World

રશિયા-ચીન બાદ ભારત પર ભડક્યું અમેરિકા, ગુજરાત સહિત 3 કેન્દ્રો પર 'શેડો નેટવર્ક' ચલાવવાનો ગંભીર આક્ષેપ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તણાવ વધ્યો છે. અમેરિકાએ ભારત પર ચીનના 'શેડો ટ્રાન્સ-શિપમેન્ટ નેટવર્ક'નો ભાગ હોવાનો આરોપ મૂક્યો છે. વ્હાઇટ હાઉસના અહેવાલમાં ગુજરાત, ચેન્નઈ અને પુણે જેવા ભારતના 3 ઔદ્યોગિક કેન્દ્રોને નિશાન બનાવાયા છે. અમેરિકાનો દાવો છે કે અહીંથી ચીની માલનો રૂટ બદલી અમેરિકન બજારમાં ઘૂસાડાય છે, જેનાથી તેમને 19 થી 26 અબજ ડોલરનું નુકસાન થાય છે. રશિયન ક્રૂડ ખરીદી પર પણ અમેરિકા નારાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-ચીન બાદ ભારત પર ભડક્યું અમેરિકા, ગુજરાત સહિત 3 કેન્દ્રો પર 'શેડો નેટવર્ક' ચલાવવાનો ગંભીર આક્ષેપ

US India Trade Tension : અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. રશિયા સાથે ભારતની વધતી નિકટતા અને ક્રૂડ ઓઇલની ખરીદીથી નારાજ અમેરિકાએ હવે ભારત પર ચીનને મદદ પહોંચાડવાનો નવો આક્ષેપ મૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ વ્હાઇટ હાઉસના તાજેતરના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, 'ભારત અમેરિકાના તપાસ રડાર પર છે.' આ અહેવાલમાં ભારત સહિત વિશ્વના લગભગ 40 દેશોને ચીનના 'શેડો ટ્રાન્સ-શિપમેન્ટ નેટવર્ક'નો હિસ્સો ગણાવવામાં આવ્યા છે.

ગુજરાત સહિત 3 કેન્દ્રો બન્યા નિશાન

વ્હાઇટ હાઉસના અહેવાલમાં ભારતના ગુજરાત, ચેન્નઈ અને પુણે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને અમેરિકાના સિન્સિનાટી, ડેટન અને કોલંબસ શહેરોની 'અગ્લી સિસ્ટર સિટીઝ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. અમેરિકાનો દાવો છે કે આ કેન્દ્રોમાં પંપ અને કોમ્પ્રેસર બનાવીને ચીની માલનો રૂટ બદલીને અમેરિકન બજારમાં ઘૂસાડવામાં આવે છે. આ ગેરકાયદેસર વ્યવસ્થાથી અમેરિકાના સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અને રોજગારીને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાનું કહેવાયું છે.

Peter Navarro.jpg

શું છે 'શેડો ટ્રાન્સ-શિપમેન્ટ' કૌભાંડનો દાવો?

અમેરિકી અહેવાલ 'ધ ગ્રેટ ટ્રાન્સ-શિપમેન્ટ સ્કેમ' મુજબ, અમેરિકા દ્વારા ચીની માલ પર લાદવામાં આવેલા ભારે ટેરિફથી બચવા માટે ચીન ત્રીજા દેશોના રસ્તે પોતાનો માલ અમેરિકા મોકલી રહ્યું છે. પીટર નવારોનો આરોપ છે કે ચીન પોતાના ઉત્પાદનો પર નજીવું પ્રોસેસિંગ, રી-પેકેજિંગ કે રી-લેબલિંગ કરીને અન્ય દેશોના નામે એક્સપોર્ટ કરે છે. આ રમતને કારણે અમેરિકાને દર વર્ષે લગભગ 19 અબજથી 26 અબજ ડોલરની ટેરિફ આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે.

વિશ્વના 40થી વધુ દેશો પર સવાલો

અહેવાલ અનુસાર ચીનના આ નેટવર્કમાં ભારત ઉપરાંત મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના મોટા વ્યાપારિક ભાગીદારો પણ સામેલ છે. અમેરિકી પ્રશાસને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં આવી પ્રવૃત્તિઓમાં સામેલ દેશો પર ભારે દંડ અને પેનલ્ટી લગાવવા માટેના કડક નિયમો લાગુ કરવામાં આવશે.

રશિયન ઓઇલ ખરીદી પર પણ દબાણ

ચીની માલના મુદ્દા ઉપરાંત અમેરિકાએ રશિયા પાસેથી ભારતના કાચા તેલની આયાત સામે પણ ફરી વિરોધ નોંધાવ્યો છે. ભારતે જુલાઈ મહિનામાં પોતાની જરૂરિયાતનું લગભગ 50 ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદ્યું હતું, જેના પગલે અમેરિકાએ ભારત પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. ભારતને અગાઉ 'ટેરિફ કિંગ' કહી ચૂકેલા અમેરિકી તંત્રના આ નવા વલણથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો વધુ જટિલ બને તેવી શક્યતા છે.