World

અમેરિકા-ઇરાનના એકબીજા પર ફરી હુમલા : 'યુદ્ધ'ના મોરચે 'વિરામ'ની હાલત કફોડી

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
ઇરાને ડ્રોન હુમલો કરતા અમેરિકાએ ઇરાનની ડ્રોન અને મિસાઇલ સાઇટ્સ પર હવાઈહુમલા કર્યા. જવાબમાં ઇરાનના IRGCએ બહેરીન સહિત અમેરિકી લશ્કરી બેઝ પર હુમલા કર્યા. વધુ હુમલા કરાશે તો યુદ્ધની ચીમકી ઉચ્ચારી છે. બંને દેશોએ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે હોટલાઇન શરૂ કરી. US નેવીએ ઓમાન બાજુએ હોર્મુઝના નવા જળમાર્ગનું વિસ્તરણ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઇરાનના એકબીજા પર ફરી હુમલા : 'યુદ્ધ'ના મોરચે 'વિરામ'ની હાલત કફોડી
  • વધુ હુમલા કર્યા તો યુદ્ધ શરૂ કરવાની આઇઆરજીસીની ચેતવણી
  • ઇરાને ડ્રોન એટેક કરતાં અમેરિકાએ હવાઈહુમલા કર્યા બંનેએ વાત વણસતી અટકાવવા હોટલાઇન શરૂ કરી
  • યુએસ નેવીએ ઓમાન બાજુએ હોર્મુઝના નવા જળ માર્ગનું વિસ્તરણ કર્યુ, જહાજોનું આવ-જા બંને થઈ શકશે
    વોશિંગ્ટન : અમેરિાક-ઇરાન શાંતિ સમજૂતી પછી ફરીથી વધુ એક વખત બંને દેશ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. હોર્મુઝમાં ઇરાનના ડ્રોનના હુમલાના જવાબમાં અમેરિકન લશ્કરે શનિવારે ઇરાનની ડ્રોન અને મિસાઇલ સાઇટ્સ પર તથા દરિયાકિનારાની રડાર ચોકીઓ પર હુમલો કર્યો. અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને પણ બહેરિન સહિતના સ્થળોએ અમેરિકાના લશ્કરી બેઝ પર હુમલા કર્યા છે.
    આમ બંને દેશોના એકબીજા પરના હુમલાના કારણે યુદ્ધ ફરીથી ભડકી ઉઠવાની સંભાવના વધુ પ્રબળ બની ગઈ છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાનો વિડીયો પણ જારી કર્યો છે. તેના કારણે પણ ઇરાન ભડકી ગયું છે.
    અમેરિકાએ આ હુમલો ક્યાં કર્યો તેની કોઈ જાણકારી આપી નથી. આમ છતાં તેણે ઇરાનના કુલ ૩૯ સ્થળો પર હુમલાનો ૩૭ સેકન્ડનો વિડીયો જારી કર્યો છેે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ હુમલો અમેરિકાના લશ્કરના ઇરાનની સાથે થયેલો સમજૂતી કરારનો ભંગ કરતાં નથી. આ હુમલો ઇરાને હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો પર કરેલા હુમલાનો જવાબ હતો.
    ઇરાનના સરકારી ટીવીએ એક રિપોર્ટરનેટ ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણી બંદર શહેર તાહેરુયેહમાં મોડી રાત્રે બોમ્બ વિસ્ફોટ થયો હતો.
    ઉલ્લેખનીય છે કે સિંગાપોરના ધ્વજવાળુ માલવાહક જહાજ ઓમાન બંદરેની પાસેથી હોર્મુઝની ખાડીમાંથી બહાર નીકળી રહ્યું હતું. આ દરમિયાન ઇરાનના સૈનિકોએ આ પ્રક્રિયાને યુદ્ધવિરામનો ભંગ ગણાવી તેના પર હુમલો કર્યો હતો.
    અમેરિકાના હુમલાના થોડા સમય પછી ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીએસ)એ જણાવ્યું હતું કે તેણે ખાડી ક્ષેત્રમાં અમેરિકાના લશ્કરી બેઝ પર હુમલા કર્યા છે. તેણે ચેતવણી આપી હતી કે જો ફરીથી હુમલા કર્યા છે તો તો અમારો વળતો પ્રહાર આના કરતાં પણ વધારે તીવ્ર હશે. બહેરીને ઇરાનના હુમલાની આકરી ટીકા કરી છે. તેની સાથે બંને દેશોએ સ્થિતિ વધુ વકરે નહીં તે માટે હોટલાઇન પણ શરૂ કરી દીધી છે.
    ઇરાને બહેરીનને લક્ષ્યાંક સમજી વિચારીને બનાવ્યું છે. આ હુમલો કંઇ યોગાનુયોગ નથી. બહેરીન ઇરાનનું આકરું ટીકાકાર રહ્યું છે. તે અમેરિકાના પાંચમા કાફલાનું કેન્દ્ર છે. બહેરીનમાં તાજેતરમાં જ ગલ્ફ સ્ટેટના પ્રધાનોની અમેરિકાના વિદેશપ્રધાન માર્ક રૂબિયો સાથે બેઠક યોજાઈ હતી. બહેરીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇરાનના ઘણા બધા ડ્રોને હુમલો કર્યો હતો. અમેરિકા અને આરબ દેશોએ હોર્મુઝમાંથી ટોલ ઉઘરાવવાની ઇરાનની માંગ નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે હોર્મુઝનો જળમાર્ગ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. પછી ભલે તે ઇરાન અને ઓમાનની પાસેથી પસાર થતો હોય.
    આ ઉપરાંત અમેરિકન નૌકાદળે જણાવ્યું છે કે હોર્મુઝની ખાડીના ઓમાનની નજીકના રસ્તાને વિસ્તારવામાઁ આવી રહ્યો છે, જેથી હોર્મુઝમાં આવતા અને બહાર જતાં જહાજો સરળતાથી જઈ શકે. જોઇન્ટ મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરેની જાહેરાત ઇરાન માટે ચેતવણી છે કે અમેરિકા હોર્મુઝને ખોલાવી રહ્યુ છે. ઇરાન ભારપૂર્વક જણાવી રહ્યું છે કે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોએ તેના આદેશ માનવા પડશે અને ચેતવણી આપી છે કે તેઓ આ ખાડીમાંથી પસાર થવા બદલ ફી વસૂલશે. અમેરિકા સહિત આરબ દેશો જણાવી રહ્યા છે કે હોર્મુઝમાંથી ફી વસૂલવાની વાત તો કોઈ કાળે નહીં મનાય.