અમેરિકાના વલણમાં અચાનક પલટો : ખુલ્લેઆમ યુક્રેનની સાથે ગયું : પ્રમુખ પુતિન હવે શું કરશે ?

- જાગતિક પરિસ્થિતિમાં પણ અણધાર્યો વળાંક આવશે ?
- અમેરિકાએ હવે રશિયાના ઊર્જા સ્ત્રોતો (ઑઇલ પાઇપલાઇન) ઉપર મિસાઇલ હુમલા કરવા યુક્રેનને કહ્યું : પેન્ટાગોન ગુપ્ત માહિતીઓ પણ તેને આપશે
ન્યૂયોર્ક/ વૉશિંગ્ટન : ધી વૉલ સ્ટ્રીટ જર્નલે વિશ્વસનીય સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું છે કે, અમેરિકા હવે યુક્રેનને રશિયાના ઊર્જા-સ્ત્રોતો પર મિસાઇલ હુમલા માટે જરૂરી જાસૂસી માહિતી આપશે. ગઈકાલ સુધી તો અમેરિકા શાંતિની દુહાઈ આપતું હતું અને રશિયા- યુક્રેન યુદ્ધ વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવાનો દાવો કરતું હતું પરંતુ હવે લાગે છે કે, તે તેના તે વલણમાંથી પાછું ફરી રહ્યું છે. રશિયા- યુક્રેન યુદ્ધમાં નવો જ વળાંક આવી રહ્યો છે. તેણે યુક્રેનને દરેક પ્રકારની સહાયતા કરવા નિર્ણય કર્યો છે.
અમેરિકા પાસે રશિયા તેલ- સંશોધન સંયંત્રો, પાઇપ-લાઇનો તથા અન્ય પાયારૂપ માળખા વિષે સંપૂર્ણ માહિતી છે તે યુક્રેનને આપી રશિયાની આર્થિક શક્તિ તોડવાનો તેનો હેતુ છે. વાત સીધી છે ઑઇલ સંશાધનોમાં જ મુશ્કેલી સર્જાતા રશિયાની આર્થિક તાકાત તૂટી જાય.
અમેરિકી અધિકારીઓએ નાટોના સહયોગી દેશોને અનુરોધ કર્યો છે કે તેઓએ કીવને દરેક પ્રકારની સહાય કરવા અમેરિકા યુક્રેનને 'ટૉમ હૉક' ક્રૂઝ મિસાઇલ્સ અને બાટાફુડા જેવા શસ્ત્રો આપવાનું છે. જો કે, તેનો અંતિમ નિર્ણય નથી લેવાયો પરંતુ તે માટે સંભાવના ઘણી લાગે છે.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રોમાં રશિયાના સ્થાયી દૂતે ૧લી ઑક્ટોબરે ચેતવણી આપી હતી કે જો અમેરિકા, કીવને 'ટૉમ હૉક' ક્રૂઝ મિસાઇલ આપવાનો નિર્ણય લેશે તો મોસ્કો તેનો બરોબરનો જવાબ આપશે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરૉવે આ સપ્તાહના પ્રારંભે જ કહ્યું હતું કે, 'ભલે અમેરિકા યુક્રેનને ટૉમહૉક મિસાઇલ્સ આપે પરંતુ તે સૈન્ય પરિદ્રશ્યને કોઈ રીતે પ્રભાવિત નહીં કરી શકે.'
ઉલ્લેખનીય છે કે, 'ટૉમ હૉક' મિસાઇલ્સની રેન્જ ૧,૫૦૦ માઇલ સુધીની છે તેથી મોસ્કો યુક્રેન પ્રહારની ત્રિજયામાં આવી જાય છે.
ન્યૂયોર્ક- પોસ્ટના એક રીપોર્ટ પ્રમાણે ઝેલેન્સ્કીએ ગત સપ્તાહે એક મિટિંગમાં કીવને ટૉમ હૉક મિસાઇલ્સ આપવા અનુરોધ કર્યો હતો. અમેરિકાના કમાન્ડર-ઇન-ચીફે આ માગણી પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું હતું.
ટ્રમ્પે હજી સુધીમાં પહેલી જ વાર કહ્યું હતું કે, યુક્રેને તેની મૂળ ભૌગોલિક સીમા ફરીથી પ્રાપ્ત કરવી જ રહી.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે તો ટ્રમ્પ કહેતા હતા કે યુક્રેને શાંતિ સ્થાપના માટે તેમની ભૂમિનો વિસ્તાર રશિયાના હાથમાં છે તે કીવીઝ દ્વિપકલ્પ સહિત બધો વિસ્તાર રશિયાના હાથમાં રહેવા દેવો જોઈએ. જો કે, ઝેલેન્સ્કીએ તે સૂચન જરા પણ સ્વીકાર્યું ન હતું. હવે ટ્રમ્પ પોતાનું જૂનું વલણ બદલી યુક્રેનને તેની તમામ ભૂમિ (અત્યારે રશિયાના હાથમાં છે તે) પાછી મેળવવા પૂરો અધિકાર છે તેમ કહે છે તેમાં રશિયાને કાગળનો વાઘ કહે છે અને કહે છે કે યુક્રેન ઉપર આક્રમણ કરી રશિયા દેવાળિયું બની ગયું છે.








