World

હોર્મુઝ અને મંદેબ બાદ વધુ એક ગ્લોબલ ટ્રાન્ઝિટ રૂટ પર સંકટ, ખાલી થઈ રહ્યું છે પનામા કેનાલનું પાણી

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
પનામા કેનાલ ઑથોરિટીના વહીવટકર્તા ઇલ્યા એસ્પિનો ડે મારોટાએ ગંભીર પાણીની અછત અંગે ચેતવણી આપી છે. વૈશ્વિક શિપિંગ રૂટ પરની આ નવી ચિંતાને કારણે પનામા કેનાલમાંથી દૈનિક પસાર થતાં જહાજોની સંખ્યા 32 થી ઘટીને 27 થઈ શકે છે. આબોહવા પરિવર્તનને કારણે દર ત્રણ વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, જે વૈશ્વિક સપ્લાય ચેઇન અને અર્થતંત્ર પર ગંભીર અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ અને મંદેબ બાદ વધુ એક ગ્લોબલ ટ્રાન્ઝિટ રૂટ પર સંકટ, ખાલી થઈ રહ્યું છે પનામા કેનાલનું પાણી

Panama Canal Water Shortage Daily Transit: સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Strait of Hormuz) અને બાબ અલ-મંદેબ(Bab al-Mandab)માં જહાજોની અવરજવર અગાઉથી જ પ્રભાવિત છે, ત્યારે હવે વૈશ્વિક શિપિંગ રૂટ પરથી વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. પનામા કેનાલ ઑથોરિટી(Panama Canal Authority)ના નવા વહીવટકર્તા ઇલ્યા એસ્પિનો ડે મારોટાએ ચેતવણી આપી છે કે, પાણીની ગંભીર અછતને કારણે આગામી મહિનાઓમાં કેનાલમાંથી દરરોજ પસાર થતાં જહાજોની સંખ્યામાં વધુ ઘટાડો થઈ શકે છે.

એસ્પિનો ડે મારોટાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દૈનિક ટ્રાન્ઝિટમાં ઘટાડાની પૂરેપૂરી આશંકા છે.

ટ્રાન્ઝિટમાં ઘટાડો: હાલમાં દરરોજ પસાર થતાં 32 જહાજોની સંખ્યા ઘટીને 27 સુધી આવી શકે છે, જે 1997ના સૌથી સૂકા વર્ષના મોડેલિંગ પર આધારિત છે.

હવામાન પર નિર્ભરતા: પનામા કેનાલ એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતો 82 કિમી લાંબો માનવસર્જિત જળમાર્ગ છે, જે વૈશ્વિક વેપારના 3%થી વધુ હિસ્સાનું વહન કરે છે. વરસાદ ઓછો થવાને કારણે પાણીનું સ્તર જાળવી રાખવા જહાજોની સંખ્યા મર્યાદિત કરવી પડે છે.

વૈશ્વિક સપ્લાય ચેઇન અને અર્થતંત્ર પર અસર

પહેલેથી જ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર દબાણ છે. પનામા કેનાલમાં પાણીની અછતના કારણે જહાજોની અવરજવર ઘટવાથી માલ-સામાનના પરિવહનનો ખર્ચ વધશે અને ડિલિવરીમાં વિલંબ થશે. આબોહવા પરિવર્તન(Climate Change)ને કારણે હવે દર ત્રણ વર્ષે આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.

પનામા કેનાલનો ઇતિહાસ અને મહત્ત્વ

નિર્માણ: ફ્રાન્સ દ્વારા 1881માં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે અટકી ગયો હતો, જેને બાદમાં અમેરિકાએ પૂર્ણ કરીને 1914માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂક્યો હતો. 1999માં તેનું નિયંત્રણ પનામા દેશને સોંપાયું હતું.

લોક સિસ્ટમ (Lock System): આ કેનાલની ખાસિયત તેની 'લોક સિસ્ટમ' છે, જે જહાજોને સમુદ્ર સપાટીથી ઉપર ઉઠાવી ગ્રાટૂન લેક(Gatun Lake) સુધી લઈ જાય છે, જેનાથી દક્ષિણ અમેરિકા ખંડનો હજારો કિલોમીટર લાંબો ચક્કર કાપવો પડતો નથી.