World

એક ટ્રિલિયન ડોલરની કંપનીને ફક્ત પાંચ જ કર્મચારી ચલાવતા હશે

By GS TEAM
15 Mar 20262 mins read
એક ટ્રિલિયન ડોલરની કંપનીને ફક્ત પાંચ જ કર્મચારી ચલાવતા હશે

- ઓપનએક્સોના સ્થાપકનો ચોંકાવનારો દાવો

- એઆઈ અને અન્ય ટેકનોલોજીની મદદથી કામ કરાવવું પહેલાં કરતાં પણ વધુ પ્રમાણમાં સરળ બન્યાનો દાવો

નવી દિલ્હી : આગામી એક ટ્રિલિયન ડોલર કંપની ફક્ત પાંચ જ કર્મચારી ધરાવતી હોઈ શકે છે, આ સાંભળીને કોઈપણ આંચકો પામી શકે છે, પરંતુ આજના યુગમાં આ હકીકત બની શકે છે, એમ સિંગ્યુલરિટી યુનિવર્સિટીના ફાઉન્ડિંગ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ઓપનએક્સોના સ્થાપક સલીમ ઇસ્માઇલે એક કાર્યક્રમમાં બોલતા આ ચોંકાવનારી વાત જણાવી હતી. 

સદી પહેલા એક અબજ ડોલરની કંપની માટે ૧ લાખ કર્મચારી જોઈતા હતા, ઓલ્ટમેને માત્ર ૧૦૦ જેટલાની મદદથી સિદ્ધિ મેળવી

તેમણે સીધુ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે લગભગ એક સદી પહેલા એક અબજ ડોલરની કંપની બનવા માટે એક લાખ કર્મચારી રાખવા પડતા હતા. પછીના દાયકાઓમાં એક અબજ ડોલરની કંપની બનવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટીને દસ હજાર પર આવી ગઈ. ગૂગલે ફક્ત એક હજાર કર્મચારીઓ વડે એક અબજ અબજ ડોલરની કંપની બનવાનું સિદ્ધ કરી બતાવ્યું. જ્યારે ઓપનએઆઈએ આ કામ સોથી માંડ થોડા વધુ કર્મચારીઓ સાથે કરી બતાવ્યું. 

આ એક જબરદસ્ત પરિવર્તન છે. આ પરિવર્તન મુખ્યત્વે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને તેની સાથેની બીજી ટેકનોલોજીઓને આભારી છે. તેના લીધે નાની ટીમ ઓછામાં ઓછા સંસાધનોની મદદથી શક્તિશાળી પ્રોડક્ટ્સ બનાવી શકે છે.

એઆઈ જેવી ટેકનોલોજીઓની ઝડપી પ્રગતિના કારણે સંશોધનનું આખુ ઇકોનોમિક્સ જ બદલાઈ ગયું છે.તેના કારણે પ્રતિભાશાળીઓ કર્મચારીઓની નાની ટીમ મોટામાં મોટી કંપનીઓને પણ હંફાવી શકે છે. આના આધારે જ હું કહું છું કે આગામી એક ટ્રિલિયન ડોલર કંપની માંડ પાંચેક કર્મચારીની હશે,એમ તેમણે જણાવ્યું હતું. આમ અબજો ડોલરની કંપની બનાવવા માટે જરૂર પડતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે.

તેમણે જણાવ્યું હતું કે એઆઈ ફક્ત ટૂલ બની રહ્યુ નથી, પરંતુ સંગઠનોનું ઓપરેટિંગ  ફ્રેમવર્ક બની રહ્યું છે. કંપનીઓએ તેમના વર્કફ્લોને રિડિઝાઇન કરવો શરૂ કરી દીધો છે, જેથી એઆઈ સિસ્ટમ્સ બીજી એઆઈ સિસ્ટમ્સ સાથે સરળતાથી સંવાદ સાધી શકે. ભવિષ્યમાં એઆઈના લીધે ઘણું બધુ કામકાજ ઓટોમેટિક રીતે થશે.  કર્મચારીઓ ફક્ત ડેશબોર્ડ જોતાં રહેશે અને સિસ્ટમ્સ મોનિટરિંગ કરશે.