકા સરહદ પરના પાંચ લેક્સમાંથી એક છે.




