Get The App

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી 1 - image


Israel-Iran Tension : ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર ભયાનક હુમલા કરી રહ્યા છે, જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયો કટોકટી સમયે ભારતીયો દૂતાવાસનો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. દૂતાવાસે કહ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સ્થિતિ વણસી છે, જેના કારણે ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે.

ભારતીયો ઘરમાંથી બહાર જવાનું ટાળે

ભારતીય દૂતાવાસ (Indian Embassy)ની એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ઈઝરાયલ-ઈરાન વચ્ચે સ્થિતિ તંગ બની ગઈ છે, જેના કારણે ત્યાં રહેતા ભારતીયોએ ઘરમાંથી બહાર જવાનું ટાળવું જોઈએ. કોઈપણ ભારતીય ઈમરજન્સી કામ વગર ઘરમાંથી બહાર ન નીકળે. કોઈપણ નવી સૂચના કે આદેશની માહિતી મેળવવા માટે ભારતીય દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું રાખે. જો કોઈ ઈમરજન્સી ઉભી થાય તો ભારતીય દૂતાવાસના મોબાઈલ નંબર 9128109115 અને 9128109109 પર સંપર્ક કરવા પણ એડવાઈઝરીમાં કહેવાયું છે.

‘ઈઝરાયેલમાં બિનજરૂરી મુસાફરી ટાળો’

ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અહીં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઈઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા સૂચવવામાં આવેલા સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ‘સાવધાની રાખો, દેશમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. અમે ભારતીય નાગરિકોની સલામતી સહિત બગડતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, કૃપા કરીને દૂતાવાસના ટેલિફોન નંબર +972 54-7520711 અને +972 54-3278392 સંપર્ક કરો.’ આ સાથે દૂતાવાસે ઈ-મેઈલ cons1.telaviv@mea.gov.in પણ જાહેર કર્યો છે.

ઈઝરાયલ-ઈરાનનો એકબીજા પર હુમલો

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે શુક્રવારે (13 જૂન) સવારે ઓપરેશન રાઈજિંગ હેઠળ ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ઈરાન ન્યૂક્લિયર પાવર બનાવવાની દિશામાં ઝડપી કામગીરી કરી રહ્યું હોવાથી ઈઝરાયલને વાંધો પડ્યો છે. આ જ કારણે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અનેક હુમલાઓ કરી મોટું નુકસાન કર્યું છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે દાણચોરીથી 200 ડ્રોન સિસ્ટમ ઈરાનમાં ઘુસાડી સંરક્ષણ સિસ્ટમ ઠપ કરી 200 ફાઈટર જેટ અને ડ્રોનથી 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે, જેમાં 100ના મોત અને 400થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલામાં ઈરાનના કમાન્ડર ઈન ચીફ, આર્મી વડા, 20 કમાન્ડર અને છ પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. ઈરાનના વળતા હુમલાના ભયથી ઈઝરાયેલે સમગ્ર દેશમાં ઈમર્જન્સી લાગુ કરવાની સાથે વિશ્વભરમાં દૂતાવાસો બંધ કરી દીધા છે.

આ પણ વાંચો : ઈઝરાયલની સાથે અમેરિકાને પણ ઝટકો, ઈરાને સૌથી શ્રેષ્ઠ મનાતું F35 ફાઈટર જેટ તોડી પાડ્યું

ઈરાન-ઈઝરાયલ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી

બીજી તરફ ઈઝરાયલને મદદ કરવા માટે અમેરિકાએ જહાજો-સૈન્ય સંશાધનો મધ્ય-પૂર્વમાં ખસેડ્યા છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ધમકી આપી છે કે, ‘ઈરાન પરમાણુ સોદો નહીં કરે તો નકશામાંથી ભૂંસાઈ જશે. ઈઝરાયલ પાસે અમેરિકન હથિયારોનો ભંડાર છે. ઈરાન વધુ પ્રચંડ અને ક્રૂર હુમલા શરૂ કરશે તો તે બચી નહીં શકે.’ જોકે ઈઝરાયલના હુમલા અને ટ્રમ્પની ધમકી છતાં ઈરાને અમેરિકા સાથેની પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી છે, જેના કારણે આગામી સમયમાં હજુ મોટા હુમલાની સંભાવના વધી ગઈ છે.

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, આખી રાત મચી તબાહી, જુઓ VIDEO

Tags :