Get The App

અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો 1 - image


Pakistan-Afghanistan War : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન શનિવારે અફઘાન દળોએ દાવો કર્યો હતો કે, જલાલાબાદ શહેરમાં એક પાકિસ્તાની લડાકુ વિમાન (ફાઈટર જેટ) ને તોડી પાડવામાં આવ્યું છે. અફઘાન દળોએ વધુમાં જણાવ્યું છે કે, વિમાન તોડી પાડ્યા બાદ તેના પાયલટને જીવતો પકડી લેવામાં આવ્યો છે.

પાયલટ પેરાશૂટની મદદથી કૂદ્યો પણ પકડાઈ ગયો

એએફપી (AFP) ના અહેવાલ મુજબ, અફઘાન સૈન્ય અને પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે શનિવારે જલાલાબાદના એક જિલ્લામાં પાકિસ્તાની લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પાયલટે વિમાનમાંથી પેરાશૂટથી ઇજેક્ટ કર્યું હતું. પરંતુ નીચે ઉતરતા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો.

અફઘાન પોલીસ અને સેનાની પુષ્ટિ

જલાલાબાદના પોલીસ પ્રવક્તા તૈયબ હમ્માદે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, "જલાલાબાદ શહેરના છઠ્ઠા જિલ્લામાં એક પાકિસ્તાની લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યું છે અને તેના પાયલટને જીવતો પકડી લેવામાં આવ્યો છે." પૂર્વ અફઘાનિસ્તાનમાં સેનાના પ્રવક્તા વાહિદુલ્લા મોહમ્મદીએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે.

પાકિસ્તાનનો દાવો: 'ઓપરેશન ગઝબ-લિલ-હક'

બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે શુક્રવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સુરક્ષા દળોએ 297 લડાયકોને ઠાર કર્યા છે અને 4500 થી વધુ અફઘાન જવાનો ઘાયલ થયા છે. તેમણે દાવો કર્યો કે, 'ઓપરેશન ગઝબ-લિલ-હક' દરમિયાન પાકિસ્તાને અફઘાન દળોની 89 ચોકીઓ નષ્ટ કરી દીધી છે અને 18 અન્ય પર કબજો કરી લીધો છે. આ સાથે જ અંદાજે 135 ટેન્ક અને સશસ્ત્ર વાહનો પણ નષ્ટ કર્યા હોવાનો દાવો કરાયો છે.

પાકિસ્તાની મંત્રીએ એમ પણ જણાવ્યું કે, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનમાં અંદાજે 29 સ્થળો પર પ્રભાવી રીતે હુમલા કર્યા છે. અફઘાનિસ્તાન દ્વારા સરહદ પર એકસાથે 53 સ્થળોએ હુમલા કર્યા બાદ પાકિસ્તાને આ વળતો હુમલો શરૂ કર્યો છે.

પાકિસ્તાન સેનાની ચેતવણી

પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અફઘાન તાલિબાને હવે પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો વચ્ચે કોઈ એકની પસંદગી કરવી પડશે.