એડવાન્સ્ડ એઆઈ ખોટા હાથોમાં જશે તો માનવજાત માટે મોટા જોખમ સર્જાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઈ વિકસાવવા અબજો ડોલરનું રોકાણ કરનારા માસાયોશીની ચેતવણી
- ક્યોટોમાં અમેરિકાએ સુપર ઈન્ટેલિજન્સને વિજ્ઞાનના હથિયાર તરીકે દર્શાવતો વિઝન દસ્તાવેજ રજૂ કર્યો
ક્યોટો : દુનિયામાં સતત વિકસિત થઈ રહેલી શક્તિશાળી એઆઈ સિસ્ટમ ખોટા હાથોમાં આવી જશે તો માનવજાત માટે અત્યંત જોખમી બની શકે છે. હવે કોઈપણ દેશ એડવાન્સ્ડ એઆઈ સાથે પરસ્પર લડવા સક્ષમ નથી. હવે માણસને માણસ સામે લડવાનો 'વૈભવ' પોસાઈ શકે તેમ નથી. માણસોએ સુપરઈન્ટેલિજન્સ એઆઈ સામે એક થઈને લડવાની તૈયારી રાખવી પડશે તેમ જાપાનના અબજોપતિ માસાયોશી સોને દુનિયાને ચેતવણી આપતા કહ્યું હતું. આ સાથે અમેરિકાએ સુપર ઈન્ટેલિજન્સને વિજ્ઞાનના હથિયાર તરીકે દર્શાવતો ક્યોટો વિઝન દસ્તાવેજ રજૂ કર્યો હતો.
એઆઈ ટેક્નોલોજી નિષ્ણાતોની સાથે હવે દુનિયામાં એઆઈના વિકાસ માટે અત્યાર સુધી સૌથી વધુ ભંડોળ ફાળવનારી જાપાનની નાણાકીય સંસ્થા સોફ્ટબેન્ક ગૂ્રપના અબજોપતિ સ્થાપક માસાયોશી સોને પણ એઆઈના વિરોધમાં સૂર પૂરાવ્યો છે. જાપાનના ક્યોટોમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન સોસાયટી ફોરમ કાર્યક્રમમાં માસાયોશી સોને કહ્યું કે, તિવ્ર ઝડપે વિકસી રહેલી એઆઈ ટેક્નોલોજી સામે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું કે, દુનિયામાં હવે દેશો ઝડપથી બદલાતી એઆઈ ટેક્નોલોજી સાથે એકબીજા સામે લડી શકે તેમ નથી. એઆઈ ખોટા હાથોમાં જાય તો માનવજાત સામે મોટા જોખમ સર્જાઈ શકે તેમ છે. એઆઈના વિકાસ માટે વર્ષો સુધી અબજો ડોલરનું ભંડોળ ફાળવનારી સોફ્ટબેન્કના સ્થાપકના વિચારોમાં આવેલું પરિવર્તન અસામાન્ય છે. તાજેતરના મહિનાઓમાં એડવાન્સ્ડ એઆઈ મોડેલ્સ દ્વારા સુરક્ષા ભંગની ઘટનાઓના સંજોગોમાં સલામતી અંગે વધતી ચિંતાઓ વચ્ચે માસાયોશીએ આ ચેતવણી આપી છે.
માસાયોશીના નિર્દેશોથી સોફ્ટબેન્કે ચેટજીપીટી બનાવનારી ઓપનએઆઈમાં ૬૫ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેઓ અત્યાર સુધી એઆઈ માણસનું જીવનધોરણ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે તેના પ્રચંડ આર્થિક મૂલ્યની ભલામણ કરતા હતા. આ સાથે આ કાર્યક્રમમાં વ્હાઈટ હાઉસના ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીના નિર્દેશક માઈકલ ક્રેટસિઓસે ક્યોટો વિઝન ફોર અ ગોલ્ડન એજ ઓફ સાયન્સનો દસ્તાવેજ રજૂ કરાયો હતો. આ દસ્તાવેજને જર્મની, ગ્રીસ, ઈટાલી, જાપાન, અમેરિકા સહિત ૧૭ દેશોનું સમર્થન છે.




