World

જાપાનમાં રવિવારે વહેલી સવારે 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ટોક્યો સહિત પૂર્વ વિસ્તારમાં 23 લોકો ઈજાગ્રસ્ત

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
જાપાનમાં રવિવારે વહેલી સવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજધાની ટોક્યો સહિત પૂર્વ જાપાનના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દક્ષિણ ઇબારાકી પ્રાંતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. આ ઘટનામાં 4 પ્રાંતોમાં કુલ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, કોઈ સુનામીની ચેતવણી નથી અને મોટા નુકસાનના અહેવાલ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનમાં રવિવારે વહેલી સવારે 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ટોક્યો સહિત પૂર્વ વિસ્તારમાં 23 લોકો ઈજાગ્રસ્ત

Japan Earthquake 2026 : જાપાનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. પાટનગર ટોક્યો સહિત પૂર્વ જાપાનના અનેક વિસ્તારોમાં આવેલા આ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ છે. સત્તાવાર માહિતી અનુસાર, આ આંચકાના કારણે વિવિધ સ્થળોએ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે રાહતની વાત એ છે કે ભૂકંપ બાદ કોઈ સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. વહિવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ભૂકંપનું કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારો
જાપાન હવામાન એજન્સી (JMA) ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ ઇબારાકી પ્રાંતમાં જમીનથી આશરે 70 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સરવે (USGS) અનુસાર આ ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. આ ભૂકંપના આંચકા રાજધાની ટોક્યો અને તેની આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અત્યાર સુધીમાં કોઈ મોટા વ્યાપક નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

4 પ્રાંતમાં 23 લોકો ઈજાગ્રસ્ત

અધિકારીઓના રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે 4 પ્રાંતોમાં કુલ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સાઇતામામાં 9, કાનાગાવામાં 9, ચિબામાં 4 અને ઇબારાકીમાં 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. મોટાભાગના લોકો તે સમયે ઘાયલ થયા હતા જ્યારે તેઓ ઘરમાં ઊંઘી રહ્યા હતા અને અચાનક ભૂકંપના આંચકા આવતા ગભરાઈને ભાગવા જતાં પડી ગયા હતા અથવા ફર્નિચર સાથે અથડાયા હતા. યોકોહામા શહેરના એક અહેવાલ મુજબ 80 વર્ષથી વધુ વયના એક વૃદ્ધા પલંગ પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી.

જાપાનમાં સતત ભૂકંપનો સિલસિલો

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે. આ અગાઉ 28 જુલાઈના રોજ ક્યુશુ દ્વીપ પર 7.1 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના પગલે 1 મીટર ઊંચી સુનામીની આશંકા વ્યક્ત કરાઈ હતી. જાપાન પાસે વિશ્વની સૌથી ઉત્કૃષ્ટ ભૂકંપ એલર્ટ સિસ્ટમ છે, જે થોડી જ સેકન્ડોમાં નાગરિકોને સત્તાવાર ચેતવણી મોકલી દે છે. આ તકનીકને કારણે જાનમાલનું નુકસાન ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ મદદ મળે છે.