VIDEO: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, આખી રાત મચી તબાહી

Israel-Iran War: ઈઝરાયલે શુક્રવારે (13મી જૂન) ઈરાન પર એક પછી એક તાબડતોબ હુમલાઓ શરૂ કર્યા. તેના જવાબમાં ઈરાને શનિવારે (14મી જૂન) સવારે ઈઝરાયલ પર મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા છે. જેમાં ઈઝરાયલના ઉત્તરીય ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાથી ઉત્તરી ઈઝરાયલમાં સાઈરન વાગવા લાગ્યા છે અને લોકોને બંકરોમાં આશ્રય લેવાની અપીલ કરી છે.
ઈરાને ઈઝરાયલી શહેરોને નિશાન બનાવ્યા
અહેવાલો અનુસાર,મિડિલ ઈસ્ટથી ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઈઝરાયલના ઘણા મોટા શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલી સેનાએ કહ્યું, 'છેલ્લા એક કલાકમાં, ઈરાને ઈઝરાયલ પર ડઝનબંધ મિસાઈલો છોડી છે, જેમાંથી કેટલીકને અટકાવવામાં આવી છે.' ઈરાને ઈઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમ પર હુમલો કર્યો છે. અગાઉ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો અને ઘણાં ટોચના ઈરાની અધિકારીઓના મોત થયા હતા.
ઈઝરાયલનું આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ!
ઈરાને તેલ અવીવમાં ઈઝરાયલી રક્ષા મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેને આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકવામાં નિષ્ફળ ગઈ છે. 24 કલાકની અંદર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ ઈરાને બદલો લીધો છે.
ઈઝરાયલના PMની ઈરાનને ચેતવણી
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે ઓપરેશન રાઈઝિંગ શરૂ કર્યું છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, 'આ તો માત્ર શરૂઆત છે. વધુ તબાહી હજુ થવાનો છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઈરાન દ્વારા ઈઝરાયલના અસ્તિત્વ માટે ઊભા થયેલા ખતરાને ખતમ કરવાનો છે.'
આ પણ વાંચો: VIDEO: ઈઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને આખી રાત મિસાઈલો ઝીંકી, 1નું મોત, અનેક ઘાયલ
ઈરાને પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ મેળવ્યું છે: બેન્જામિન નેતન્યાહૂ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, 'ઈરાનનું બર્બર શાસન દાયકાઓથી ખુલ્લેઆમ ઈઝરાયલને ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે. હાલ અમને ગુપ્ત માહિતી મળી છે કે ઈરાન પરમાણુ હથિયાર મેળવવાની નજીક છે. તેણે નવ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ મેળવ્યું છે. આ ફક્ત ઈઝરાયલ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર ખતરો છે. અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી આપી શકતા નથી કારણ કે તે અમારા દેશ અને બાળકોના ભવિષ્ય માટે ખતરો છે.'

