હોર્મુઝમાં તણાવ બાદ અમેરિકા-ઈરાન વચ્ચે કતારમાં યોજાઈ બેઠક, જાણો શું નિર્ણય લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War Updates : કતારની રાજધાની દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી મહત્વની વાતચીત બાદ બંને પક્ષોએ આગામી બેઠક યોજવા પર સહમતી દર્શાવી છે. કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વાતચીતમાં ઘણા મુદ્દાઓ પર સકારાત્મક પ્રગતિ થઈ છે. જોકે, હજુ ઘણા મોટા મુદ્દાઓ પર સહમતી બનવાની બાકી છે, પરંતુ બંને દેશોએ વાતચીત આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે આગામી બેઠક ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિ બાદ ટૂંક સમયમાં બોલાવવામાં આવશે.
કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે દોહામાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ સાથે અલગ-અલગ બેઠકો થઈ હતી. આ બેઠકોમાં કતાર અને પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી, કારણ કે આ વખતે બંને દેશોના પ્રતિનિધિઓ આમને-સામને બેઠા નહોતા. આ વાતચીત બે દિવસ સુધી ચાલી હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે ટેકનિકલ નિષ્ણાતો પણ સામેલ હતા. કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈસ્લામાબાદ એમઓયુ (MoU) સંબંધિત મુદ્દાઓ પર સકારાત્મક પ્રગતિ થઈ છે. ત્યારબાદ તમામ પક્ષોએ વાતચીત આગળ વધારવા અને આગામી બેઠક યોજવા પર સહમતી વ્યક્ત કરી હતી.
ઘણા મુદ્દાઓ પર પ્રગતિ થયાનો દાવો
ઈરાને આ રાઉન્ડની વાતચીતને મહત્વની ગણાવી છે. ઈરાન તરફથી વાતચીતમાં સામેલ ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ દાવો કર્યો કે ઘણા મુદ્દાઓ પર પ્રગતિ થઈ છે. તેમના મતે, ઈરાનની આશરે 6 અબજ ડોલરની ફ્રીઝ થયેલી સંપત્તિમાંથી કેટલોક હિસ્સો મુક્ત કરવા પર સહમતી બની છે. તેમનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ ઈરાન પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે કરી શકશે.
ગરીબાબાદીએ એવો પણ દાવો કર્યો હતો કે કરારના પાલન દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદ કે ગેરસમજથી બચવા માટે બંને દેશો વચ્ચે એક કોમ્યુનિકેશન ચેનલ બનાવવામાં આવશે. આના માધ્યમથી જો કોઈ પક્ષને કરારના ઉલ્લંઘનની ફરિયાદ હશે, તો તેના પર સીધી વાતચીત કરી શકાશે. જોકે, અમેરિકાએ હજુ સુધી આ દાવાઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
હજુ ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય બાકી
વાતચીત શરૂ થતા પહેલા અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની અને અમીર તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. જોકે, બંને ટેકનિકલ વાર્તાનો હિસ્સો બન્યા નહોતા.
દોહામાં થયેલી વાતચીત બાદ માહોલ પહેલા કરતા સારો ચોક્કસ દેખાઈ રહ્યો છે, પરંતુ હજુ પણ ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાનો બાકી છે. જેમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને લાંબા સમયની સુરક્ષા વ્યવસ્થા જેવા વિષયો સામેલ છે. અમેરિકાએ પણ વાતચીતને યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે, જ્યારે ઈરાનનું કહેવું છે કે જો આગળ પણ આ જ રીતે વાતચીત થતી રહેશે તો બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં વધુ પ્રગતિ થઈ શકે છે.









