World

મેક્સિકોમાં બેફામ ટ્રકે અનેક વાહનોનો બુકડો બોલાવ્યો, 9 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
મેક્સિકોના જાલિસ્કો રાજ્યમાં ગ્વાડાલાજારા-ટેપિક હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હોસ્તોતિપાક્વિલો નજીક એક બેફામ ટ્રકે ઉભેલા વાહનોને ટક્કર મારતા 2 બાળકો સહિત 9 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે. આગ લાગતા વાહનો ખાખ થયા હતા. અગાઉના અકસ્માત સ્થળે આ દુર્ઘટના બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેક્સિકોમાં બેફામ ટ્રકે અનેક વાહનોનો બુકડો બોલાવ્યો, 9 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

Mexico Accident: મેક્સિકોના પશ્ચિમી રાજ્ય જાલિસ્કોમાં રવિવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક બેફામ ટ્રકે હાઈવે પર ઉભેલા અનેક વાહનોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત 9 લોકોના કરુણ મોત થયા છે અને અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ

જાલિસ્કોની સિવિલ પ્રોટેક્શનના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત ગ્વાડાલાજારા અને ટેપિકને જોડતા હાઈવે પર હોસ્તોતિપાક્વિલો શહેર નજીક સર્જાયો હતો. આ ટક્કર એટલી ભીષણ હતી કે બે માલવાહક ટ્રક અને અન્ય ત્રણ વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ હતી.

ઈજાગ્રસ્તોમાં અમેરિકન નાગરિકો પણ સામેલ

ટ્રકના કારણે અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં 9 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે.

સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ગ્વાડાલાજારા અને ટેપિકને જોડતા હાઈવે પર કેટલાક વાહનો ભયાનક આગની લપેટમાં ઘેરાયેલા નજર આવી રહ્યા છે.

ઘટનાસ્થળ પર પહેલા જ દુર્ઘટના સર્જાઈ ચૂકી હતી

નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળે એક અન્ય અકસ્માત પહેલાથી જ સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલા અગાઉના અકસ્માત બાદ માર્ગ કર્મચારીઓ અને રાહત-બચાવ ટીમ ત્યાં રાહત કામગીરીમાં વ્યસ્ત હતી. આ દરમિયાન જ એક ત્રીજા પુરપાટ ઝડપે આવી રહેલા માલવાહક ટ્રકે ત્યાં ઉભેલા સ્થિર વાહનોને ભયાનક ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતમાં મેક્સિકન નેશનલ ગાર્ડનું પેટ્રોલિંગ વાહન પણ ક્ષતિગ્રસ્ત

આ ટક્કરના પરિણામે બે માલવાહક ટ્રક અને અન્ય ત્રણ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં મેક્સિકન નેશનલ ગાર્ડનું એક પેટ્રોલિંગ વાહન પણ ક્ષતિગ્રસ્ત થયું હતું, જેના કારણે આ હોનારત વધુ ગંભીર બની ગઈ.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ હજુ સુધી આ બીજી ટક્કરના ચોક્કસ કારણો શોધી નથી શક્યા અને મામલાની તપાસ ચાલી રહી છે.