અમેરિકાએ પ્રતિબંધો ઉઠાવ્યા : ડીઝલ માટે પુતિન સાથે કરાર, ટ્રમ્પે દુનિયાને ચોંકાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયાના ક્રૂડની ખરીદી મુદ્દે ભારત પર ટેરિફ નાંખનારા ટ્રમ્પે રેલો આવતા ગુલાંટ મારી
- રશિયા પાસેથી તાત્કાલિક ૩ લાખ ટન ડીઝલ ખરીદશે : ગેલને ૬.૧૯૯ ડોલરે પહોંચેલા ડીઝલના ભાવ મિડ ટર્મ ચૂંટણી પહેલાં ઘટાડવા ટ્રમ્પના હવાતિયા
- રશિયા નવેમ્બરમાં પાંચ લાખ ટન, પછી ૧૦ લાખ ટન અને ૩૦ લાખ ટન ડીઝલ પૂરું પાડશે : પ્રતિબંધો ત્રણ મહિના માટે હળવા કરાયા
- રશિયા સાથે ડીઝલ માટે કરારથી અમેરિકા-દુનિયામાં ઈંધણના ભાવ ઘટાડવામાં મદદ મળશે : ટ્રમ્પ
વોશિંગ્ટન : રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની સાથે વધુ ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે ત્યારે હવે ટ્રમ્પે પોતે વૈશ્વિક બજારો માટે રશિયન ડીઝલ પરના પ્રતિબંધો ઊઠવવાની અને રશિયા પાસેથી લાખો ટન ડીઝલ ખરીદવાની જાહેરાત કરીને દુનિયાભરને ચોંકાવી દીધી છે. અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પહેલાં આકાશને આંબતા ડીઝલના ભાવ ઘટાડવા માટે ટ્રમ્પ હવાતિયા મારી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધનો કોઈ અંત નથી આવતો, જેથી ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રશિયા સાથે કરારની જાહેરાત કરતા ટ્રમ્પે દાવો કર્યો કે તેનાથી ડીઝલના ભાવ ઘટાડવામાં મદદ મળશે.
એશિયામાં રશિયા-યુક્રેન તથા પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પહેલાં ડીઝલના ભાવ એક મહિના કરતાં વધુ સમયથી વિક્રમી ૬ ડોલર જ્યારે કેલિફોર્નિયા સહિત કેટલાક વિસ્તારોમાં ૮ ડોલરના ઊંચા સ્તરે રહ્યા છે. મધ્યવર્તી ચૂંટણી સમયે જ સતત ઊંચા રહેલા ડીઝલના ભાવોથી ગભરાયેલા પ્રમુખ ટ્રમ્પે કિંમતોમાં ઘટાડો લાવવા માટે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે જ હાથ મિલાવવા પડયા છે.
ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિન સાથે ડીઝલની ખરીદી માટેના કરાર કરવા ફોન પર વાત કરી હતી. પુતિન સાથેની વાતચીત પછી ટ્રમ્પે આગામી ત્રણ મહિના સુધી અમેરિકન અને વૈશ્વિક બજારમાં રશિયન ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, રશિયા અમેરિકાને તાત્કાલિક ૩ લાખ ટનથી વધુ ડીઝલ પૂરું પાડશે. ત્યાર પછી નવેમ્બરમાં પાંચ લાખ ટન અને પછી ૧૦ લાખ ટન ડીઝલ આપશે. રિફાઈનરીઓની સ્થિતિના આધારે ૩૦ લાખ ટન ડીઝલનો પૂરવઠો પૂરો પાડવામાં આવશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પુતિન વચ્ચે એવા સમયે ક્રૂડ ઓઈલના આ કરાર થયા છે જ્યારે રશિયા-યુક્રેન તથા પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં સતત ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે. ઈરાન સામે યુદ્ધ શરૂ થયા બાદથી અમેરિકામાં ડીઝલના ભાવમાં લગભગ ૭૦ ટકાનો ઊછાળો આવ્યો છે. ક્રૂડ ઓઈલ વૈશ્વિક સ્તરે સતત ૧૦૦ ડોલરથી ઉપર રહેતા દુનિયાભરમાં મોંઘવારી વધી રહી છે. તેની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. ટ્રમ્પે રશિયા સાથે કરાર માટે નવેમ્બર સુધીનો સમય નિશ્ચિત કર્યો છે.
ટ્રમ્પની આ જાહેરાતથી આખી દુનિયા ચોંકી ઉઠી છે. ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યા છે અને વધુ ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપતા રહ્યા છે. આવા સમયે અમેરિકન નાણાં મંત્રાલયે વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલયને રશિયન ડીઝલ વૈશ્વિક બજારમાં પૂરું પાડવાની મંજૂરી આપવા માટે અસ્થાયી સામાન્ય લાયસન્સ જાહેર કરવા નિર્દેશ આપ્યા છે. મંત્રાલય મુજબ પ્રતિબંધોના દાયરામાં આવતી સંબંધિત લેવડ-દેવડ ૭ એપ્રિલ સુધી લગભગ છ મહિના માટે મંજૂરી અપાશે.
ટ્રમ્પની આ જાહેરાત સામે અમેરિકામાં જ સવાલો ઉઠયા છે. સેનેટર રિચર્ડ બ્લૂમેંથલે કહ્યું કે, રશિયન ઓઈલ પર પ્રતિબંધોમાં ઢીલ આપવાથી કોંગ્રેસના પ્રતિબંધ કાયદાની કોઈ અસર થશે નહીં. હવે ભારત-ચીન જ નહીં અમેરિકા પણ રશિયન ક્રૂડની ખરીદી કરી યુક્રેન સામેના યુદ્ધમાં તેને આર્થિક મદદ કરી રહ્યું છે તેવી છાપ ઊભી થશે. ટ્રમ્પની જાહેરાતથી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પણ ગુસ્સે થયા છે.




